Thu Nov 19 2026

Logo

વિદેશી હૂંડિયામણની અનામત વધુ 8.578 અબજ ડૉલર ઘટી

2026-10-17 19:29:00
Author: Ramesh Gohil
વિદેશી હૂંડિયામણની અનામત વધુ 8.578 અબજ ડૉલર ઘટી

મુંબઈઃ ગત નવમી ઑક્ટોબરના રોજ પૂરા થયેલા સપ્તાહે દેશની વિદેશી હૂંડિયામણની અનામત 8.578 અબજ ડૉલરના ઘટાડા સાથે 726.027 અબજ ડૉલરની સપાટીએ રહી હોવાનું રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ સાપ્તાહિક આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે. નોંધનીય બાબત એ છે કે આ પૂર્વેના સપ્તાહે પણ અનામત 12.952 અબજ ડૉલરના ઘટાડા સાથે 734.606 અબજ ડૉલરની સપાટીએ રહી હતી. 

અગાઉ ગત ચોથી સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહે ખાસ કરીને રિઝર્વ બૅન્કની સ્પેશિયલ ક્નસેશનલ સ્વેપ ડિપોઝીટ સ્કીમમાં 133 અબજ ડૉલરનો આંતરપ્રવાહ રહેતાં દેશની વિદેશી હૂંડિયામણની અનામત વધીને 785.706 અબજ ડૉલરની વિક્રમ સપાટીએ રહી હતી. જોકે, ત્યાર બાદ ઘટાડાતરફી વલણ જોવા મળ્યું હતું. 

દરમિયાન સમીક્ષા હેઠળના સપ્તાહમાં દેશની કુલ વિદેશી હૂંડિયામણની અનામતમાં બહોળો હિસ્સો ધરાવતી વિદેશી ચલણી અસ્ક્યામતો 7.142 અબજ ડૉલરના ઘટાડા સાથે 597.605 અબજ ડૉલરના સ્તરે રહી હતી. નોંધનીય બાબત એ છે કે વિદેશી ચલણી અસ્ક્યામતોમાં સપ્તાહ દરમિયાન ડૉલર ઉપરાંત યુરો, પાઉન્ડ અને યેન જેવાં અન્ય મુખ્ય ચલણો સામે રૂપિયામાં થયેલી વધઘટને પણ ધ્યાનમાં લેવામાં આવતી હોય છે. 

વધુમાં સપ્તાહ દરમિયાન દેશની સોનાની અનામત 1.319 અબજ ડૉલર ઘટીને 105.094 અબજ ડૉલરના સ્તરે, ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથેના સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ 10.9 કરોડ ડૉલર ઘટીને 18.548 અબજ ડૉલર અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથેની અનામત એક કરોડ ડૉલરના ઘટાડા સાથે 4.78 અબજ ડૉલરની સપાટીએ રહી હોવાનું રિઝર્વ બૅન્કે યાદીમાં ઉમેર્યું હતું.