અનવર વલિયાણી
ઈમાનદારીના નિયમો પર સ્થપાયેલા વિશ્વના અનેક ધર્મો પૈકીનો એક ધર્મ મઝહબે ઈસ્લામ છે.
-વાચક બિરાદરોને જાણ હશે કે સૌથી છેલ્લે આવેલા દીને ઈસ્લામના સિદ્ધાંતોમાં સચ્ચાઈ, સત્ય અને પ્રમાણિક માર્ગે કમાયેલી ધન-દૌલત, માલોમિલ્કતને ઇબાદત, પૂજાનો એક મહત્ત્વનો હિસ્સો લેખવામાં આવ્યો છે.
-છેલ્લા છ દાયકા કરતાં વધુ સમયથી પ્રગટ થતી પ્રસ્તુત કોલમના જૂના-નવા વાચક બિરાદરોને દીને ઈસ્લામના ઈન્સાનિયતના પાયાના સિદ્ધાંતોની જાણ હશે કે ઈસ્લામ માનવતાને જ ધર્મનો હિસ્સો લેખે છે. આપણે ત્યાં પૂર્વજોથી ચાલી આવેલી એક પ્રચલિત કહેવત છે કે ‘જેવો આહાર, તેવો ઓડકાર તથા જેવી નિયત તેવી બરકત (સૌભાગ્ય).
-ઈસ્લામ તેની ઉમ્મત, પ્રજા, અનુયાયીને ભલાઈ, પ્રમાણિકતા પર કાયમ રહેવા હિદાયત, જ્ઞાન આપે છે સાથે ધર્મના ધ્વજને લહેરાવતો રાખવા ઉમ્મતના સારા વ્યવહારની આજ્ઞા આપે છે, જેથી કર ભલા તો હો ભલા... પ્રગતિને બુલંદ બનાવે.
-હઝરત મુહંમ્મદ સાહેબ પાસેથી એક શખસ પસાર થયો. આપ હુઝૂરે અનવર (સલ.) પાસે બેઠેલા એક સહાબી (સાથી)એ અરજ કરી કે, "યા અલ્લાહના રસૂલ! આ માણસની મહેનત અલ્લાહના માર્ગમાં હોત તો કેટલું સારું થાત!’ આપ હુઝૂરે અનવર (સલ.) ફરમાવ્યું કે - ‘જો એ ઈન્સાન પોતાના નાનાં-નાનાં સંતાનોનાં પાલણપોષણ માટે દોડી રહ્યો છે, તો તેની દોડ અલ્લાહના માર્ગમાં જ લેખાશે, પરંતુ જો તે પોતાની જાત માટે દોડી રહ્યો છે અને તેનો ઈરાદો એવો હોય કે લોકો સમક્ષ હાથ ફેલાવવો ના પડે, તો તેની એ દોડ પણ પરવરદિગારે આલમના માર્ગમાં જ ગણાશે, પરંતુ જો તેની દોડાદોડ (પ્રયત્નો) એવા હેતુથી હોય કે લોકો સમક્ષ પોતાની મોટાઈ બતાવે અને માલદારી (શ્રીમંતાઈ)નું પ્રદર્શન કરે, તો તેની આ બધી જ મહેનત સેતાનના માર્ગમાં જ ગણાશે.’
મજકુર હદીસ શરીફની હિદાયતમાં નિયત જોવામાં આવશે તેનો ઉલ્લેખ છે.
આ હદીસ (હુઝૂરે અનવર-સલ.નાં કથનો)નો સ્પષ્ટ અર્થ એવો નથી કે માણસે વધારે ધન નહીં કમાવું જોઈએ. માલોદૌલત જરૂર કમાવ અને તેનો ખર્ચ કરો, ત્યારે અલ્લાહના માર્ગનો વિચાર પણ કરો. રબની રાહ એટલે ફકીરો-મહોતાજોને જ આપો એવું નથી, પરંતુ તમારાં બાળકો, માતા-પિતા, પત્ની પરિવાર માટે અથવા તમારે કોઈની પાસે હાથ લંબાવવો ના પડે, તમારી જરૂરિયાતોને તમે પહોંચી વળો, તે કારણે વધારે મહેનત કરતા હોવ, તો એ અલ્લાહના માર્ગનીજ દોડાદોડ (કોશિશો) લેખાશે.
ધર્મજ્ઞાન:
આપ હુઝૂરે અનવર પર ઈમાન, આસ્થા લાવનાર સહાબીઓ, સાથી-સંગાથીઓએ કેટલાક મુંઝવતા પ્રશ્નો પૂછ્યા ત્યારે આપ હઝૂરે અનવર (સલ.) જે ઉત્તરો આપ્યા તે હિદાયત આપનારા થઈ પડશે: પ્રશ્ન: લોકોની ઈજ્જત કેવી રીતે કરવી જોઈએ?
ઉત્તર: ઈજ્જત કરવાના ઘણા પ્રકાર છે! દાખલા તરીકે કોઈ તમને સામે મળે, તમને ઓળખતી હોય યા ન પણ ઓળખતી હોય તેમને સલામ કરો.
-તમારા ઘરે આવનારને હર્ષ સાથે આવકાર આપો, તેને બેસવા કહો. અત્તર આપવું, પાણીનો ગ્લાસ આપવા જેવી ઘણી રીત છે જે દ્વારા તેની ઈજ્જત, સન્માન કરી શકાય છે.
-કપટી, લુચ્ચા, ઢોંગીઓથી દૂર રહો, અંતર બનાવીને રાખો. તેવાઓના નજીક જવું નુકસાની સિવાય કશું મળવાનું નથી, ઉપરાંત તમને કોઈને ત્યાં જવાનું થાય ત્યારે તમારી સગવડ પ્રમાણે તોહફા, ભેટ લઈ જાવ અથવા એ પણ શક્ય ન હોય તો કમસેકમ સલામ કરો તો જન્નત તેનો બદલો આપવા નજીક આવે છે.
હઝરત ઈમામ જાફરે સાદીક રદ્યિતઆલા અન્હો કહે છે કે ‘દિની બુઝુર્ગી અર્થાત ધાર્મિક પ્રતિષ્ઠિત વ્યક્તિ માટે ઊભું થવું, તેમની અદબ જાળવવી ઈસ્લામી સંસ્કાર છે.
*વિદ્વાન અને જ્ઞાનીનો તેના જ્ઞાન માટે
*સદાચારીનો તેના સંયમ અને સદાચાર માટે આદર કરવો જોઈએ.
*આપણા ઘરે કોઈ આવે તો થોડેક સુધી સામે ચાલીને તેનો આવકાર અને વિદાય કરવી જોઈએ.
*જ્યાં સુધી આપણા ઘરે રહે ત્યાં સુધી તે આપણા પર હાકિમ (સર્વોચ્ચ-અમલદાર) છે
*આપણો માલિક છે તે જે ંકઈ કહે તેનું શક્ય પાલન કરવું ઇસ્લામી રીતભાત-સંસ્કાર છે.
સાપ્તાહિક સંદેશ:
*નિ:સંશય આકાશો તથા પૃથ્વીના સર્જનમાં તથા રાત અને દિવસના ક્રમમાં અને
*તે વહાણોમાં કે જે સમુદ્રમાં લોકોપયોગી માલ-સામાનની સાથે તરતા ફરે છે, જે વડે પૃથ્વીને તેના મરણ પછી પુન: સજીવન કરીને
*દરેક પ્રકારના પ્રાણીમાત્રને તેમાં મોટી સંખ્યામાં ફેલાવી દે છે, અને
*વાયુઓના ફેરફારમાં તથા
*વાદળાંઓમાં કે જે આકાશો અને પૃથ્વી વચ્ચે અલ્લાહની આજ્ઞાને આધીન રહી છવાઈ રહે છે.
*એ સર્વેમાં સમજ ધરાવનાર લોકો માટે ઘણી નિશાનીઓ મૌજુદ છે.
*તમારી પાસે કોઈ આવે તો તમે તેની ઈજ્જત કરો, કારણ કે તે અલ્લાહની ઈજ્જત કરવા બરાબર છે.
બોધ:
-નામે મુસલમાન અલ્લાહને મહાન શક્તિશાળી અને સર્વોપરી માનીને તેની સામે ઝુકે છે. તેના સિવાય બીજા કોઈને મહાન કે ઉચ્ચ ગણતો નથી, માટે તે અન્ય કોઈની સામે પોતાનું માથું નમાવતો નથી.