- સંજય છેલ
ટાઈટલ્સ:
તહેવાર ને વહેવારમાં સાચવાનું. (છેલવાણી)
એક સુરતી અને એક અમદાવાદીએ ભેગા મળીને દિવાળીની રાતે હજારોનાં ફટકડા ફોડ્યા. સુરતીએ અમદાવાદીને પૂછ્યું, ‘મજા આવીને?’
‘તારા કરતાં ડબ્બલ.’ અમદાવાદીએ કહ્યું.
‘એ કઈ રીતે?’ સુરતીએ પૂછ્યું.
‘બકા, મેં તો મફતમાં ફટાકડાની મજા લીધીને? ઉપરથી મારા 10,000 પણ બચી ગયા.’
અમદાવાદીએ આંખ મારી કહ્યું.
‘બેશરમ, તું ક્યારે ફોડીશ?’ સુરતીએ પૂછ્યું.
‘આવતી દિવાળીએ...તારા ઘરે જ...બીજે ક્યાં હોય?’ અમદાવાદીએ સ્માઇલ આપીને કહ્યું.
દર વર્ષની જેમ આ દિવાળીમાંયે છાપાંઓ, મેગઝિનો, ઇન્ટરનેટ, ટી.વી.માં આપણને શું જોવા-વાંચવા મળશે? એનું એજ કે જેની અનેક વર્ષોથી આપણને ખબર છે. જેમ કે-
‘દિવાળી પર્વમાં સફાઈ અભિયાન’ જેવો ચવાયેલો ટોપિક. છતાં દર વર્ષે લોકો દિવાળીની સફાઇ વિશે ઉત્સાહથી લખી લખીને હરખાઇ છે. વળી અમેરિકા, ઓસ્ટ્રેલિયા કે યુરોપમાં જ્યાં દિવાળીમાં સાફસૂફી નથી થતી ત્યાં તો આપણાં કરતાં વધારે સફાઇ હોય છે. માન્યું કે ઘર, મહોલ્લા, કબાટો, અભેરાઈઓ, ખાનાઓને (કે નાક-કાન વગેરે પણ) સાફ રાખવા જ જોઈએ પણ એમાં દિવાળી શું કામ ‘હીરો’ બને છે? સફાઈ કરતી વખતે જૂની ચીજોને જોઇને ઘણાં તો એવાં ભાવુક થાય કે જાણે મોહેં-જો-દડોનાં ખોદકામમાંથી અનારકલીની અંગૂઠી મળી આવી હોય. અરે, ઘરમાંથી જૂનાં જોડાં કે કપડાં ના નીકળે તો શું કોહીનૂર હીરો મળી આવે? ઘણાં રદ્દી-કબાડીનાં સામાનમાં પણ ગહન અર્થ શોધી કાઢે: ‘જે રીતે દિવાળીની સફાઈમાં જૂનાં સામાનને કાઢીને ઘરને સ્વચ્છ કરીએ છીએ એમ જીવનમાંથી પણ જૂના સંબંધો, જૂની લાગણીઓને કાઢીને બ્હાર ફેંકી દેવી જોઈએ!’ સુઝાવ બહુ સારો છે, પરંતુ જૂની બાલટીમાં કચરામાં ફેંકી શકાય પણ નક્કામો સંબંધ એ ભૂતકાળ છે ને ભૂતકાળનો નાશ કરી શકવાની ફોર્મ્યુલા ભગવાન પાસે પણ નથી.
વળી જૂના સંબંધો કે લાગણીઓની સફાઇ કઈ રીતે થઇ શકે? ધારો કે તમે મનમાં એમ કરવાની ટ્રાય કરતાં હો ને તમને તમારી સોસાયટીની સુંદર ‘માધુરી’ યાદ આવે અને એને મનમાંથી કાઢવા કહેશો કે ‘જતી રહે માધુરી.. જતી રહે!’-ને બરોબર એજ વખતે તમારાં વાઈફ એંટ્રી મારશે ને તમને આંખ મીંચીને ‘માધુરી-માધુરી’ બોલતા પકડી પાડશે. પેલી ‘માધુરી’ તો મનમાંથી જતી રહેશે, પણ પત્ની નક્કી ઘર છોડીને જશે!. એટલે ‘મનની સફાઇ’ વગેરે કહેવું સહેલું છે પણ અજમાવવા જશો તો ઘરમાં દિવાળીને બદલે હોળી સળગશે.
ઇન્ટરવલ:
સબ કે આંગન દિયા જલે રે
મેરે આંગન જિયા. (નીરજ)
એક સ્ત્રીએ ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાંથી દિવાળીના સેલમાં એક ઇસ્ત્રી ખરીદી અને પછી ભડકીને પૂછ્યું, ‘એકલી ઇસ્ત્રી કેમ? સાથે ટી.વી. તો આપો!’
સેલ્સમેન કહ્યું, ‘શું? હજારની ઇસ્ત્રી પર ટી.વી.?’
‘તમારી જાહેરાતમાં તો હતું- 1 ઇસ્ત્રી પર 1 ટી. વી. ફ્રી!’
આ સાંભળી સેલ્સમેન બેભાન થઈ ગયો. મેનેજર પેલા બહેનને સમજાવવા ગયો. તો પેલીએ કહ્યું, ‘લ્યો! જાહેરાતમાં જોઇને હું તો 2 ઇસ્ત્રી લેવાની હતી!’
પછી મેનેજર પણ બેભાન.
દિવાળીમાં ભયંકર ‘ક્લીશે’ (Clichoe) એટલે કે એકના એક ચવાયેલા, રેડીમેડ રેઢિયાળ વાતનો ત્રાસ ત્રાટકશે. જેમાં આપણી હાલત પેલા મેનેજર જેવી થશે. અમુક મહાબોરિંગ વાક્યો મોબાઇલ ફોનનાં મેસેજોમાં કે વીડિયોમાં અચૂક પ્રગટશે જ! જેમ કે-‘દિવાળી બાદ નવું વર્ષ નવા સંકલ્પોથી શુભ શરૂઆત કરીએ’, ‘દિવાળી પ્રકાશનો પર્વ છે તો અંદરનું અંધારું દૂર કરીને અજવાળું આવકારીએ...’ પણ ‘અંદર પ્રકાશ’ પાથરવાનો એટલે એકઝેટલી કયાં? ફેંફસાંમાં, પેટમાં કે કિડનીમાં? અમુક જ્ઞાનચતુરો કહેશે: ‘આત્મામાં જે અજ્ઞાનનું અંધારું છે એને હટાવી નાખો’ પાછાં એજ લોકો કહેતા હોય કે ‘અજ્ઞાનમાં જ સુખ છે. જેટલું વધુ જાણિયે એટલું દુ:ખ.’વળી, અત્યાર સુધી આપણે અજ્ઞાની હતાં કે સરકાર બદલાતાં મોંઘવારી જશે, પણ પછી જ્ઞાન લાધ્યું કે સરકારો આવે ને જાય આપણું જીવન એવુંને એવું જ રહેશે. એટલે આપણાં જેવા સામાન્ય માણસો અજ્ઞાન હટાવવામાં ખોટી એનર્જી બગાડીને દિમાગને છંછેડવું નહીં!
દિવાળીનાં વેવલાં વિચારોનું બોમ્બાર્ડિંગ થાય. ‘મનમાં રંગોળી કરવી’, ‘જીવનમાં સાથિયા ભરી દેવા’ એ બધું છાપાં-મેગઝિનો કે ફોર્વર્ડેડ એસ.એમ.એસમાં સરસ લાગે ને વાત પણ સાચી. પણ ભૈ, કેટલીવાર? છાપાં-મેગઝિનથી યાદ આવ્યું કે બધાં દિવાળી અંકો લગભગ સરખા જ કેમ હોય છે?
કવરપેજમાં સુંદર સ્ત્રી હાથમાં દીવો કે ફૂલઝડી લઇને મુસ્કુરાતી દેખાય. આમ કેમ? શું દિવાળીમાં માત્ર સ્ત્રીઓ જ સારા કપડાં પહેરીને ખુશ થાય છે? માન્યું કે દિવાળીમાં શણગારેલી ક્ધયાઓ કે ગૃહિણીઓ સુંદર લાગે પણ હેંડસમ પુરુષોને પણ દિવાળીના અંકોનાં મુખપૃષ્ઠો પર સ્થાન મળવું જોઇએ ને? પુરુષોએ આ અંગે ચળવળ આદરવી જોઇએ! પોતાની પરસેવાની કમાણી કે બોનસને દિવાળીમાં પરિવારના શોપિંગ- મીઠાઇ વગેરમાં ખર્ચી નાખતા પુરુષો સાથે સરાસર ઘોર અન્યાય છે!
ઝગમગતી બજારોમાં પરાણે મોઢું મલકતું રાખીને ખર્ચો કરતા લાચાર પુરુષનો ફોટો જે દિવસે દિવાળી અંકોમાં છપાશે ત્યારે જ સ્ત્રી-પુરુષોમાં સાચી સમાનતા આવેલી ગણાશે.
શું છે કે દિવાળીની સફાઇ ઘરમાં તો થાય છે પણ ફટાકડા ફોડી રસ્તા પર જે કચરો કરીએ છીએ એનું શું? ખરીદીઓ તો થાય છે પણ પોતાની ખુશી કરતાં દેખાદેખી માટે, શુભેચ્છાઓ તો અપાય છે પણ રૂબરૂમાં મળીને નહીં ફક્ત એસ.એમ.એસ. પર...અને હવે તો શહેરથી દૂર રિસોર્ટ કે હિલસ્ટેશનમાં શાંતિ મેળવવા લોકો દોડે છે ને ત્યાં પાછાં ફટાકડાં ફોડીને અશાંતિ આદરે છે.
જોકે આવી વિસંગતિઓની જ લાઇફમાં મજા છે. તો અંદરનું અંધારું કાઢી એ? હું જરા માળિયા પરથી ટોર્ચ શોધી આવું. ત્યાં સુધી તમે પણ ચૂપચાપ ઘર સાફ કરો. કદાચ ખૂણે-ખાંચરેથી સુખ મળી જાય...
એંડ-ટાઇટલ્સ:
આદમ: તને રંગોળી આવડે?
ઈવ: ચાંદલા જેટલી