દિવાળીની પાર્ટીમાં દરેક મહિલા ઈચ્છે છે કે તેનો લુક એવો હોય કે લોકો તેને જોતા જ રહી જાય! પરંતુ શું તમે જાણો છો કે આ વખતે થોડા અલગ અંદાજમાં તૈયાર થઈને તમે મોંઘાં કપડાં વિના પણ મહેફિલ લૂંટી શકો છો? સાદા અને ઓછા ખર્ચે આઉટફિટને પણ ખાસ બનાવી શકાય છે, કેટલીક એવી ડ્રેસિંગ સ્ટાઇલ છે, જેને જોઈને લોકો તમારી ફેશન સેન્સનાં વખાણ કરતા થાકશે નહીં. ખાસ વાત એ છે કે આ લુક મેળવવા માટે મોંઘાં કપડાં ખરીદવાની પણ જરૂર નથી. આ ખાસ આઉટફિટ્સ, જે તમારી દિવાળીને બનાવશે વધુ રંગીન બનાવશે.
અનારકલી સૂટ
જો તમને સુંદર દેખાવાની સાથે આરામદાયક કપડાં પહેરવા ગમે છે તો અનારકલી સૂટ સારો વિકલ્પ છે. ખાસ કરીને ફ્લોર લેન્થ અનારકલી, સુંદર ભરતકામ અને મેચિંગ દુપટ્ટો તમને આકર્ષક લુક આપશે. આ માટે પેસ્ટલ પિંક, એમરાલ્ડ ગ્રીન, વાઇન અને મસ્ટર્ડ જેવા રંગ પસંદ કરી શકો છો. તેની સાથે ચાંદબાલી ઇયરરિંગ્સ, હાઈ હીલ્સ અને હળવો મેકઅપ તમારા લુકમાં સુંદરતા વધારશે.
શરારા સેટ જે ટ્રેડિશનલ સાથે મોડર્ન લુક આપશે
દિવાળીની પાર્ટીમાં કંઈક અલગ અને સ્ટાઇલિશ પહેરવું હોય તો શરારા સેટ બેસ્ટ છે, તેમાં ટ્રેડિશનલ અંદાજની સાથે મોડર્ન લુક પણ જોવા મળે છે. મિરર વર્ક, ગોટા પટ્ટી કે સિક્વિન વર્કવાળો શરારા સેટ પસંદ કરી શકો છો. તેની સાથે મેચિંગ દુપટ્ટો, સ્ટેટમેન્ટ ઇયરરિંગ્સ અને સુંદર મોજડી પહેરો. જો તમને વધારે ભારે કપડાં પહેરવા ન ગમતા હોય તો હળવી ભરતકામવાળો શરારા સેટ પણ સુંદર લાગશે
લહેંગામાં દેખાશો સૌથી ખાસ
જો તમારી દિવાળીની પાર્ટી ખાસ અને ભવ્ય છે તો લહેંગા તમારા માટે શાનદાર વિકલ્પ બની શકે છે. હેવી એમ્બ્રોઇડરી, મિરર વર્ક કે સિક્વિન ડિઝાઇનવાળો લહેંગા તમને સુંદર અને આકર્ષક લુક આપશે. આ માટે પર્પલ, રસ્ટ, પિંક, ગોલ્ડન અને ગ્રીન જેવા રંગ પસંદ કરી શકો છો. લહેંગા સાથે સ્ટાઇલિશ બ્લાઉઝ અને હળવો દુપટ્ટો પહેરો. સાથે ચોકર નેકલેસ, માંગટીકો અને બ્રેસલેટ પહેરવાથી તમારો લુક એકદમ તૈયાર થઈ જશે.

સિલ્ક સાડી થકી આપો રોયલ લુક
દિવાળીની પાર્ટી માટે સિલ્ક સાડી ક્યારેય જૂની થતી નથી. બનારસી, કાંજીવરમ કે સોફ્ટ સિલ્ક સાડી પહેરીને સુંદર અને શાહી લુક મેળવી શકો છો. આ માટે લાલ, મરૂન, રોયલ બ્લૂ, લીલો અને ગોલ્ડન જેવા રંગ પસંદ કરો. સાડી સાથે ગોલ્ડન ઝુમખાં, બંગડીઓ અને નાની બિંદી તમારા લુકને વધુ સુંદર બનાવશે. વાળમાં બન બનાવીને ગજરો લગાવશો ટ્રેડિશનલ લુક એકદમ પરફેક્ટ લાગશે.
દિવાળીની પાર્ટીમાં સુંદર દેખાવા માટે કપડાંની સાથે એક્સેસરીઝ અને મેકઅપનું પણ ધ્યાન રાખો. વધારે પડતાં ઘરેણાં પહેરવાને બદલે આઉટફિટ પ્રમાણે ઘરેણાં પસંદ કરો. મેકઅપ હળવો અને નેચરલ રાખો. સાથે આરામદાયક ફૂટવેર પહેરો, જેથી તમે પાર્ટીમાં મન મૂકીને આનંદ માણી શકો. આ દિવાળીએ મોંઘાં કપડાં પાછળ ખર્ચ કરવાને બદલે તમારી પસંદ અને સ્ટાઇલ પ્રમાણે સુંદર લુક પસંદ કરો પાર્ટીમાં ચાર ચાંદ લગાવો.