મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસ અને રાહુલ ગાંધી દ્વારા ચલાવવામાં આવી રહેલા "સત્તા પરિવર્તન" અભિયાન પાછળનો અસલી એજન્ડા લોકશાહી વ્યવસ્થા, બંધારણ અને સંસ્થાઓને નષ્ટ કરવાનો છે. તેમણે આને એક મોટા ષડયંત્ર તરીકે ગણાવ્યું હતું.
બાંગ્લાદેશ, નેપાળ અને શ્રીલંકામાં થયેલા રાજકીય ઘટનાક્રમોનો ઉલ્લેખ કરતા તેમણે દાવો કર્યો કે આ દેશોમાં બંધારણીય ફેરફારો અને સત્તાપરિવર્તન એ એક મોટી આંતરરાષ્ટ્રીય ષડયંત્રનો ભાગ હતો અને "ભારતમાં પણ આવા જ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ".
મુંબઈમાં 'લોકશાહી અને બંધારણ બચાવો' રેલીને સંબોધતા ફડણવીસે કહ્યું કે, સરકાર બદલવાનો અર્થ ચૂંટાયેલી સરકારને બીજી સરકાર સાથે બદલવી એવો થાય છે, જ્યારે 'શાસન વ્યવસ્થામાં પરિવર્તન'નો અર્થ દેશની રાજકીય પ્રણાલી, બંધારણ અને સંસ્થાઓમાં ફેરફાર કરવો એવો થાય છે.
ભાજપના વરિષ્ઠ નેતાએ આક્ષેપ કર્યો કે કોંગ્રેસ અને તેના સાથી પક્ષો 'બંધારણ બચાવો' ના નારાનો ઉપયોગ "સત્તા પરિવર્તનના એજન્ડા"ને આગળ વધારવા માટે કરી રહ્યા છે. "અમારા લોહીના છેલ્લા ટીપાં સુધી, અમે સત્તા પરિવર્તન થવા દઈશું નહીં. અમે કોઈને પણ બંધારણને સ્પર્શવા કે લોકશાહીને જોખમમાં મૂકવા દઈશું નહીં," ફડણવીસે જણાવ્યું હતું.
ફડણવીસે કોંગ્રેસ પર સત્તામાં હતી ત્યારે પણ તેણે લોકશાહી સંસ્થાઓ અને બંધારણને નબળાં પાડવાનો આરોપ લગાવ્યો હતો. "કોંગ્રેસ અને વિરોધ પક્ષના નેતાઓ રિઝર્વ બેંક, કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ, સંસદ, ચૂંટણી પંચ અને સર્વોચ્ચ અદાલત જેવી સંસ્થાઓને વ્યવસ્થિત રીતે બદનામ કરી રહ્યા છે," વિપક્ષ લોકશાહી સંસ્થાઓમાં જનતાનો વિશ્વાસ નબળો પાડવાનો પ્રયાસ કરી રહ્યો છે,તેવો તેમણે આક્ષેપ કર્યો હતો.
રાહુલ ગાંધીની આકરી ટીકા કરતા તેમણે કહ્યું કે, વિપક્ષી નેતાઓએ આ સંસ્થાઓ સામે રસ્તા પર ઉતરવાને બદલે ન્યાયિક પ્રક્રિયાઓ દ્વારા ન્યાય મેળવવો જોઈએ. "રાહુલ ગાંધી, તમે બંધારણને નષ્ટ કરવાના તમારા પ્રયાસમાં સફળ નહીં થાઓ. ઈન્દિરા ગાંધી એક મજબૂત નેતા હતાં, છતાં તેઓ તેને નષ્ટ કરી શક્યા નહોતા. તો તમે કોણ છો?" તેમણે પૂછ્યું.
તેમણે કહ્યું કે જ્યાં સુધી "બંધારણ અને લોકશાહી વ્યવસ્થા બદલવાના વિપક્ષના ઈરાદાઓ નિષ્ફળ ન જાય",ત્યાં સુધી એનડીએ નું અભિયાન ચાલુ રહેશે અને તેમણે નાગરિકોને તેમના રાજકીય જોડાણોને બાજુ પર રાખીને બંધારણ તથા લોકશાહીના રક્ષણ માટેના આ આંદોલનમાં જોડાવા અનુરોધ કર્યો હતો.
પદયાત્રામાં કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલે, મહારાષ્ટ્ર બીજેપી અધ્યક્ષ રવિન્દ્ર ચવ્હાણ, મુંબઈ ભાજપના ચીફ અમિત સાટમ, રાજ્ય પ્રધાન આશિષ શેલાર અને શિવસેના નેતા સચિન આહિર અને ઘણા ધારાસભ્યોએ ભાગ લીધો હતો.