મુંબઈ: ઇથેનોલનું ઉત્પાદન, પ્રોત્સાહન અને ઉપયોગ ભારતને અસ્થિર આંતરરાષ્ટ્રીય પેટ્રોલિયમ બજારો અને ભૌગોલિક-રાજકીય જોખમોથી સુરક્ષિત રાખશે, એમ રાજસ્થાનના રાજ્યપાલ હરિભાઉ બાગડેએ જણાવ્યું હતું.
"શેરડીના ખેતરો ઇથેનોલના કૂવા અને ભંડાર સમાન હોવા જોઈએ. આપણે વિશ્વનું નેતૃત્વ કરવું જોઈએ," એમ બાગડેએ મુંબઈમાં ભારત ઇથેનોલ ફોરમ, ગ્લોબલ ટર્મરિક કોન્ક્લેવ, મેઝ માર્કેટ્સ સમિટ એન્ડ એક્સ્પો અને બાયો રિસોર્સીસ એન્ડ સર્ક્યુલર ઇકોનોમી સમિટ એન્ડ એક્સ્પોને સંયુક્ત રીતે સંબોધિત કરતી વખતે જણાવ્યું હતું. બાગડેએ ઇથેનોલને પ્રોત્સાહન આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ પ્રધાન નીતિન ગડકરીના વખાણ કર્યા હતા.
મહારાષ્ટ્ર વિધાનસભાના ભૂતપૂર્વ અધ્યક્ષ અને ખાંડ સહકારી મંડળીમાં લાંબો અનુભવ ધરાવતા બાગડેએ યાદ અપાવ્યું કે ભારતમાં ઇથેનોલ મિશ્રણની શરૂઆત અટલ બિહારી વાજપેયી સરકાર દરમિયાન જયારે રામ નાઈક પેટ્રોલિયમ પ્રધાન હતા ત્યારે થઈ હતી. તેમણે કહ્યું કે ખાંડની ફેક્ટરીઓ માત્ર ખાંડના ઉત્પાદન પર ટકી શકતી નથી, કારણ કે તેમની આર્થિક સક્ષમતા મૂલ્યવાન આડપેદાશો પર નિર્ભર હોય છે.
"ઘણી સહકારી મિલો માત્ર ખાંડનું જ ઉત્પાદન કરતી હોવાથી તેમને ભારે નુકસાન વેઠવું પડ્યું હતું. ત્યારબાદ વીજળી માટે કો-જનરેશન પ્લાન્ટ્સ આવ્યા અને તેની પાછળ ઇથેનોલ યુનિટ્સ તથા પ્લાન્ટ-સ્થિત ડિસ્ટિલરીઓ અસ્તિત્વમાં આવી.
કેન્દ્ર સરકારના મજબૂત પ્રોત્સાહન અને મૂડી-સબસિડીને કારણે મહારાષ્ટ્ર અને સમગ્ર દેશમાં ઇથેનોલ પ્લાન્ટ્સનો ઝડપથી ફેલાવો થયો," તેમ રાજસ્થાનના રાજ્યપાલે જણાવ્યું હતું. તેમણે નોંધ્યું કે ઇથેનોલનો ઉપયોગ વાહનના બળતણ, ઔદ્યોગિક રસાયણ અને દવાઓ, પીણાં તથા હેન્ડ સેનિટાઇઝરમાં એક ઘટક તરીકે થાય છે.
તેમણે કહ્યું કે ઇથેનોલ માત્ર શેરડીના રસ અને મોલાસીસમાંથી જ નહીં, પરંતુ મકાઈ અને કૃષિ કચરામાંથી પણ બનાવી શકાય છે.