મુંબઈ: મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)એ રાજ્યવ્યાપી કાર્યવાહીમાં સ્વચ્છતા અને ફૂડ સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ 25 ફૂડ જોઈન્ટ્સના લાઇસન્સ સસ્પેન્ડ કર્યા છે. જેમાં પુણેમાં આવેલા ડોમિનોઝ પિઝાના 6 આઉટલેટ્સનો પણ સમાવેશ થાય છે
રાજ્યવ્યાપી કડક કાર્યવાહીના ભાગરૂપે મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)એ રાજ્યમાં 25 ખાદ્ય સંસ્થા (ફૂડ જોઈન્ટ્સ) અને ચાર ખાદ્ય તેલ તેમ જ મસાલા ઉત્પાદન એકમના લાઇસન્સ સ્થગિત (સસ્પેન્ડ) કર્યા છે.પુણે ડિવિઝનમાં જે સંસ્થાઓના લાઇસન્સ રદ કરવામાં આવ્યા છે તેમાં ડોમિનોઝ પિઝાના છ આઉટલેટ્સનો સમાવેશ થાય છે. આ કાર્યવાહીમાં છત્રપતિ સંભાજીનગર ડિવિઝનના જાલના અને પરભણીના આઉટલેટ્સ પણ આવરી લેવાયા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.
એફડીએ દ્વારા છ ડિવિઝનની 37 સંસ્થામાંથી આશરે ₹ 1.73 કરોડની કિંમતનો 81,330 કિલો શંકાસ્પદ સબસ્ટાન્ડર્ડ (નિમ્ન ગુણવત્તાવાળો), ભેળસેળયુક્ત અથવા ખોટા લેબલવાળો ખાદ્ય પદાર્થોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.જપ્ત કરાયેલા સ્ટોકમાં ખાદ્ય તેલ, મરચું અને હળદર પાવડર, સોપારી, ડ્રાયફ્રૂટ્સ, સાબુદાણા, ભગર, રાજગરો, ચાનો પાવડર અને મીઠાઈઓનો સમાવેશ થાય છે. જપ્ત કરાયેલા ઉત્પાદનોના નમૂના લેબોરેટરી એનાલિસિસ (પરીક્ષણ) માટે મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ હેઠળ વધુ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
એફડીએ એ જણાવ્યું હતું કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ (લાઈસન્સિંગ એન્ડ રજિસ્ટ્રેશન ઓફ ફૂડ બિઝનેસીસ) રેગ્યુલેશન્સ 2011ના શેડ્યૂલ ચારના ઉલ્લંઘનનું નિરીક્ષણ (તપાસ) કર્યા બાદ આ ફૂડ જોઈન્ટ્સ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. મુંબઈ ડિવિઝનમાં સાત અને કોંકણમાં બે સંસ્થાના લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જ્યારે પુણે અને છત્રપતિ સંભાજીનગર ડિવિઝનમાં આ આંકડો આઠ-આઠનો હતો.
તપાસમાં શ્રેણીબદ્ધ નિયમોનું ઉલ્લંઘન
આ તપાસ દરમિયાન સ્વચ્છતા સંબંધિત શ્રેણીબદ્ધ નિયમોનો ભંગ કરવામાં આવ્યો હતો, જેમાં જીવતા વંદા (કોકરોચ), ફૂગનું સંક્રમણ, ગંદા વાસણો, અયોગ્ય રીતે સંગ્રહ કરવા અને શાકાહારી સાથે સાથે માંસાહારી ફૂડનું અલગ રાખવાનું જરુરી છે, પરંતુ એમ જોવા મળ્યું નહોતું, એમ એફડીએએ જણાવ્યું હતું.મુંબઈમાં ઉત્પાદન પરિસર અને સ્વચ્છતા સંબંધિત ઉલ્લંઘન જણાતાં એક મીઠાઈ ઉત્પાદકને બંધ કરવાની નોટિસ પણ આપવામાં આવી હતી. એના સિવાય શંકાસ્પદ નિમ્નસ્તરના ભેળસેળયુક્ત અને બનાવટી લેબલવાળા ખાદ્ય ઉત્પાદનો સામેની કાર્યવાહીના પરિણામે ₹ 1.73 કરોડની જપ્તી થઈ હતી, જેમાં વિભાગે 37 સંસ્થા સામે કાર્યવાહી કરી હોવાનું જણાવ્યું હતું.
છત્રપતિ સંભાજીનગર ડિવિઝનમાં ₹ 48.40 લાખની કિંમતનો 37,251 કિલો સ્ટોક જપ્ત કરવામાં આવ્યો હતો અને ચાર એકમના લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જપ્ત કરાયેલા જથ્થામાં સોયાબીન તેલ, મરચું પાવડર, હળદર પાવડર અને ખાદ્ય મીઠાનો સમાવેશ થાય છે, એમ એફડીએએ જણાવ્યું હતું.
નાગપુર ડિવિઝનમાં સોપારી, મસાલા, ચા પાવડર અને મીઠાઈઓ સહિત ₹45.75 લાખની કિંમતનો સ્ટોક જપ્ત કરાયો હતો. કોંકણ ડિવિઝનમાં જપ્ત કરાયેલા સ્ટોકની કિંમત ₹ 31.95 લાખ હતી, જ્યારે પુણે ડિવિઝનમાં ₹ 36.25 લાખની જપ્તી નોંધાઈ હતી. નાશિક ડિવિઝનમાં ₹ 10.64 લાખની કિંમતના ખાદ્ય ઉત્પાદનો જપ્ત કરવામાં આવ્યા હતા.
એફડીએ દ્વારા 14 અને 15 ઓક્ટોબરે પ્રતિબંધિત ખાદ્ય ઉત્પાદનો સામે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. મુંબઈ, પુણે, કોંકણ અને નાગપુર ડિવિઝનમાં 13 સંસ્થા અને વાહનોની તપાસ કરી હતી અને બે વાહનની સાથે ₹ 18.83 લાખની કિંમતનો પ્રતિબંધિત સ્ટોક જપ્ત કર્યો હતો. આ જપ્ત કરાયેલી કુલ સંપત્તિનું મૂલ્ય ₹ 21.83 લાખથી વધુ હતું, એમ અખબારી યાદીમાં જણાવ્યું હતું.
આ મામલે 10 એફઆઈઆર (FIR) નોંધવામાં આવી હતી અને 10 આરોપીઓ સામે ગુના દાખલ કરવામાં આવ્યા હતા, જ્યારે ચાર સંસ્થાઓને સીલ કરવામાં આવી હતી. પુણેમાં છ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી, છ લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને ત્રણ સંસ્થાને સીલ કરાઈ હતી. કોંકણમાં એક વ્યક્તિની ધરપકડ કરાઈ હતી અને એક સંસ્થાને સીલ કરવામાં આવી હતી, જ્યારે નાગપુરમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.
મુંબઈમાં પ્રતિબંધિત ઉત્પાદનો લઈ જતા વાહનો સાથે સંકળાયેલા અલગ-અલગ ઓપરેશનમાં બે આરોપી સામે કેસ નોંધવામાં આવ્યા છે. એફડીએ કમિશનર તુકારામ મુંઢેએ જણાવ્યું હતું કે પ્રતિબંધિત ખાદ્ય ઉત્પાદનોના વેચાણ, સંગ્રહ અને પરિવહનને રોકવા તેમ જ ફૂડ સેફ્ટીના નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે એફડીએએ રાજ્યવ્યાપી તપાસ કરી રહ્યું છે.