ગીતા મહિમા - સારંગપ્રીત
મનુષ્યનો સ્વભાવ ખૂબ જ વિચિત્ર છે. તે જીવનભર વિચાર્યા વિના આગળ દોડતો રહે છે અને વારંવાર ઠોકર પણ ખાતો રહે છે. સફળતાનો માર્ગ માત્ર દોડવાથી નથી મળતો, આગળ વધવા માટે થોડું થોભીને, પાછલા અનુભવનો વિચાર કરીને આગળના પથનું આયોજન કરવું પડે છે. હા, જીવનમાં સફળતા મેળવવા માટે થોડો સમય થોભવું, પોતાની ભૂલો, અનુભવો અને પરિસ્થિતિઓનું નિષ્પક્ષ વિશ્લેષણ કરવું જરૂરી છે.
દુનિયાનું સૌથી મોટો અંધકાર આંખોની સામે નથી, પરંતુ મનુષ્યના અંતરમાં વસેલો હોય છે. જે દિવસે મનુષ્ય પોતાના અંત:કરણમાં ઝાંખી કરવાનું શીખી જાય છે, તે દિવસે તેના જીવનમાં નવા પ્રભાતનો ઉદય થાય છે. આ જ અંતર્દૃષ્ટિ છે. એટલે કે પોતાના અંતરમાં ઊતરવાની ક્ષમતા! ખરેખર, પાછળ વળીને જોવાની કળા જ આગળ વધવાનું વિજ્ઞાન છે.
ગીતા કહે છે કે યોગ્ય દિશામાં આગળ વધવા માટે પોતાના અનુભવોનું મૂલ્યાંકન કરવું અત્યંત આવશ્યક છે. વેપારી દર વર્ષે પોતાનો હિસાબ કરે છે. ખેડૂત પાક ઉતાર્યા પછી જુએ છે કે કયું બીજ વધુ ફળદાયી રહ્યું અને કયું નિષ્ફળ ગયું. વિદ્યાર્થી પરીક્ષા પછી પોતાની ભૂલોનું વિશ્લેષણ કરે છે. જો આ બધાં પોતાનાં ભૂતકાળનો હિસાબ ન કરે, તો તેમનું ભવિષ્ય પણ અંધકારમય બની જાય. તો પછી મનુષ્યે પોતાના જીવનનો હિસાબ કેમ ન કરવો જોઈએ? દિવસના અંતે જો તે પોતાને માત્ર એટલું પૂછે કે, આજે મેં શું મેળવ્યું અને શું ગુમાવ્યું? કોને પ્રસન્ન કર્યો અને કોનું હૃદય દુભાવ્યું? તો તેની આવતીકાલ નિશ્ચિતપણે આજ કરતાં વધુ ઉત્તમ બનશે. પ્રકૃતિ પણ આપણને આ જ પાઠ શીખવે છે. જંગલનો સિંહ માત્ર બળવાન હોવાથી રાજા કહેવાતો નથી. તે છલાંગ લગાવતાં પહેલાં થોડો સમય થોભે છે, ચારે તરફ નજર કરે છે, પરિસ્થિતિનું સૂક્ષ્મ અવલોકન કરે છે અને પછી જ આગળ વધે છે.
તેનું આ થોભવું તેની નબળાઈ નહીં, પરંતુ તેની સૌથી મોટી શક્તિ છે. જે વિચાર્યા વિના દોડે છે તે પડી જાય છે, જ્યારે જે જોઈ-વિચારીને આગળ વધે છે તે જ પોતાના લક્ષ્ય સુધી પહોંચે છે. મહંત સ્વામી મહારાજ સમજાવે છે કે આજના મનુષ્ય પાસે સમગ્ર દુનિયાને જોવાનો સમય છે, પરંતુ પોતાને જોવાનો સમય નથી. તે બીજાના દોષો શોધવામાં અત્યંત કુશળ છે, પરંતુ પોતાના દોષોની બાબતમાં અંધ બની જાય છે. બીજાની ભૂલોમાં તે કઠોર ન્યાયાધીશ બની જાય છે, જ્યારે પોતાની ભૂલો માટે કુશળ વકીલ બની જાય છે. આ જ વૃત્તિ તેના વિકાસમાં સૌથી મોટો અવરોધ બને છે. જે વ્યક્તિ પોતાના દોષોને સ્વીકારી શકતો નથી, તે તેમને ક્યારેય દૂર પણ કરી શકતો નથી.
આધ્યાત્મિક માર્ગ તો અંતર્દૃષ્ટિ વિના એક પગલું પણ આગળ વધી શકતો નથી. સાધનાનું પ્રથમ સોપાન પોતાના ગુણો અને દોષોનું નિષ્પક્ષ અવલોકન છે. દરરોજ પોતાના અંતરમાં ઊતરીને જોવું કે આજે અહંકાર કેટલો વધ્યો, ક્રોધ ક્યાં પ્રગટ થયો, લોભે ક્યારે મનને ચંચળ બનાવ્યું અને પ્રેમ, કણા, નમ્રતા તથા સેવાના ગુણોમાં કેટલી વૃદ્ધિ થઈ ?... આ જ સાચી સાધના છે. જે પોતાના દોષોને ઓળખી લે છે, તે તેમને દૂર કરવાનો માર્ગ પણ શોધી લે છે. જે રોગનું યોગ્ય નિદાન થઈ જાય, તેની સારવાર મુશ્કેલ રહેતી નથી.
ભગવાન સ્વામિનારાયણે પણ અંતર્દૃષ્ટિ પર વિશેષ ભાર મૂક્યો છે. સંતોએ આત્મનિરીક્ષણને જીવનનું દર્પણ કહ્યું છે. દર્પણ ચહેરા પરની ધૂળ બતાવે છે, પરંતુ તેને દૂર કરતું નથી; ધૂળ દૂર કરવાની જવાબદારી તો મનુષ્યે પોતે જ નિભાવવાની હોય છે. તેવી જ રીતે અંતર્દૃષ્ટિ આપણને આપણા દોષોનો પરિચય કરાવે છે, પરંતુ તેમને દૂર કરવાનો પુષાર્થ તો આપણે જ કરવો પડે. માત્ર પસ્તાવો પૂરતો નથી; પરિવર્તન આવશ્યક છે. આત્મચિંતન જો આચરણમાં ન ઊતરે, તો તે માત્ર વિચાર-વિલાસ બનીને રહી જાય છે.
આજે મનુષ્ય ચંદ્ર સુધી પહોંચી ગયો છે, પરંતુ પોતાના અંત:કરણ સુધી પહોંચવાનો માર્ગ ભૂલી ગયો છે. તેથી જીવનની દરેક સંધ્યા આપણને એક મૌન સંદેશ આપે છે; થોડો સમય થોભો, પોતાને વાંચો અને આવતીકાલનું નવું જીવન ઘડો. જે વ્યક્તિ દરરોજ પોતાના જીવનનો નિષ્પક્ષ હિસાબ કરે છે, તે જ પોતાના ભવિષ્યનો સાચો સર્જક બને છે. અંતર્દૃષ્ટિ માત્ર પાછળ જોવાની પ્રક્રિયા નથી; તે તો ભવિષ્યના માર્ગને પ્રકાશિત કરતો દીપક છે. જે પોતાના અંતરના અંધકારને ઓળખી લે છે, તેના જીવનમાં પ્રકાશનો સૂર્યોદય નિશ્ચિત બને છે.