Tue Nov 17 2026

Logo

ભાજપ નેતાના દીકરાને ફાયર બ્રિગેડથી ઘર ધોવડાવવાનું ભારે પડ્યું, નગરપાલિકાએ ફટકાર્યો દંડ

2026-10-16 14:24:00
Author: Vimal Prajapati
ભાજપ નેતાના દીકરાને ફાયર બ્રિગેડથી ઘર ધોવડાવવાનું ભારે પડ્યું, નગરપાલિકાએ ફટકાર્યો દંડ

દાહોદ: દાહોદ જિલ્લાની દેવગઢ બારિયા નગરપાલિકાએ સ્થાનિક ભાજપના ધારાસભ્ય બચુભાઈ ખાબડના પુત્ર બળવંત ખાબડ સામે કડક વલણ અપનાવતાં રૂપિયા 25,000નો દંડ ફટકાર્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ધારાસભ્યના પુત્રએ ફાયર બ્રિગેડને ઘરમાં આગ લાગી હોવાની ખોટી માહિતી આપીને ગાડી બોલાવી હતી અને બાદમાં તે પાણીના બંબા વડે પોતાનું ઘર ધોવડાવ્યું હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. નગરપાલિકાએ દંડની રકમ ભરવા માટે 03 દિવસની મુદત આપી છે અને જો સમયસર દંડ નહીં ભરાય તો કાનૂની કાર્યવાહી કરવાની સ્પષ્ટ ચેતવણી આપી છે.

આગની ખોટી માહિતી આપી ફાયર બ્રિગેડનો દુરુપયોગ

વિગતે વાત કરવામાં આવે તો, દેવગઢ બારિયાના પીપેરો ગામ ખાતે ભાજપના ધારાસભ્ય બચુભાઈ ખાબડનું નિવાસસ્થાન આવેલું છે. ગત 4 ઓક્ટોબરના રોજ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં ફાયર બ્રિગેડની ગાડી ધારાસભ્યના ઘરને પાણીથી ધોતી જોવા મળી રહી હતી. તપાસમાં સામે આવ્યું કે, નગરપાલિકા પ્રમુખ ધર્મેશ કલાલે ફાયર સ્ટેશન પર ફોન કરીને ધારાસભ્યના ઘરે આગ લાગી હોવાની માહિતી આપી હતી. જેથી ફાયર કર્મચારીઓ મૌખિક મંજૂરી લઈને તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. પરંતુ ત્યાં પહોંચતા જ આગ બુઝાવવાને બદલે કર્મચારીઓ પાસે બળજબરીથી ઘરની સફાઈ કરાવવામાં આવી હતી.

25 હજારનો દંડ અને પોલીસ કાર્યવાહીની ચેતવણી

ઘર ધોવાનું કામ ચાલુ રહેતાં ફાયર કર્મચારીઓએ કામ અટકાવી દીધું હતું અને સ્થળ પર જ રૂપિયા 2,700નો દંડ આકારીને ગાડી પરત લઈ આવ્યા હતા. આ ઘટના બાદ દેવગઢ બારિયા નગરપાલિકાએ 'ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફ્ટી મેઝર્સ એક્ટ, 2013' હેઠળ બળવંતભાઈ ખાબડને નોટિસ પાઠવીને રૂપિયા 25,000નો દંડ ભરવા આદેશ કર્યો છે.

તંત્ર દ્વારા એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, જો 03 દિવસમાં દંડની રકમ જમા કરાવવામાં નહીં આવે તો પોલીસ ફરિયાદ સહિતની કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ, આ ઘટનાને પગલે કોંગ્રેસ સહિતના વિપક્ષી દળોએ ભાજપના ધારાસભ્ય પર સત્તાના દુરુપયોગનો આરોપ લગાવીને તેમની સામે ત્વરિત એફઆઈઆર નોંધવાની માંગ કરી છે.