મુંબઈ: મતદાર યાદીઓના સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર)ને લઈને ચાલી રહેલા વિરોધ વચ્ચે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વિપક્ષ પર ગંભીર આરોપ લગાવ્યો હતો અને તેમણે દાવો કર્યો છે કે એસઆઈઆર સામેનો વિરોધ માત્ર મતદાર યાદીઓની સુધારણા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેનો હેતુ લોકશાહી પ્રક્રિયાની બહાર જઈને નરેન્દ્ર મોદીની સરકારને સત્તા પરથી હટાવવાનો છે. જોકે, વિપક્ષે ભાજપના આ આરોપોને નકારી કાઢ્યા છે.
ફડણવીસે શનિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કરેલી ટિપ્પણીઓમાં જણાવ્યું હતું કે વિપક્ષને લોકશાહી રીતે ચૂંટણી જીતીને સત્તામાં આવવાની શક્યતા દેખાતી નથી, તેથી તે દેશમાં અશાંતિ ઊભી કરીને પોતાના રાજકીય હેતુઓ પૂરા કરવા માગે છે. તેમણે આરોપ લગાવ્યો કે એસઆઈઆરનો વિરોધ સરકાર બદલવાના પ્રયાસ માટેનું માત્ર એક બહાનું છે.
મુખ્ય પ્રધાને એસઆઈઆરસામે વિપક્ષના વાંધાઓ પર સવાલ ઉઠાવતાં કહ્યું હતું કે આ અભિયાનનો વિરોધ મતદાર પ્રક્રિયા અંગેની ચિંતાને બદલે સત્તા પરિવર્તનની ઇચ્છાથી પ્રેરિત છે. ફડણવીસે દાવો કર્યો કે આ વિરોધ લાયક મતદારોના મતાધિકારને નબળો પાડવાનો પ્રયાસ છે. તેમણે લોકોને આ વિવાદના લોકશાહી પર પડનારા પ્રભાવ અંગે વિચારવા પણ અપીલ કરી હતી.
ફડણવીસની આ ટિપ્પણીઓ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામેના આંદોલન અને એસઆઈઆરના વિરોધ વચ્ચે આવી છે. અહેવાલ અનુસાર, વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે આ આંદોલનને ‘સત્તા પરિવર્તન માટેની લડાઈ’ ગણાવી હતી, જ્યારે ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ એસોસિયેશનનાં અધ્યક્ષ નેહા બોરાએ બાંગ્લાદેશના જનરેશન ઝેડ આંદોલનનો ઉલ્લેખ કર્યો હતો. ભાજપે આ નિવેદનોને પોતાના આરોપના સમર્થનમાં રજૂ કર્યાં છે.
એસઆઈઆરના વિરોધ પાછળ મોદી સરકારને હટાવવાનો હેતુ હોવાના ભાજપના દાવાને વિપક્ષે નકારી કાઢ્યો છે. વિપક્ષે આંદોલનના હેતુ અંગે ભાજપના અર્થઘટન સામે વાંધો ઉઠાવ્યો છે. આમ, મતદાર યાદી સુધારણા અને ચૂંટણી પ્રક્રિયાને લઈને શરૂ થયેલો વિવાદ હવે કેન્દ્ર સરકારની સત્તા અને વિપક્ષની રાજકીય ભૂમિકા અંગેના આક્ષેપ-પ્રતિઆક્ષેપ સુધી પહોંચ્યો છે.