નવી દિલ્હીઃ ભારતમાં ચાલી રહેલે SIR પ્રક્રિયા મુદ્દે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અત્યારે વિવાદમાં આવ્યાં છે. વિપક્ષી પાર્ટીઓને નેતાઓ એકસાથે જ્ઞાનેશ કુમારનો વિરોધ કરી રહ્યા છે અને તેમને પદ પરથી હટાવવા માટે માંગણી કરવામાં આવી રહી છે. ચૂંટણી પંચની આંતરિક નિર્ણય પ્રક્રિયામાં ગંભીર મતભેદો હોવાના અહેવાલો સપાટી પર આવ્યા બાદ વિપક્ષી દળોએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને પંચની કામગીરી સામે સવાલે કર્યાં છે.
નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)ના સાંસદ સુપ્રિયા સુળેએ આ સમગ્ર મામલે તાત્કાલિક સર્વપક્ષીય બેઠક બોલાવવાની માંગ કરી છે. આ સિવાય સમાજવાદી પાર્ટી (સપા), કોંગ્રેસ, આમ આદમી પાર્ટી (આપ), ડાબેરીઓ અને તૃણમૂલ કોંગ્રેસ સહિતના વિપક્ષી નેતાઓએ ચૂંટણી પંચની કાર્યપદ્ધતિ તેમ જ SIR સામે ગંભીર સવાલો કરી જ્ઞાનેશ કુમારને ઘેરવાનો પ્રયત્ન કર્યો છે. આક્ષેપો એવા પણ થઈ રહ્યાં છે કે અત્યારે ચૂંટણી પંચ ભાજપના ઈશારે કામ કરે છે અને ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના કહેવાથી એસઆઈઆર પ્રક્રિયામાં ગેરરીતિ આચરવામાં આવી છે.
સુપ્રિયાએ કેમ કરી સર્વપક્ષીય બેઠકની માંગ?
એનસીપી (એસપી)ના સાંસદ સુપ્રિયા સુળેએ જણાવ્યું કે, ચૂંટણી પંચ જેવી બંધારણીય સંસ્થાની અંદર જ મતભેદો હોવાની ખબર અત્યંત ચિંતાજનક છે અને તમામ રાજકીય પક્ષો વચ્ચે આ મુદ્દે ખુલ્લી ચર્ચા થવી જરૂરી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે આ વિવાદ માત્ર કોઈ એક રાજકીય પક્ષ પૂરતો સીમિત નથી, પરંતુ દેશના દરેક નાગરિકના બંધારણીય અને લોકશાહી અધિકારો સાથે જોડાયેલો છે.
જો વ્યવસ્થા જ નબળી પડવા લાગે તો નાગરિકો કોના પર વિશ્વાસ મુકશે? આ સાથે એવું પણ કહ્યું કર્યું કે, પહેલાં એ સ્પષ્ટ થવું જરૂરી છે કે સામે આવેલા આક્ષેપોમાં કેટલી સચ્ચાઈ છે? તેમની માંગણી છે કે, આ મામલે નિષ્પક્ષ તપાસ કરવી જોઈએ.
ચૂંટણી કમિશનર પર કેમ વિપક્ષ ભડક્યું?
આ સમગ્ર વિવાદની શરૂઆત એક રિપોર્ટથી થઈ છે, જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધૂ અને વિવેક જોષીએ છેલ્લા 10 મહિનામાં ઓછામાં ઓછી 14 વખત પંચના નિર્ણયો અને આદેશો પર સત્તાવાર આપત્તિ નોંધાવી હતી.
આ વાંધાઓ સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) દરમિયાન નવા મતદારોનું રજિસ્ટ્રેશન, મતદાતા યાદીમાંથી નામો દૂર કરવા કે પુનઃસ્થાપિત કરવા, ફોર્મ-૬માં થયેલા સુધારા અને ડેટાબેઝ મેનેજમેન્ટને લગતા હતા. આ મામલે હવે વિપક્ષ દ્વારા આક્રમક મૂડમાં આવી આક્ષેપો કરવામાં આવી રહ્યાં છે.
વિપક્ષી પાર્ટીઓ આ કેસમાં શું કહ્યું?
અખિલેશ યાદવે કહ્યું કે, જો બંધારણીય સંસ્થાની અંદર જ અધિકારીઓ વારંવાર લિખિત આપત્તિ નોંધાવી રહ્યા હોય, તો સવાલ એ ઊભો થાય છે કે પંચ કોના હિતમાં કામ કરી રહ્યું હતું? સત્તા ટકાવી રાખવા માટે બંધારણીય સંસ્થાઓ સાથે ચેડાં કરવાથી લોકશાહી નબળી પડે છે. તે પછી કોંગ્રેસના સાંસદ કે. સી. વેણુગોપાલ આરોપ લગાવ્યો કે, મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વડાપ્રધાન અને ભાજપના એજન્ટની જેમ કામ કરી રહ્યા છે. તેમણે દાવો કર્યો કે સામાન્ય લોકોના મતાધિકાર છીનવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, તેથી જ્ઞાનેશ કુમારે તુરંત રાજીનામું આપવું જોઈએ અથવા તેમને પદ પરથી હટાવવા જોઈએ.
આ સાથે આઝાદ સમાજ પાર્ટીના નગીના બેઠકના સાંસદ ચંદ્રશેખર આઝાદે કહ્યું કે, મોટા પાયે મતદારોના નામ કાપવામાં આવ્યા હોવાના અહેવાલો ગંભીર છે અને SIR પ્રક્રિયા જે રીતે ચલાવવામાં આવી રહી છે તેનાથી લોકોના મતાધિકાર પર સવાલો ઊભા થાય છે. આ વિવાદમાં સાંસદ બ્રિટાસે સંસદમાં મુખ્ય ચૂંટણી કમિશનર સામે પદ પરથી હટાવવાની પ્રક્રિયા શરૂ કરવા અને સુપ્રીમ કોર્ટ પાસે હસ્તક્ષેપની માંગ કરી. જ્યારે ટીએમસી નેતા ડેરેક ઓબ્રાયને રાજ્યસભામાં અગાઉ રજૂ કરાયેલા પ્રસ્તાવને આગળ ધપાવવાની વાત કરી છે.
મહત્વપૂર્ણ વાત એ છે કે, શિવસેના (UBT)ના સંજય રાઉતે ચૂંટણી પંચને આડે હાથ લીધું. જ્યારે કોંગ્રેસના જયરામ રમેશ અને મનીષ તિવારીએ જણાવ્યું કે, જો રિપોર્ટના તથ્યો સાચા હોય તો ચૂંટણી પંચની નિષ્પક્ષતા સામે મોટો પ્રશ્નાર્થ ચિહ્ન ઊભો થાય છે. મૂળ વાત એ છે કે, અત્યારે ભારતના વિફક્ષી નેતાઓ જ્ઞાનેશ કુમાર સામે મોરચો માંડી રહ્યાં છે.
SIR મુદ્દે AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પર રાજદ્રોહનો ગુનો દાખલ કરવા કરી માંગણી કરી છે. તેમણે કહ્યું કે, SIR ના માધ્યમથી 13 કરોડથી વધુ લોકોના નામ ડિલીટ કરી દેવામાં આવ્યા છે, આ પ્રક્રિયા ગેરકાયદેસર, કારણ કે તેને ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર રીતે મંજૂરી આપવામાં આવી નથી. આ સાથે દિલ્હી, હરિયાણા, બિહાર અને પશ્ચિમ બંગાળમાં ફરીથી ચૂંટણી કરવા માટે પણ માંગણી કરી છે.
પૂર્વ CEC એસ. વાય. કુરેશીનું મહત્વનું નિવેદન
પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એસ. વાય. કુરેશીએ જણાવ્યું હતું કે તેઓ શરૂઆતથી જ SIR પ્રક્રિયાની પદ્ધતિઓ સામે સવાલો ઉઠાવતા આવ્યા છે. તેમણે કહ્યું કે પહેલાં તેમને એ ચિંતા હતી કે બંને ચૂંટણી કમિશનરો પોતાના વાત જાહેર કેમ નથી કરી રહ્યા, પરંતુ હવે ખબર પડી કે તેઓ લેખિત નોટ દ્વારા પોતાની આપત્તિઓ નોંધાવી રહ્યા હતા. એસ.વાય. કુરેશીએ આ બાબતને હકારાત્મક રીતે વર્ણવતા જણાવ્યું હતું કે તેનાથી તેમના પ્રત્યેનો તેમનો આદર વધ્યો છે. તેમણે નોંધ્યું હતું કે બંધારણ ચૂંટણી પંચ પાસેથી નિષ્પક્ષ રહેવાની અપેક્ષા રાખે છે અને આ જ ઉદ્દેશ્ય સાથે પંચને બહુ-સદસ્યીય સંસ્થા બનાવવામાં આવી હતી.