મુંબઈ: મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની ચૂંટણીનાં પરિણામો બાદ ભાજપ અને શિવસેના વચ્ચે શરૂ થયેલો વિવાદ અટકાવવાના પ્રયાસોએ હવે જોર પકડ્યું છે. નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શિવસેનાના પુણે શહેર પ્રમુખ રવીન્દ્ર ધંગેકરને સંયમ રાખવાની સલાહ આપી છે. મહાયુતિમાં મતભેદ વધે અથવા ગઠબંધનના સાથી પક્ષો સાથે સંબંધોમાં તણાવ સર્જાય તેવાં નિવેદનો ન આપવાના આદેશ શિંદેએ આપ્યા છે. જો કે આ ઘટનાક્રમ વચ્ચે ધંગેકર અને ભાજપના પ્રવક્તા નવનાથ બન વચ્ચે સોશિયલ મીડિયા પર પણ આરોપ પ્રત્યારોપોનો સિલસિલો યથાવત છે.
વિધાન પરિષદની ચૂંટણીમાં મહાયુતિ પાંચમાંથી માત્ર બે બેઠકો જીતી શકતાં ભાજપ અને શિવસેનાના નેતાઓએ એકબીજા પર હારનું દોષારોપણ શરૂ કર્યું હતું. ભાજપના નવનાથ બને આરોપ લગાવ્યો હતો કે પુણે સ્નાતક મતવિસ્તારમાં ધંગેકરે ભાજપના ઉમેદવાર સ્મિતા જાધવ વિરુદ્ધ કામ કર્યું હતું. તેના જવાબમાં ધંગેકરે ભાજપ પર નિશાન સાધતાં સોશિયલ મીડિયા પર વાંધાજનક કાર્ટૂન પોસ્ટ કર્યું હતું. ત્યારબાદ બને પણ ધંગેકરને નિશાન બનાવતી પોસ્ટ શેર કરી હતી. પરિણામે બંને નેતાઓ વચ્ચેનો વિવાદ વકર્યો હતો.
हि याची लायकी आणि चालला धंगेकरांशी पंगा घ्यायला चालला....!! अरे बेट्या तुझे मालक लोक पण वाकड्यात जात नाही आमच्या, कधी तुझी नसबंदी होईल कळणार सुद्धा नाही तुला. #बनश्वान #चिल्ला_पुकार #Paid_Animal https://t.co/vsGpMDHOv5
— Ravindra Dhangekar Official (@DhangekarRavii) October 31, 2026
આ સ્થિતિમાં એકનાથ શિંદેએ ધંગેકર સહિત પક્ષના અન્ય નેતાઓને વિવાદાસ્પદ નિવેદનોથી દૂર રહેવા જણાવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમણે નેતાઓને મહાયુતિમાં એકતા જાળવવા અને આંતરિક વિવાદનો લાભ વિપક્ષને ન મળે તેની તકેદારી રાખવા સૂચના આપી છે. સાથે જ મહાયુતિની ચૂંટણીમાં થયેલી હારનાં કારણોનું આત્મમંથન કરવા અને દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં રાહતકાર્ય માટે સક્રિય થવા પણ જણાવ્યું છે.
શિંદેએ ગઠબંધનના સ્થાનિક સ્તરે ક્યાં સંકલનનો અભાવ રહ્યો અને કઈ ભૂલો થઈ તેની વિગતો મેળવવા પદાધિકારીઓ પાસેથી અહેવાલ મંગાવ્યો છે. આગામી સમયમાં મહાયુતિની સંકલન સમિતિ અને વરિષ્ઠ નેતાઓની બેઠકમાં આ મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે. હાલ પૂરતી શિવસેનાના પ્રવક્તાઓ અને પદાધિકારીઓને સાથી પક્ષો વિરુદ્ધ જાહેરમાં ટીકા ન કરવાની સૂચના પણ શિંદે તરફથી આપવામાં આવી છે.