Tue Nov 10 2026

Logo

દિવાળી વેકેશનમાં બાળકોને હોમવર્કથી છુટકારો, DEO ના પરિપત્રથી વિદ્યાર્થી-વાલીઓને રાહત

2026-10-30 18:36:37
Author: Mumbai Samachar Team
દિવાળી વેકેશનમાં બાળકોને હોમવર્કથી છુટકારો, DEO ના પરિપત્રથી વિદ્યાર્થી-વાલીઓને રાહત

રાજકોટઃ દિવાળીના વેકેશન દરમિયાન વિદ્યાર્થીઓને અભ્યાસના અતિશય બોજમાંથી મુક્તિ અપાવવા માટે રાજ્યના જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા એક સરાહનીય પરિપત્ર જારી કરવામાં આવ્યો હતો. જિલ્લાના ડીઈઓ દ્વારા રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને નોન-ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓને દિવાળી વેકેશન દરમિયાન હોમવર્કનું પ્રમાણ અત્યંત મર્યાદિત રાખવા માર્ગદર્શક સૂચનાઓ આપવામાં આવી છે. આ ઉપરાંત, વેકેશન દરમિયાન આનંદદાયી અને પ્રવૃત્તિ આધારીત શિક્ષણને પ્રાધાન્ય આપવા પર પણ ખાસ ભાર મૂક્યો હતો. વેકેશનમાં હોમવર્કના બદલે વાંચન, ચિત્રકામ, વાર્તા કહેવી, આઉટડોર રમતો અને અન્ય સર્જનાત્મક પ્રવૃત્તિઓની ભલામણ કરવામાં આવી હતી. 

વેકેશન અસાઈમેન્ટ સરળ રાખવા સૂચના

વેકેશનના અસાઇનમેન્ટ્સ કિફાયતી અને સરળ હોવા જોઈએ, જેમાં મોંઘી સામગ્રી, પેઇડ એપ્લિકેશન્સ અથવા ફરજિયાત ઇન્ટરનેટ એક્સેસની જરૂર ન પડે તેવો પણ ભાર મૂકવામાં આવ્યો હતો. આ પહેલનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને નવા રસ-રુચિઓ શોધવામાં, પારિવારિક સંબંધો મજબૂત કરવામાં, જીવન કૌશલ્યો કેળવવામાં અને તેમની આસપાસની દુનિયાની વ્યાપક સમજ સાથે તાજગીપૂર્ણ રીતે શાળાએ પાછા ફરવામાં મદદ કરવાનો છે. આ નવા પરિપત્રમાં જણાવાયું છે કે,  આપણે આ દિવાળીએ બાળકોને માત્ર હોમવર્ક જ નહીં, પરંતુ આજીવન ઉપયોગી બને એવા અનુભવોની ભેટ આપીએ. જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા બહાર પાડવામાં આવેલો આ પરિપત્ર અમદાવાદ પૂર્વ અને પશ્ચિમની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને નોન-ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને લાગુ પડે છે. 

પરિવારજનો સાથે સંવાદ જરૂરી

તેમાં દાદા-દાદી સાથે સમય વિતાવવો, પારિવારિક પરંપરાઓ શીખવી, ઘરકામમાં મદદ કરવી અને વડીલો સાથે વાતચીત કરવી જેવી બાબતોને મૂલ્યવાન શૈક્ષણિક અનુભવો તરીકે દર્શાવવામાં આવી છે. પરિપત્રમાં બાળકોને મોબાઇલ ફોન અને સોશિયલ મીડિયાનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવા, શંકાસ્પદ ઓનલાઇન લિંક્સ ટાળવા, ક્યારેય પાસવર્ડ કે વન-ટાઇમ પાસવર્ડ શેર ન કરવા અને સાયબર બુલિંગ કે ઓનલાઇન છેતરપિંડીની જાણ વિશ્વાસુ વડીલોને કરવા વિનંતી કરવામાં આવી હતી.