Mon Nov 16 2026

Logo

બાન્દ્રાના વી.એન. સ્ફિઅર મૉલમાં આગ: ત્રણ કલાકે આગ પર નિયંત્રણ...

2026-10-30 18:43:09
Author: Sapna Desai
બાન્દ્રાના વી.એન. સ્ફિઅર મૉલમાં આગ: ત્રણ કલાકે આગ પર નિયંત્રણ...

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બાન્દ્રા (પશ્ચિમ)માં લિકિંગ રોડ પર આવેલા વી.એન. સ્ફિઅર મૉલમાં શુક્રવારે વહેલી સવારે એક રૅસ્ટોરન્ટમાં આગ લાગી હતી, જે લગભગ ત્રણ કલાકે નિયંત્રણમાં આવી હતી. સદ્નસીબે આગમાં કોઈ જખમી થયું નહોતું.લિકિંગ રોડ પર ધનરાજ રેસ્ટોરન્ટની નજીક આવેલો ગ્રાઉન્ડ પ્લસ પાંચ માળના વી.એન. સ્ફિઅર મૉલના ત્રીજા માળે આવેલી એક રૅસ્ટોરન્ટમાં વહેલી સવારના સાડા પાંચ વાગ્યાની આસપાસ આગ ફાટી  નીકળી હતી.  

જોકે છ વાગ્યાની આસપાસ ફાયરબિગ્રેડને આગની જાણ કરવામાં આવી હતી. એ બાદ ૬.૩૦ વાગ્યાની આસપાસ  આઠ ફાયર ઍન્જિન, વોટર ટેન્કર સહિત અન્ય સાધનો સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. મુંબઈ ફાયરબ્રિગેડના અધિકારીએ જણાવ્યું કે રેસ્ટોરન્ટના કીચનમાં આગને કારણે મોટા પ્રમાણમાં ધુમાડો ફેલાઈ ગયો હતો.  

ધુમાડાને કારણે ફાયરબિગ્રેડને આગ બુઝાવવા માટે અંદર પ્રવેશ કરવામાં અવરોધ નિર્માણ થયો હતો. જોકે ભારે જહેમત બાદ ફાયરબિગ્રેડના જવાનોએ સવારે ૮.૫૫ વાગ્યે આગ સંપૂર્ણપણે નિયંત્રણમાં લાવી હતી. જોકે કુલિંગ ઓપરેશન મોડે સુધી ચાલ્યું હતું. આગ લાગવાનું ચોક્કસ કારણ અને નુકસાનનું પ્રમાણ  જાણી શકાયું નહોતું.

વધુ જુઓ...