Mon Nov 16 2026

Logo

દિગ્વિજય સિંહે હિન્દુત્વ અંગે કર્યો બફાટઃ વિવાદાસ્પદ નિવેદન આપતા ભાજપના નેતા લાલઘૂમ

2026-11-05 15:22:00
Author: Vimal Prajapati
દિગ્વિજય સિંહે હિન્દુત્વ અંગે કર્યો બફાટઃ વિવાદાસ્પદ નિવેદન આપતા ભાજપના નેતા લાલઘૂમ

ભોપાલઃ કોંગ્રેસ સહિત વિપક્ષ દ્વારા સત્તાપક્ષ સામે અનેક મુદ્દાઓને લઈને વિરોધ કરવામાં આવી રહ્યાં છે, જેના માટે કોંગ્રેસ અનેક નેતાઓ દ્વારા ભાજપ પર વાક્ પ્રહારો પણ કરવામાં આવી રહ્યાં છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ પોતાના વધુ એક વિવાદાસ્પદ નિવેદનને કારણે ફરી રાજકીય વિવાદમાં આવ્યા છે. ઉજ્જૈનથી ઉત્તર પ્રદેશના અયોધ્યા સુધીની પદયાત્રા દરમિયાન એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે નફરત ફેલાવવી એ જ હિંદુત્વ છે. તેમના આ નિવેદનની ઝાટકણી કાઢી હતી.

દિગ્વિજય સિંહે કેવું નિવેદન આપ્યું?
ગુના જિલ્લામાં પોતાની યાત્રા દરમિયાન મીડિયા સાથે વાતચીત કરતાં દિગ્વિજય સિંહે જણાવ્યું કે, “અમારો એક જ સંદેશ છે, સનાતન ધર્મ તમામ ધર્મોનું સન્માન કરે છે અને વિશ્વનું કલ્યાણ ઇચ્છે છે. આ જ સનાતન ધર્મ છે. નફરત ફેલાવવી એ હિંદુત્વ છે, જે RSS, વિશ્વ હિંદુ પરિષદ સાવરકરજીને પોતાના નેતા માને છે તેમણે કહ્યું હતું કે હિંદુત્વને ધર્મ સાથે કોઈ લેવાદેવા નથી”

ભાજપ દ્વારા વળતો પ્રહાર કરવામાં આવ્યો
દિગ્વિજય સિંહના આ નિવેદન પર મધ્ય પ્રદેશ સરકારના પ્રધાન અને ભાજપ નેતા વિશ્વાસ કૈલાશ સારંગે કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે આ યાત્રાને નફરત ફેલાવનારી અને સમાજમાં વિભાજન કરનારી ગણાવી હતી. તેમણે કહ્યું કે મને શરમ આવે છે કે તેઓ હિંદુઓને નફરત ફેલાવનારા અને પરિવાર તથા સમાજમાં વિઘટન લાવનારા કહી રહ્યા છે. ઝાકિર નાઇકના મંચ પર જઈને તેના ગુણગાન ગાનારા દિગ્વિજય સિંહને હિંદુઓ ખરાબ લાગે છે અને ઝાકિર નાઇક હીરો લાગે છે. તેમણે હિંદુત્વ અને સનાતનને બદનામ કરવાની સોપારી લીધી છે. આ યાત્રા સર્જન માટે નહીં, પરંતુ વિસર્જન અને સમાજના વિઘટન માટે કાઢવામાં આવી રહી છે.

શું છે સત્ય સનાતન સ્વાભિમાન યાત્રા?
દિગ્વિજય સિંહે રામ મંદિરના ચઢાવામાં થયેલી કથિત ચોરી સામે પદયાત્રા કરવાની જાહેરાત કરી છે અને પોતાના દાનની રકમ પાછી મેળવવા માટે કોર્ટમાં કેસ કરવાની વાત પણ કહી છે. કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે વિજયાદશમીના પવિત્ર અવસર પર ઉજ્જૈનથી ‘સત્ય સનાતન સ્વાભિમાન યાત્રા’ની શરૂઆત કરી છે. 
આ યાત્રાનો મુખ્ય હેતુ સનાતન સંસ્કૃતિના મૂળ આદર્શો, સત્ય અને પારદર્શિતાનો પ્રચાર કરવાનો દર્શાવવામાં આવ્યો છે. સંત-મહાત્માઓના નેતૃત્વ હેઠળ શરૂ થયેલી આ પદયાત્રા આશરે 930 કિલોમીટરનું અંતર કાપીને અયોધ્યા પહોંચશે. આ યાત્રા દરમિયાન ધાર્મિક સ્થળો પર દાનમાં પારદર્શિતા, નાણાકીય ગડબડની નિષ્પક્ષ તપાસ અને મત ચોરી જેવા મુદ્દાઓ પર જાગૃતિ ફેલાવવાનો દાવો કરવામાં આવ્યો છે.