નવી દિલ્હી: પાટનગર સ્થિત રામલીલા મેદાનમાં પહેલી નવેમ્બરે યોજાવનારી કોંગ્રેસની રેલીને લઇને દિલ્હી પોલીસે અનેક પ્રકારની કડક શરતો મૂકી છે. પોલીસની મંજૂરી મુજબ રેલી સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી યોજી શકાશે. કાર્યક્રમનો સમય કોઈ પણ સંજોગોમાં લંબાવી શકાશે નહીં. આ ઉપરાંત, રેલીમાં ભડકાઉ ભાષણ થાય નહીં તેમ જ ભીડનું યોગ્ય સંચાલન થાય અને જાહેર વ્યવસ્થા જળવાઈ રહે તેની જવાબદારી પણ આયોજકોને સોંપવામાં આવી છે.
ભડકાઉ ભાષણ આપ્યું તો માઇક બંધ કરાશે
દિલ્હી પોલીસે આયોજકોને સ્પષ્ટ સૂચના આપી છે કે રેલી દરમિયાન કોઈ પણ વક્તા ઉશ્કેરણીજનક કે ભડકાઉ ભાષણ ન આપે. કોઈ જાતિ, ધર્મ કે રંગને નિશાન બનાવીને જાહેર શાનીતિને અસર થાય તેવા નિવેદનો પણ આપી શકાશે નહીં. જો કોઈ વક્તા ઉશ્કેરણીજનક અથવા ધમકીભર્યું ભાmumષણ આપશે તો તરત જ પબ્લિક એડ્રેસ સિસ્ટમ એટલે માઇક બંધ કરીને સ્ટેજ પરથી દૂર કરવાની સૂચના આપવામાં આવી છે. આયોજકોને રામલીલા મેદાન સિવાય અન્ય કોઈ સ્થળ તરફ કુચ ન કાઢવા માટે પણ જણાવવામાં આવ્યું છે.
CCTV કેમેરા અને સુરક્ષાની વ્યવસ્થા ફરજિયાત
રેલી દરમિયાન સુરક્ષા અને ભીડના નિયંત્રણ માટે પ્રવેશદ્વાર, બહાર નીકળવાના રસ્તા, મંચ અને મેદાનની આસપાસ હાઇ ડેફિનેશન CCTV કેમેરા લગાવવાના રહેશે. આ સુવિધા સાથે રેકોર્ડીંગ, મોનીટરીંગ સાધનો, ઓછામાં ઓછી 5 જેટલી સ્ક્રીન અને અલગ CCTV કંટ્રોલ રૂમની પણ વ્યવસ્થા પૂરી પાડવી પડશે.
આ ઉપરાંત આયોજકો પૂરતા પ્રમાણમાં પાણીના ટેન્કર, મહિલાઓ માટે અલગ શૌચાલય અને ભીડને સંભાળવા માટે પૂરતા પ્રમાણમાં સ્વયંસેવકો તૈયાર કરવાના રહેશે. રેલીમાં ભાગ લેનારાઓના વાહનો પણ ટ્રાફિક પોલીસ દ્વારા નક્કી કરાયેલા સ્થળોએ જ પાર્ક કરી શકશે.
રેલી પહેલા કે પછી રામલીલા મેદાનમાં કોઈ રોકાઈ શકશે નહીં
પોલીસની શરતો અનુસાર, રેલીમાં ભાગ લેનારને કાર્યક્રમ પહેલા કે પછી રામલીલા મેદાનમાં રાતવાસો કરવાની મંજૂરી નહીં હોય. આયોજકોને આમંત્રિત મહેમાનો અને સ્વયંસેવકોની યાદી, કાર્યક્રમની રૂપરેખા તેમ જ રેલીમાં આવતા તમામ વાહનોના રજિસ્ટ્રેશન નંબર સહિતની વિગતો પોલીસને આપવાની રહેશે.
દિલ્હી પોલીસ 1 નવેમ્બરની રેલી માટે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) આપ્યું છે. પરંતુ આયોજકોએ મેદાનની માલિકી ધરાવતી સત્તા પાસેથી જરૂરી મંજૂરી પણ મેળવવાની રહેશે. રેલીને શાંતિપૂર્ણ કરાવવા અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે પોલીસ આયોજકો તથા સંબંધિત વિભાગો સાથે સંકલન કરશે.