Mon Oct 12 2026

Logo

થાણેમાં ૧૨ માળની બિલ્ડિંગમાં આગ: સાતને બચાવાયા

2026-09-20 18:19:25
Author: Sapna Desai
થાણેમાં ૧૨ માળની બિલ્ડિંગમાં આગ: સાતને બચાવાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે:
થાણે(પશ્ર્ચિમ)માં શિવાઈ નગરમાં આવેલી ગ્રાઉન્ડ પ્લસ ૧૨ માળની રહેણાક ઈમારતમાં શનિવારે મોડી રાતે આગ લાગ્યા બાદ સાત લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હોવાનું પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું.

થાણે ડિઝાસ્ટર કંટ્રોલના જણાવ્યા મુજબ  શનિવારે રાત્રે લગભગ ૯.૩૦ વાગ્યે દેવદયા નગર વિસ્તારમાં આવેલા ઉન્નતિ ગાર્ડન નજીકની ટ્યુલિપ બિલ્ડિંગના આઠમા માળે આવેલા  ફ્લેટ નંબર ૮૦૨માં આગ ફાટી નીકળી હતી. 
આગની જાણ થતા ઘટના સ્થળે ત્રણ ફાયર એન્જિન, થાણે ડિઝાસ્ટર કંટ્રોલ ફોર્સ સહિત પોલીસ પહોંચી ગયા હતા અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. આગની જ્વાળાઓ અને ધુમાડો ઉપર ફેલાઈ જતા સાત લોકો સૌથી ઉપરના માળે ફસાઈ ગયા હતા. ડિઝાસ્ટર કંટ્રોલ મેનેજમેન્ટ ટીમે સાતેય લોકોને સુરક્ષિત રીતે નીચે ઊતાર્યા હતા.

ફાયરબિગ્રેડે એક કલાકમાં આગ પર નિયંત્રણ મેળવ્યું હતં. આગ લાગવાનું ચોક્કસ કારણ  જાણી શકાયું નથી, પરંતુ ફ્લેટમાં રહેલા એસી,ટીવી, ઈલેક્ટ્રિક વાયરિંગ સહિતનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો.