Mon Nov 16 2026

Logo

રાયગઢ પમ્પડ સ્ટોરેજ પ્રોજેક્ટ પર વિરોધ રાજકીય: દેવેન્દ્ર ફડણવીસ

2026-10-27 19:57:04
Author: Mumbai Samachar Team
રાયગઢ પમ્પડ સ્ટોરેજ પ્રોજેક્ટ પર વિરોધ રાજકીય: દેવેન્દ્ર ફડણવીસ

મુંબઈઃ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના કર્જત તાલુકામાં ટોરેન્ટ પાવર દ્વારા સૂચિત ૩,૦૦૦ મેગાવોટના પમ્પડ સ્ટોરેજ પાવર પ્રોજેક્ટ અંગે રાજકીય ગરમાવો આવ્યો છે. વિરોધ પક્ષો અને પર્યાવરણ કાર્યકરો દ્વારા મોટા પાયે વૃક્ષો કાપવા અને જંગલોના વિનાશનો આરોપ લગાવી આ પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે રાયગઢ જિલ્લામાં આવનારા 'પમ્પડ સ્ટોરેજ' પાવર પ્રોજેક્ટનો વિરોધ અસ્થાને છે અને તે રાજકીય હોય તેમ જણાય છે.

કર્જત તાલુકામાં ટોરેન્ટ પાવરના સૂચિત ૩,૦૦૦ મેગાવોટના પ્રોજેક્ટ માટે મોટા પાયે વૃક્ષો કાપવા બદલ વિરોધ પક્ષ અને પર્યાવરણ કાર્યકરોએ આકરી ટીકા કરી છે, અને મહાયુતિ સરકાર પર જંગલ તથા વન્યજીવનનો નાશ કરવાનો આરોપ લગાવ્યો છે. પમ્પડ સ્ટોરેજ ટેક્નોલોજી પર આધારિત પ્રોજેક્ટના મહત્વ પર ભાર મૂકતા ફડણવીસે કહ્યું કે, સૌર અને પવન ઊર્જાના સ્ત્રોતો ૨૪ કલાક ઉપલબ્ધ હોતા નથી.

સૌર અને પવન ઊર્જાને સંતુલિત કરવા તેમજ વીજ ગ્રીડને સ્થિર રાખવા માટે વિશ્વભરમાં પમ્પડ સ્ટોરેજ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. ફડણવીસે દાવો કર્યો કે કોલસામાંથી ૩,૦૦૦ મેગાવોટ જેટલી વીજળી ઉત્પન્ન કરવાથી એટલું પ્રદૂષણ ફેલાશે કે તેની ભરપાઈ કરવા માટે ૨૮ કરોડ વૃક્ષોની જરૂર પડશે. 

તેમણે જણાવ્યું હતું કે કર્જત પ્રોજેક્ટમાં ૯૦,૦૦૦ વૃક્ષ વાવવાનો સમાવેશ થાય છે. પ્રસ્તાવિત પ્રોજેક્ટ માટે હસ્તગત કરવામાં આવેલી જમીનના બમણા વિસ્તાર જેટલી જમીન વનીકરણ માટે વન વિભાગને આપવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે, પ્રોજેક્ટના સ્થળે વધુ ૬૦,૦૦૦ વૃક્ષો વાવવામાં આવશે.

જો કોઈ વધુ સારી ટેકનોલોજી ઉપલબ્ધ છે અને આ પ્રોજેક્ટને પર્યાવરણને વધુ અનુકૂળ રીતે અમલમાં મૂકી શકાય એવું બતાવી શકે, તો સરકાર તેના પર વિચાર કરવા તૈયાર છે, તેમણે ઉમેર્યું હતું. 

આરે મેટ્રો કાર શેડ વિવાદનો ઉલ્લેખ કરતા ફડણવીસે કહ્યું કે, ન્યાયિક મંજૂરી મળતા પહેલાં આ પ્રોજેક્ટને પણ પર્યાવરણીય કારણોસર વિરોધનો સામનો કરવો પડ્યો હતો. તેમણે કહ્યું, "જેમને રાજકારણ કરવું છે તેઓ રાજકારણ કરવાનું ચાલુ રાખી શકે છે."