મુંબઈઃ દિવાળીના પવિત્ર તહેવાર દરમિયાન પોતાના વતન કે પરિવાર પાસે જતા મુસાફરો પર ખાનગી બસ ઓપરેટરોએ ભારે આર્થિક બોજ ઝીંકી દીધો છે. સામાન્ય ભાડા કરતાં બેથી ત્રણ ગણી રકમ વસૂલીને મુસાફરોની ખુલ્લેઆમ લૂંટ ચલાવવામાં આવી રહી હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. કેટલાક પ્રમુખ રૂટ પર ટિકિટના ભાવ રૂ. ૭૦૦ થી સીધા વધારીને રૂ. ૪,૦૦૦થી રૂ. ૭,૦૦૦ સુધી પહોંચાડી દેવાયા છે.
કેટલાક મુસાફરોએ સોશિયલ મીડિયા પર ભાડાંનું નિયમન કરવામાં કથિત નિષ્ફળતા બદલ મહારાષ્ટ્રના પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈક અને તેમના વિભાગની ટીકા કરી છે. એક રૂટ પર ભાડાં ૭૦૦ રૂપિયાથી વધીને ૪૦૦૦ રૂપિયા થઈ ગયા હોવાનો દાવો સોશિયલ મીડિયા યુઝરે કર્યો છે.
'X' પર અન્ય એક યુઝરે પૂછ્યું કે શું પ્રધાન "સૂઈ ગયા છે કે પછી સૂઈ રહ્યા હોવાનો ડોળ કરી રહ્યા છે". "મુંબઈ અને પુણે જેવા શહેરોમાં લોકો આખું વર્ષ સખત મહેનત કરે છે અને દિવાળી દરમિયાન તેમના પરિવાર સાથે થોડી ખુશીની ક્ષણો વિતાવવાની આશા રાખે છે. ટિકિટના ભાવ ૭૦૦ રૂપિયાથી વધીને ૪૦૦૦ રૂપિયા કેવી રીતે થઈ શકે?" એક યુઝરે કેટલીક બુકિંગ એપ્સના સ્ક્રીનશોટ શેર કરતા પ્રશ્ન પૂછ્યો હતો.
ફરિયાદોને પગલે પુણે આરટીઓ એ વધુ પડતા ભાડા પર અંકુશ લાવવા માટે ૧લી નવેમ્બરથી ખાનગી કોન્ટ્રાક્ટ બસો સામે એક વિશેષ તપાસ ઝુંબેશ શરૂ કરી છે. આ ઝુંબેશ ૨૦ નવેમ્બર, ૨૦૨૬ સુધી ચાલુ રહેશે.
આરટીઓના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ખાનગી બસો મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (એમએસઆરટીસી) દ્વારા નિર્ધારિત સમાન શ્રેણીની બસોના ભાડા કરતાં ૧.૫ ગણાથી વધુ ભાડું વસૂલી શકતી નથી.
બસ સંચાલકોએ તેમના વાહનોની અંદર ભાડાના ચાર્ટ પ્રદર્શિત કરવા પણ ફરજિયાત છે. તેમણે કહ્યું કે, જે સંચાલકો વધુ ભાડું વસૂલતા પકડાશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, મુસાફરો બસની વિગતો અને ટિકિટના ફોટોગ્રાફ્સ આપીને આરટીઓની હેલ્પલાઇન ૧૮૦૦-૨૨-૦૧૧૦ પર ફરિયાદ નોંધાવી શકે છે. આ મુદ્દે ટિપ્પણી માટે પરિવહન કમિશનર રાજેશ નાર્વેકરનો સંપર્ક થઈ શક્યો નહોતો.