Thu Nov 19 2026

Logo

કોર્ટના આદેશનું અવમાન: દિયા મિર્ઝાનો વીડિયો હજી અપલોડ થયો નથી

2026-11-05 08:12:48
Author: Sapna Desai
કોર્ટના આદેશનું અવમાન: દિયા મિર્ઝાનો વીડિયો હજી અપલોડ થયો નથી

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
મુંબઈ હાઈકોર્ટે મુંબઈ મહાનગરપાલિકાને અભિનેત્રી દિયા મિર્ઝાનો ‘પ્રદૂષણ મુક્ત દિવાળી’ને લઈને નાગરિકોમાં જાગૃતિ લાવતો વીડિયો ફરીથી અપલોડ કરવાનો આદેશ આપ્યો તેના એક દિવસ પછી પણ પાલિકા પ્રશાસને કોર્ટના નિર્દેશનો હજુ સુધી અમલ કર્યો નથી. બુધવારે પ્રશાસને  જણાવ્યું હતું કે આગળ શું પગલાં લેવા તે નક્કી કરતા પહેલા તેઓ કોર્ટના નિર્દેશોની તપાસ કરશે.

મંગળવારે કોર્ટે પાલિકાની ઝાટકણી કાઢી હતી. મુંબઈના મેયર રીતુ તાવડે અને ભાજપના શહેર પ્રમુખ અમિત સાતમની વાંધાજનક ટિપ્પણીઓ બાદ પાલિકાએ દિયા મિર્ઝાનો ‘પ્રદૂષણ મુક્ત દિવાળી’ અભિયાનનો વીડિયો હટાવી દીધો હતો. કોર્ટે આ પગલાને ‘દુર્ભાગ્યપૂર્ણ’ અને ‘ઉતાવળિયો નિર્ણય’ ગણાવતા કહ્યું હતું કે તેનાથી અભિયાનનો મૂળ ઉદ્દેશ્ય નબળો પડ્યો છે અને તે એક ‘સંકુચિત માનસિકતા’ દર્શાવે છે. કોર્ટે સૂચન કર્યું કે સમાજ અને બંધારણ પ્રત્યે લોકોનો વિશ્વાસ પુન:સ્થાપિત કરવા માટે પાલિકાએ આ વીડિયો ફરીથી અપલોડ કરવો જોઈએ. કોર્ટે ભારપૂર્વક કહ્યું કે પર્યાવરણનું રક્ષણ એ સામૂહિક જવાબદારી છે, જેને રાજકીય કે ધાર્મિક રંગ આપવો જોઈએ નહીં. જોકે, હાઈકોર્ટની આ કડક ટિપ્પણીના ૨૪ કલાકથી વધુ સમય વીતી ગયા પછી પણ પાલિકાએ વીડિયો ફરીથી અપલોડ કર્યો નહોતો.

એડિશનલ મ્યુનિસિપલ કમિશનર (પ્રોજેક્ટ) અભિજીત બાંગરે જણાવ્યું હતું કે પ્રશાસન  કોર્ટના નિર્દેશોની તપાસ કર્યા પછી જ આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેશે. આ મુદ્દાને લઈને પાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં પણ ચર્ચા થઈ હતી. કોંગ્રેસના ગ્રુપ લીડર અશરફ આઝમીએ સવાલ ઉઠાવ્યો કે, દિયા મિર્ઝાનો વીડિયો અચાનક હટાવવાનો આદેશ કોણે આપ્યો અને કોના અધિકાર હેઠળ આ નિર્ણય લેવાયો? શું પાલિકા બહારથી મળતી સૂચનાઓ પર તરત જ સામગ્રી (ક્ધટેન્ટ) હટાવી દે છે? તેમણે માગણી કરી હતી કે પાલિકાના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વીડિયો ફરીથી મૂકવામાં આવે. તેમ જ તેમણે પ્રશાસન પાસે માગણી કરી હતી કે આ નિર્ણય માટે જવાબદાર વ્યક્તિઓની ઓળખ કરવામાં આવે
અશરફ આઝમીએ ધ્યાન દોર્યું કે, પાંચ જૂન, ૨૦૨૬ના રોજ પાલિકા દ્વારા આયોજિત ‘વિશ્ર્વ પર્યાવરણ દિવસ’ના કાર્યક્રમમાં અભિનેત્રીને આમંત્રિત કરવામાં આવી હતી, જ્યાં અનેક નગરસેવકો પણ હાજર હતા.