Tue Oct 13 2026

Logo

EPFOનો મોટો નિર્ણય: પીએફ વેજ સિલિંગ વધારીને ₹ 25,000 કરાઈ, લાખો કર્મચારીઓને ફાયદો

2026-09-16 16:21:00
Author: Mumbai Samachar Team
EPFOનો મોટો નિર્ણય: પીએફ વેજ સિલિંગ વધારીને ₹ 25,000 કરાઈ, લાખો કર્મચારીઓને ફાયદો

નવી દિલ્હીઃ નોકરિયાત કર્મચારીઓ માટે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. એમ્પ્લોઈ પ્રોવિડંડ ફંડ (EPF)ની વેજ સિલિંગ લિમિટ ₹ 15,000થી વધારીને ₹ 25,000 માસિક કરી દીધી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કેબિનેટની બેઠકને લઈને બ્રિફિંગમાં જણાવ્યું હતું કે, તા. 17 સપ્ટેમ્બરના આ નિર્ણય લાગુ થઈ જશે. સરકારના આ પગલાંથી આશરે 51 લાખ કર્મચારીઓને ફાયદો થશે.
 
આ નવા નિર્ણયથી કર્મચારીઓના PF અને પેંશન ખાતામાં દર મહિને થોડી વધારે રકમ જમા થશે. આનાથી એમની નિવૃતિનું જે ફંડ છે એ વધારે મજબૂત થશે. આ યોજના લાગુ કરવા માટે સરકારે ₹ 11,339 કરોડ રૂપિયા વધારાના ફાળવ્યા છે. આનાથી સરકારી તિજોરી પર થોડું આર્થિક ભારણ આવશે પણ કર્મચારીઓને ફાયદો થશે.

પીએફના દાયરામાં આવશે
વેતન સીમામાં આ વધારો થયા બાદ હવે ₹ 25,000 સુધી બેઝિક સેલેરી ધરાવતા કર્મચારીઓને અનિવાર્ય રૂપે પીએફના દાયરામાં આવશે. PF કપાતમાં વધારાને કારણે કર્મચારીઓના હાથમાં આવતા પગારમાં (ટેક-હોમ પે) થોડો ફેરફાર થઈ શકે છે, પરંતુ લાંબા ગાળે તેમનું ભવિષ્ય વધુ સુરક્ષિત રહેશે. અગાઉ, 2014માં આ મર્યાદા ₹ 6500થી વધારીને ₹ 15,000 કરવામાં આવી હતી. 
જો કોઈ કર્મચારીનો મૂળ પગાર અને મોંઘવારી ભથ્થું (DA) મળીને કુલ રકમ ₹ 25,000 કે તેથી ઓછી હોય, તો કંપની માટે તેમને EPFના દાયરામાં લાવવા ફરજિયાત છે. જો કર્મચારીનો મૂળ પગાર અને DA મળીને કુલ રકમ ₹ 25,000થી વધુ હોય અને તેઓ પ્રથમ વખત નોકરી કરી રહ્યા હોય એટલે કે તેઓ અગાઉથી EPFના સભ્ય ન હોય તો EPFમાં જોડાવવું ફરજિયાત નથી. 
આવા કર્મચારી પાસે EPF પસંદ કરવું કે નહીં તે નક્કી કરવાનો વિકલ્પ રહેશે. અન્ય એક જરૂરી વાત સમજવી જોઈએ કે,  ફરજિયાત EPF યોગદાન માટેની વેતન મર્યાદા ₹ 15,000 પર યથાવત રહેશે. આનો અર્થ એ છે કે કંપની અને કર્મચારી બંને તરફથી થતું ફરજિયાત EPF યોગદાન ₹ 15,000 સુધીના પગારના આધારે ગણવામાં આવશે. 

ઉદાહરણ સાથે સમજો
ઉદાહરણ તરીકે, જો કોઈ કર્મચારીનો મૂળ પગાર (basic salary) અને મોંઘવારી ભથ્થું (DA) મળીને કુલ ₹ 20,000 થતા હોય, તો EPF યોજનામાં તેમનું જોડાણ ફરજિયાત રહેશે, પરંતુ ફરજિયાત યોગદાનની ગણતરી માત્ર ₹ 15,000ની મર્યાદા સુધી જ કરવામાં આવશે. જો કોઈ કર્મચારીનો મૂળ પગાર અને મોંઘવારી ભથ્થું (DA) મળીને ₹ 30,000 થતા હોય અને તેઓ અગાઉથી EPF સભ્ય ન હોય તો નવી નોકરીમાં EPF યોજનામાં જોડાવવું તેમના માટે ફરજિયાત રહેશે નહીં. તેઓ પોતાની મરજીથી તેમાં જોડાઈ શકે છે. તેથી, ₹ 25,000ની નવી મર્યાદા મુખ્યત્વે EPF કવરેજને અસર કરે છે, જ્યારે ફરજિયાત યોગદાન માટેની મર્યાદા ₹15,000 જ રહે છે. આનાથી નોકરિયાત વર્ગને ફાયદો થશે અને પેંશન લેનારા સિનિયર સિટિઝનને પણ ફાયદો થવાનો છે.