Mon Nov 16 2026

Logo

ટૅક વ્યૂહ: એલ કેપિટન: યુટ્યૂબમાંથી કરોડો કમાઈ રહ્યા છે ભારતીયો

2026-11-01 09:16:43
Author: Viral Rathod
ટૅક વ્યૂહ: એલ કેપિટન: યુટ્યૂબમાંથી કરોડો કમાઈ રહ્યા છે ભારતીયો

વિરલ રાઠોડ

યુટ્યૂબ એક એવું વીડિયો પ્લૅટફૉર્મ છે જેમાં દરેક પોસ્ટ વીડિયો ફૉર્મેટમાં છે. લાઇક, શેર અને કૉમેન્ટ જેવા ફીચરથી એનો થોડો સોશ્યલ મીડિયા ટચ છે. આ ઉપરાંત હવે તો લાઈવ કરવા માટેની સુવિધા આપે છે. 

લાંબા વીડિયો ફોર્મેટમાંથી હવે શૉર્ટ વીડિયો આવી જતા 30 સેક્ધડમાં જાણે આખી દુનિયાના દરેક વિષયનું જ્ઞાન આંગળીના ટેરવે પ્રાપ્ય હોય એવું લાગે. નવરાશના સમયમાં એક સમયે સૌથી વધારે યુટ્યૂબ જોવાતું. આજે પણ સોશ્યલ મીડિયાા ઓવરડોઝથી કંટાળીને એક એવો વર્ગ છે જે યુટ્યૂબને પ્રાથમિકતા આપે છે. અહીંયા બ્લુટિક જેવું ઓથેંટિકેટ  પ્રમાણભૂત કોન્ટેટ મળે છે. 

વીડિયો ફૉર્મેટ છે એટલે વધારે સર્જનાત્મકતા હોય છે. ભજન-કથાથી લઈ ભોજનમાં નવી વાનગી કેમ બનાવવી? દેશ-દુનિયામાં શું ચાલી રહ્યું છે એની જાણકારીથી લઈ ડિજિટલ માર્કેટિંગ કેમ કરવું ત્યાં સુધી?

શોખના વિષયમાં જ્ઞાન વધારવા અને નવા વિષયોને શીખવા માટે પ્લૅટફૉર્મ પર લાખોની સંખ્યામાં યુઝર્સ છે.

યુટ્યૂબ પ્લૅટફૉર્મ પણ નદીના બે કિનારા જેવું છે. એક તરફ કૉન્ટેન્ટ પીરસનારા અને બીજી તરફ એ જ કૉન્ટેન્ટને જોનારા. કૉન્ટેન્ટમાં વિવિધતા છે એટલા માટે તો આપણે જોઈએ છીએ. 

વીડિયો બનાવવા, અપલોડ કરવા, એ વિષય સંબંધિત કેટલાંક ટેક્નિકલ પાસાં ભરવાં અને પછી આખી ચૅનલને મોનેટાઈઝ કરવી જેથી એમાંથી પૈસા ઊભા કરી શકાય એ વીડિયો પ્લે કરીને જોવા જેટલું સરળ નથી. 

આ કોઈ માત્ર મનોરંજન પૂરતું પ્લૅટફૉર્મ પણ નથી. આ પ્લૅટફૉર્મ પર જેમ જેમ કૉન્ટેન્ટનું વૈવિધ્ય ઉમેરાતું ગયું એમ તેના માપદંડમાં પણ ફેરફાર થતો રહ્યો. અલ્ગોરીધમ બદલતા રહ્યા. 

વિષયોની વિવિધતાએ જ્ઞાનના સમુદ્રને મહાસાગર બનાવી દીધો. કૉન્ટેન્ટ બનાવનારાઓને પણ કંપનીએ આર્થિક રીતે પગભર કરવા માટેના લેવલ સેટ કરીને સધ્ધર કરી દીધા. આ પાછળ સૌથી મોટી ચૅલેન્જ વિષય સંબંધિત કૉન્ટેન્ટના સાતત્યની છે. 

દૈનિક ધોરણે આ કામ સમયની સાથે રિસર્ચ માગી લે એવું છે. ખાસ કરીને જ્યારે નવી ચૅનલ શરૂ કરવાની હોય એવા સમયે વિષયની પસંદગી પણ થોડું કપરું કામ છે. આ પછી વીડિયોની એક જર્ની શરૂ થાય છે. આ જર્નીના અંતિમ મુકામે પૈસાની વાત આવે છે.

પૈસાની વાત પરથી એ પણ હકીકત ઉઘાડી છે કે વર્ષ 2023માં આ જ પ્લૅટફૉર્મે અમેરિકાના અર્થતંત્રમાં નોંધપાત્ર ફાળો આપ્યો હતો. 45 અબજ ડૉલરનો લાભ કરાવીને અમેરિકાની ઈકોનોમીને વધુ વેગવંતી કરી હતી. આ જ સમયગાળામાં યુરોપિયન યુનિયન રાષ્ટ્રની વાત કરીએ તો યુટ્યૂબે તેને 75 અબજ ડૉલરનો વકરો કરી આપ્યો હતો. 

એક વર્ષની માત્ર યુરોપની ગણતરી માંડીએ તો 80 અબજ ડૉલર સુધી પહોંચે છે. આ યાદીમાં હવે ભારતીયોએ એન્ટ્રી કરી લીધી છે. વર્ષ 2022થી 2024ના સમયગાળામાં સૌથી વધારે ભારતીયોની યુટ્યૂબ પર એન્ટ્રી થઈ. ત્રણ વર્ષના સમયગાળામાં 21 હજાર કરોડ જેટલી રકમ યુટ્યૂબે ભારતીય ક્રિએટર્સને આપી. આ વાત ખુદ યુટ્યૂબના જ સીઈઓ નીલ મોહને વૈશ્વિક ફલક પરથી કહી છે. 10 કરોડથી વધારે ચૅનલ, 15 હજારથી વધારે ચૅનલ્સ એવી છે, જેમાં 10 લાખથી વધારે ફૉલોઅર્સ છે. ઍવરેજ 8 કરોડ ચૅનલ પાસે સૌથી વધારે વ્યૂઅર્સ ટાઈમિંગ છે. ભારતમાં બપોરના સમયે સૌથી વધારે યુટ્યૂબના શૉર્ટ વીડિયો લોકો જુવે છે. હવે યુટ્યૂબ માત્ર જોવાનો વિષય નથી, જાણીને કમાવવાનું માધ્યમ છે.

હવે વાત કરીને યુટ્યૂબ કંપની વિશે. ભારતમાંથી યુટ્યૂબને શું મળે છે?એક જ શબ્દનો જવાબ છે કૉન્ટેન્ટનું વૈવિધ્ય. વીડિયો ક્વૉલિટી, બેસ્ટ રિસર્ચ, લોકલ ગાઇડ, ગ્રાઉન્ડ રિપોર્ટ. આ તો થઈ ડિજિટલ વસ્તુની વાત. હવે કરીને મૂળ મુદ્દાની વાત.   

યુટ્યૂબ મૂળ ગૂગલની માલિકીની એક વીડિયો પ્રોડક્ટ છે. વૈશ્વિક મંચ પર ઠલવાતી ટ્રેન્ડિંગ જાહેરાતને ગૂગલ ટ્રેક કરીને પોતાના યુટ્યૂબ પ્લૅટફૉર્મ પર ફેંંકે છે. આ ઍડ પાછળ તેને કેટલાક માપદંડ નક્કી કરેલા છે, જેમ કે વીડિયો ક્વૉલિટી, ઍડનો વિષય, રનટાઈમ, મોડલિંગ પ્રેઝેન્સ અને સેક્ધડ પર પોતાનો ફિક્સ ભાવ. આ રકમ ચૂકવનાર જે તે કંપની પાસેથી કિંમત વસૂલીને પોતાના ખિસ્સા ભરવાના બદલે અડધી રકમ તે કૉન્ટેન્ટ બનાવનારા માટે રિઝર્વ કરે છે. કૉન્ટેન્ટ  પર વીડિયો બનાવનારા ભારતીયોની સંખ્યા દિવસ કરતાં રાતોરાત વધી છે. આમ ભારત યુટ્યૂબ માટે મોટું માર્કેટ બન્યું અને પોતાની અઢળક રેવન્યૂના આંકડા મોટા થયા. આ વર્ષે જાહેર થયેલા ટૉપ રેટેડ ક્રિએટર્સમાં ભારતીયોનો દબદબો છે. આ લોકોની ચૅનલ ખરેખર એક ડિજિટલ સર્વેનો વિષય બની રહી છે. છેલ્લાં ત્રણ વર્ષમાં ભારતીય યુટ્યૂબ ચૅનલે એશિયન રિજિયનમાંથી 68 હજાર કરોડની કમાણી આ પ્લૅટફૉર્મમાંથી કરી છે.

ટૉપ રેટેડ ભારતીય યુટ્યૂબર્સ: ટેક્નિકલ ગુરુજી, ભૂવન બામ, કેરીમિનાટી, સૌરવ જોશી, સોની મ્યુઝિક ઈન્ડિયા.                  

આઉટ ઓફ   ધ બોક્સ

 દરરોજ કંઈક નવું જાણવું હોય તો સ્ટડીઆઈક્યુ આઈએએસ પર આંટો મારવા જેવો છે. જે 30 જ સેક્ધડમાં 
વિષય સંબંધિત ઘણું સમજાવી દે છે.