નવી દિલ્હી: દિલ્હી રમખાણ કેસમાં કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. કોર્ટે તાહિર હુસૈનને બે વર્ષની જેલની સજા ફટકારી અને રૂપિયા 10,000 નો દંડ ફટકાર્યો હતો. આ ઉપરાંત કોર્ટે નોંધ્યું કે એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે શાંતિ જાળવવી એ તાહિરની જવાબદારી હતી. પરંતુ તે તોફાનીઓને મદદ કરવાના ગુનામાં દોષિત ઠર્યા છે. આ ઉપરાંત દંડની રકમ ચૂકવવામાં નિષ્ફળ જવાની સ્થિતિમાં તેમણે વધારાના 10 દિવસની સાદી કેદ ભોગવવી પડશે.
અદાલતે તાહિર હુસૈનને ભારતીય દંડ સંહિતાની કલમો હેઠળ દોષિત ઠેરવ્યો
10 ઓક્ટોબર, 2026ના રોજ, અદાલતે તાહિર હુસૈનને ભારતીય દંડ સંહિતાની કલમ 147 અને કલમ 109 હેઠળ દોષિત ઠેરવ્યો હતો. ત્યારબાદ સજાની અવધિ નક્કી કરવા માટે અદાલતે બંને પક્ષોની દલીલો સાંભળી હતી.
તાહિર હુસૈને તોફાની તત્વોને તેમના ઘરનો ઉપયોગ કરવાની છૂટ આપી
આ આદેશ આપતી વખતે અદાલતે ભારપૂર્વક નોંધ્યું હતું કે, ફેબ્રુઆરી 2020 માં જ્યારે ઉત્તર-પૂર્વ દિલ્હીમાં રમખાણો થયા, ત્યારે તાહિર હુસૈન એક ચૂંટાયેલા જનપ્રતિનિધિ હતા. આ હોદ્દાને ધ્યાનમાં રાખતા એવી અપેક્ષા રાખવામાં આવતી હતી કે તેઓ હિંસા રોકવામાં અને વિસ્તારમાં શાંતિ જાળવી રાખવામાં મદદ કરશે. પરંતુ તેના બદલે, અદાલતે એવું સાબિત થયું કે તાહિર હુસૈને તોફાની તત્વોને તેમના ઘરનો ઉપયોગ કરવાની છૂટ આપી હતી.
સ્થાનનો ઉપયોગ હિંસાને ડામવા માટે થવો જોઈતો હતો
આ કેસમાં અદાલતે અવલોકન કર્યું કે તેમની મિલકત એક ઉંચી અને વ્યૂહાત્મક સ્થળે આવેલી હતી, જેનો ઉપયોગ તોફાનીઓએ લોકો પર હુમલા કરવા અને સંપત્તિને નુકસાન પહોંચાડવા માટે કર્યો હતો. અદાલતે ટિપ્પણી કરી કે જે સ્થાનનો ઉપયોગ હિંસાને ડામવા માટે થવો જોઈતો હતો, તેનો ઉપયોગ હિંસાને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવ્યો. જે બાબતને અદાલતે ગંભીર ગણાવી છે.