(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નવી મુંબઈના ડ્રગ્સ સિન્ડિકેટના સૂત્રધાર નવીન ચિચકરને સંડોવતા ડ્રગ્સ કેસોમાં આર્થિક લેવડદેવડની તપાસ કરવા માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)ની મુંબઈ ઝોનલ ઑફિસ દ્વારા બુધવારે મુંબઈ અને ગુજરાતમાં સર્ચ હાથ ધરાઈ હતી. પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ ઍક્ટ (પીએમએલએ)ની જોગવાઈઓ હેઠળ 11 સ્થળે સર્ચ કરાઈ હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
ડ્રગ્સના ગેરકાયદે કારોબારમાં પ્રાપ્ત નાણાંના વ્યવહારોની ઈડી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. નવીન ગુરુનાથ ચિચકર અને અન્યો વિરુદ્ધ મુંબઈના નાર્કોટિક્સ ક્ધટ્રોલ બ્યૂરો (એનસીબી) અને નવી મુંબઈ પોલીસની એન્ટિ-નાર્કોટિક્સ સેલ દ્વારા નોંધવામાં આવેલા ડ્રગ્સના કેસીસ સંબંધી મની લોન્ડરિંગની તપાસ ઈડી દ્વારા હાથ ધરાઈ હતી.
નવીન ચિચકર અને અન્ય આરોપીઓ દ્વારા કોકેન, હાઈડ્રોપોનિક ગાંજો, એલએસડી અને કેનાબિસ એડિબલ્સ જેવાં ડ્રગ્સ ભારતની બહાર દાણચોરીથી મોકલવામાં આવતાં હતાં. આ ઈન્ટરનૅશનલ નેટવર્કનો પર્દાફાશ એનસીબી અને નવી મુંબઈ પોલીસે કર્યો હતો.
તપાસ એજન્સીઓએ તે સમયે ચિચકર અને અન્ય તસ્કરો પાસેથી ઉચ્ચ ગુણવત્તાનો ગાંજો અને કોકેન જપ્ત કર્યાં હતાં. એ સિવાય તેમની પાસેથી લાખોની બિનહિસાબી રોકડ પણ હસ્તગત કરવામાં આવી હતી. આ ભંડોળ ચિચકર દ્વારા ક્રિપ્ટોકરન્સીમાં ફેરવવામાં આવતું હતું. ડ્રગ્સના વેચાણમાંથી મળેલાં નાણાં હવાલા ઑપરેટરો પાસેથી સીધા જમા કરાતાં હતાં, જે પછી ચિચકરને યુએસડીટી અથવા થાઈ બહત ચલણમાં ચુકવણી કરતા હતા, એવું ઈડીએ જણાવ્યું હતું.
ઈડીએ બુધવારે દરોડા પાડી વાંધાજનક દસ્તાવેજો, ડિજિટલ ડિવાઈસીસ તેમ જ ડ્રગ્સ તસ્કરીમાં લોન્ડરિંગ સંબંધી પુરાવા જપ્ત કર્યા હતા. તપાસમાં એવું સામે આવ્યું હતું કે ડ્રગ્સના વેચાણથી મળેલી રકમને હવાલા ચૅનલ્સ અને ક્રિપ્ટોકરન્સી મારફત દેશબહાર મોકલાવતો હતો. આ અંગેના પુરાવા પણ હાથ લાગ્યા હોવાનો દાવો ઈડીએ કર્યો હતો.