Mon Nov 16 2026

Logo

ગરમી અને જળસંકટનો બેવડો માર: કચ્છમાં કેરીનો મોર ખરી પડતાં બાગાયતી ખેડૂતો મુશ્કેલીમાં, ડ્રેગન ફ્રૂટ પણ થયા મોંઘા

2026-10-21 11:09:00
Author: Mumbai Samachar Team
ગરમી અને જળસંકટનો બેવડો માર: કચ્છમાં કેરીનો મોર ખરી પડતાં બાગાયતી ખેડૂતો મુશ્કેલીમાં, ડ્રેગન ફ્રૂટ પણ થયા મોંઘા

ભુજ: ગુજરાત અને ખાસ કરીને કચ્છ પંથકમાં ચાલુ વર્ષે ઑક્ટોબર મહિનામાં વરસી રહેલી આકરી ગરમીએ તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. ભુજમાં મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી અને ડિસામાં ૪૦.૨ ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતાં આશરે ૩ ડિગ્રી વધારે હતું. આ સાથે રાત્રિના તાપમાનમાં પણ ૪ થી ૫ ડિગ્રીનો વધારો અનુભવાઈ રહ્યો છે. કચ્છમાં ચોમાસા દરમિયાન સરેરાશ કરતા આશરે ૬૦ ટકા જેટલો ઓછો વરસાદ પડ્યો હોવાથી જિલ્લાના ૧૯ મધ્યમ જળાશયોમાં માંડ ૧૯ ટકા જેટલો જ પાણીનો જીવંત જથ્થો બચ્યો છે. પાણીની આ ગંભીર અછત અને અસામાન્ય ગરમીની સીધી અને વિપરીત અસર કચ્છના ફળ પાકો પર પડી છે.

વિવિધ ફ્રૂટોનું હબ છે કચ્છ

કચ્છ હવે માત્ર સફેદ રણ પૂરતું મર્યાદિત નથી રહ્યું, પરંતુ તે કેરી, દાડમ, ડ્રેગન ફ્રૂટ અને ખારેકનું એક મોટું હબ બની ચૂક્યું છે. માંડવી, મુન્દ્રા, નખત્રાણા અને ભુજ તાલુકામાં આશરે ૧૦,૫૦૦ હેક્ટર વિસ્તારમાં કેસર કેરીનું વ્યાપક વાવેતર થાય છે. પરંતુ ઑક્ટોબર-નવેમ્બરના સમયગાળામાં કેરીના વૃક્ષો પર આવતી મોર અવસ્થા સમયે પ્રવર્તી રહેલી આકરી ગરમી અને ઝાકળના કારણે ફૂલ અકાળે ખરી જવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે. ગઢશીશા વિસ્તારના ખેડૂતોના જણાવ્યા મુજબ, આ વર્ષે શરૂઆતમાં મોર સારા આવ્યા હતા, પરંતુ તાપમાનના પ્રકોપને કારણે ૪૦ ટકા સુધીના ફૂલો ખરી પડ્યા છે, જેનાથી સતત ત્રીજા વર્ષે કેરીના ઉત્પાદનમાં મોટો ઘટાડો નોંધાવાની ભીતિ છે.

ડ્રેગન ફ્રૂટનો પાક પણ પ્રભાવિત

આ ઉપરાંત, કચ્છના મુખ્ય રોકડિયા પાક ગણાતા ‘ડ્રેગન ફ્રૂટ’ની સ્થિતિ પણ પ્રભાવિત થઈ છે, જ્યાં સ્થાનિક પુરવઠો લાંબો સમય ચાલવાને કારણે બજારભાવ અસ્થિર બન્યા છે. સ્થાનિક સ્તરે ઉત્પાદિત ડ્રેગન ફ્રૂટનો હોલસેલ ભાવ ૯૦ થી ૧૩૦ રૂપિયા પ્રતિ કિલો ચાલી રહ્યો છે, જ્યારે વિદેશી આયાતી ફળોની ગુણવત્તા બગડવાથી ખેડૂતોને અપેક્ષિત વળતર મળી રહ્યું નથી. બીજી તરફ, પાણીની તંગીના કારણે દાડમ અને સીતાફળ જેવા ફળોના બગીચાઓમાં ફળ કદમાં નાના રહી ગયા છે અને તેની કુદરતી મીઠાશ પર પણ વિપરીત અસર પડી છે.

(ઉત્સવ વૈદ્ય)