(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: તહેવારોમાં મધ્ય રેલવેએ રવિવારે બ્લોક લઈને પહેલાથી પ્રવાસીઓને નારાજ કર્યા હતા ત્યારબાદ સોમવારે દિવા રેલવે સ્ટેશન નજીકના લેવલ ક્રોસિંગને કારણે બપોર પછી લોકલ ટ્રેનોનું શેડ્યૂલ ખોરવાયું હતું, પરિણામે કલ્યાણથી સીએસએમટી અપ લાઈનની ફાસ્ટ ટ્રેનોના પ્રવાસીઓ રખડી પડ્યા હતા, તેમાંય વળી મંગળવારે ભાઈબીજ હોવાથી મહિલાઓએ પણ રેલવે વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરી હતી.
આ અંગે રેલવેએ જણાવ્યું હતું કે દિવા રેલ્વે સ્ટેશન નજીકનું સમાંતર લેવલ ક્રોસિંગ ગેટ સતત ૨૫ મિનિટ સુધી ખુલ્લું રહેવાને કારણે ટ્રેન વાહન વ્યવહાર ખોરવાયો હતો. રસ્તા પર વાહનોનો ભારે ટ્રાફિક હોવાથી ગેટ બંધ કરી શકાયો નહોતો. તેના લીધે ટ્રેન વ્યવહાર પર અસર પડી હતી. આ ઘટનાને કારણે નવ લોકલ અને પાંચ મેઇલ-એક્સપ્રેસ ટ્રેનો અટવાઈ પડી હતી.
દિવા સ્ટેશન નજીકનું એલએક્સ-૨૯ નંબરનું રેલવે ફાટક બપોરે ૧:૩૫ વાગ્યે ખુલ્લું હતું, અને આશરે ૨૫ મિનિટ સુધી રસ્તા પર વાહનોની ભીડને કારણે ફાટક બંધ કરી શકાયું ન હતું, જેના કારણે નવ લોકલ અને પાંચ મેઇલ-એક્સપ્રેસ ટ્રેનો અટવાઈ પડતાં મુસાફરોને હાલાકી ભોગવવી પડી હતી. રેલવે ફાટક પર વાહનોના વધતા ભારણને લીધે ટ્રેન વ્યવહારમાં થતી આ સમસ્યા માથાનો દુખાવો બની રહી છે, એમ રેલવે અધિકારીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું.
દિવા હોય કે કોઈ પણ ક્રોસિંગ પણ સમસ્યા રોજની બની ગઈ છે. સમસ્યા ઊભી થયા પછી એનાઉન્સમેન્ટ સિસ્ટમ ઉપયોગ કરતી નથી. એના પછી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મના ઈન્ડિકેટર કામ કરતા નથી. પ્રવાસીઓને મિસગાઈડ કરવાનું કામ કરે છે. અડધો-અડધો કલાકે ટ્રેન નહીં હોવાથી સ્લો કોરિડોરના પ્રવાસીઓને હાલાકી પડી હતી, એમ વિક્રોલીની મહિલા પ્રવાસીએ જણાવ્યું હતું.
ઘાટકોપરના પ્રવાસીએ કહ્યું કે બપોરના 12.48 વાગ્યાની સીએસએમટી ટ્રેનની જાહેરાત કર્યા પછી દાદર ફાસ્ટ લોકલ આવી ગઈ હતી. પ્રવાસીઓ ટ્રેનમાં ચઢ્યા પછી દાદરમાં ખબર પડી હતી કે આ તો દાદર લોકલ છે, જેને કારણે અનેક મહિલાઓમાં દોડાદોડી થઈ ગઈ હતી. બપોરના સમયે પણ આ પ્રકારની અંધાધૂંધીને કારણે પ્રવાસીઓ ક્યારેક ગંભીર અકસ્માતનો ભોગ બને તો નવાઈ નહીં, એમ કલ્યાણના પ્રવાસીએ જણાવ્યું હતું.
દિવા લેવલ ક્રોસિંગ ગેટ દિવસમાં રોજ ૩૯ વાર બંધ થવાને કારણે વાહનોની ભારે ભીડ થાય છે અને ટ્રેન વ્યવહાર ખોરવાય છે. અપ-ડાઉન લાઇન પરની સ્લો અને ફાસ્ટ ટ્રેનો રોકવી પડતી હોવાથી મધ્ય રેલવેના ટાઇમટેબલ પર માઠી અસર પડે હતી, જેથી મુસાફરો કાયમી ઉકેલની માંગ કરી હતી, એમ પ્રવાસી સંગઠને જણાવ્યું હતું.
દિવાળી હોવા છતાં મધ્ય રેલવેએ રવિવારે બ્લોક લીધો હતો. મેઈન અને હાર્બર લાઈનમાં બ્લોકને કારણે રવિવારે જ પ્રવાસીઓએ નારાજગી વ્યક્ત કરી હતી. મધ્ય રેલવેમાં રોજની 3,200થી વધુ લોકલ ટ્રેન દોડાવવાનો દાવો કરવામાં આવે છે, પરંતુ ટેક્નિકલ ખામીને કારણે રેલવે માંડ પોણા ભાગની લોકલ ટ્રેન દોડાવી શકતું નહીં હોય, તેમાંય વળી નોન-સબર્બન રેલવેનો ટ્રાફિક પણ અસર કરે છે. આ મુદ્દે કાયમી ઉકેલ લાવવાનું જરુરી છે નહીં તો ભવિષ્યમાં રેલવેને મોટું નુકસાન થઈ શકે છે, એમ અધિકારીએ દાવો કર્યો હતો.