Sat Nov 07 2026

Logo

કેન્દ્રીય કર્મચારીઓને દિવાળી ભેટ, સરકારે મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કર્યો

2026-10-28 16:00:00
Author: Chandrakant Kanoja
કેન્દ્રીય કર્મચારીઓને દિવાળી ભેટ, સરકારે મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કર્યો

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓને દિવાળી ભેટ આપી છે. જેમાં કેન્દ્રીય કેબિનેટે મોંઘવારી ભથ્થા  અને મોંઘવારી રાહત માં ત્રણ ટકાના વધારાને મંજૂરી આપી દીધી છે. જેનો લાભ લાખો કેન્દ્રીય કર્મચારીઓને અને પેન્શનધારકોને થશે. પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આ આર્થિક નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહત માટે કુલ 10,016 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.

કેબિનેટ દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ, મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં ત્રણ ટકાનો વધારો કરવામાં આવ્યો છે.જે કર્મચારીઓની ખરીદશક્તિ જાળવી રાખવામાં મદદરૂપ થશે. જીવનનિર્વાહના વધતા ખર્ચની અસરને સરભર કરવા માટે સરકાર સમયાંતરે આ ભથ્થામાં સુધારો કરતી હોય છે.

કેન્દ્ર સરકારના મોંઘવારી ભથ્થા માં વધારો કરવાના નિર્ણયથી કેન્દ્ર સરકારના આશરે 48  લાખ કર્મચારીઓ અને 68  લાખ પેન્શનરોને લાભ થશે. 

મોંઘવારી ભથ્થું વધીને 63 ટકા થયું 

કેન્દ્ર સરકાર વધતી જતી મોંઘવારીની અસરને ઘટાડવાના ઉદ્દેશ્યથી વર્ષમાં બે વાર જાન્યુઆરી અને જુલાઈમાં મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતના દરોમાં સુધારો કરે છે. જુલાઈ 2026 માટેના વર્તમાન સુધારામાં, મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ અગાઉ કર્મચારીઓને તેમના મૂળ પગારના 60 ટકા જેટલું મોંઘવારી ભથ્થું મળતું હતું. જે હવે વધીને 63 ટકા થયું છે.

૩ ટકાનો વધારો કર્મચારીઓના પગાર પર સીધી અસર કરશે

મોંઘવારી ભથ્થામાં થયેલો ૩ ટકાનો વધારો કર્મચારીઓના પગાર પર સીધી અસર કરશે. ઉદાહરણ તરીકે, જો કોઈ કર્મચારીનો મૂળ પગાર ₹30,000  હોય, તો તેમને અગાઉ ₹18,૦૦૦ મોંઘવારી ભથ્થું મળતું હતું. 63  ટકાના નવા દર મુજબ, આ રકમ વધીને ₹18,900 થશે.જેનો અર્થ છે કે કર્મચારીને દર મહિને વધારાના ₹900  મળશે. પરિણામે, મૂળ પગાર જેટલો વધારે હશે તેટલી જ વધુ વધારાની રકમ કર્મચારીને મોંઘવારી ભથ્થામાં થયેલા આ વધારાના પરિણામે મળશે.