Mon Nov 16 2026

Logo

વિરોધ પ્રદર્શનને કારણે દિલ્હીના 700થી વધુ બજાર પર 'માઠી' અસર, તહેવારોમાં ₹ 3,000 કરોડનો ફટકો...

2026-10-17 22:09:32
Author: Mumbai Samachar Team
વિરોધ પ્રદર્શનને કારણે દિલ્હીના 700થી વધુ બજાર પર 'માઠી' અસર, તહેવારોમાં ₹ 3,000 કરોડનો ફટકો...

નવી દિલ્હીઃ ઑક્ટોબર મહિનામાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનને કારણે દિલ્હીના વેપારીઓને મસમોટી ખોટ ખાવાનો વારો આવ્યો છે. તહેવારોની સિઝન ચાલી રહી છે એવામાં નવી દિલ્હીમાં વિરોધ પ્રદર્શન થતા વેપારીઓને આની સીધી અસર થઈ છે. નાના-મોટા વેપારીઓના નુકસાનની સરેરાશ કાઢવામાં આવે તો આ આંકડો 3,000 કરોડ સુધી પહોંચ્યો હોવાનું અનુમાન છે. 
દસમી ઑક્ટોબરના થયેલા વિરોધ પ્રદર્શનમાં આશરે ₹ 2,000 કરોડ અને 13થી 16 ઑક્ટોબર દરમિયાન થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન નાકાબંધી, મેટ્રો બંધ અને સેન્ટ્રલ પાર્ક બંધ થતા આશરે ₹1000 કરોડનું નુકસાન છે. સૌથી વધુ આર્થિક ફટકો રિટેલ સેક્ટરને પડ્યો છે. 

સ્થાનિક માર્કેટના હાલ બેહાલ
સદર બજાર, ચાંદની ચૌક, કાશ્મીરી ગેટ, ચાવડી બજાર, ભગીરથ પેલેસ, ગાંધીનગર માર્કેટ, નયા બજાર, ખારી બાવલી, કરાવલ નગર, કરોલ બાગ, લાજપત રાય માર્કેટ, કનોટ પ્લેસ સહિત દિલ્હીના જ 700થી વધુ નાના-મોટા માર્કેટને માઠી અસર થઈ છે. નવરાત્રિ અને દિવાળી જેવા તહેવારોની સિઝન પહેલા જ આ માર વેઠવાનો વારો આવ્યો છે. મોટા ભાગે લોકો આ વિસ્તારમાંથી જ ખરીદારી કરતા હોય છે તો બીજી તરફ દિલ્હીની આસપાસના વિસ્તારના લોકો અહીંયાથી મોટી સંખ્યામાં જથ્થાબંધ ખરીદી કરીને લઈ જતા હોય છે. આ વખતે આ ઠપ રહ્યું છે. 

દિવાળી જેવા તહેવારોની ખરીદી નોરતાથી શરૂ થઈ જાય છે. આ વખતે આ ખરીદારીમાં મોટી બ્રેક લાગી ગઈ હતી. સોનીપત, પાનીપત, ગુરૂગ્રામ, ફરીદાબાદ, નોઈડા, ગાઝિયાબાદ અને રાજસ્થાન જેવા રાજ્યમાંથી નિયમિત ધોરણે આવતા વેપારીઓ ઓછામાં ઓછી ₹ 3થી ₹ 4 લાખની ખરીદી કરી જાય છે. આ માટે તેઓ દિલ્હી આવતા હોય છે. આ પાછળનું કારણ એ છે કે, એમને અહીંયા જરૂરી કોમોડિટીની ખરીદી કરવી સસ્તી પડે છે અને નફો મોટો મળે છે. વિરોધ પ્રદર્શનને કારણે આ વેપારીઓ આ વખતે દિલ્હી આવ્યા નથી. ટ્રકની અવરજવરમાં બ્રેક લાગી ગઈ, સપ્લાય ચેઈન તૂટી ગઈ અને તહેવારમાં ગોદામમાં જ માલ પડી રહ્યો. 

ખૂબ મોટી રેવન્યૂ બ્રેક
સિક્કાની બીજી બાજુ જોઈએ તો દિલ્હીની હોટેલ, રેસ્ટોરાં, સિનેમા, બ્યૂટી પાર્લર, સલુન, જીમ ક્લબમાં પણ 80 ટકા જે બુકિંગ અગાઉ હતા એ રદ્દ થઈ ગયા છે. કનોટ પ્લેસ, ખાન માર્કેટ જેવા પ્રાઈમ શોપિંગ એરિયામાં રેસ્ટોરાંની સાંજના બુકિંગ જ ઝીરો થયેલા જોવા મળ્યા. ખાસ કરીને જે વિદેશી પ્રવાસીઓ અહીંયા આવતા એ બંધ થઈ ગયા. દિલ્હીમાં જ નાના-મોટા 20થી વધારે ટ્રાંસપોર્ટ બંધ રહ્યા. 

દિલ્હી હાઈવે પર 12થી 10 કિમીનો ટ્રાફિક જામ રહ્યો, બસ રૂટ ડાઈવર્ટ કરી દેવાયા. બીજી તરફ સિટીમાં દોડતી ટેક્સી સર્વિસ, ઓટો સર્વિસ, ઈ રિક્ષા ચલાવતા લોકોની એક દિવસની રોજીરોટી બંધ થઈ ગઈ. 5000થી વધુ ટ્રક અને ટેમ્પોના પૈડાં થંભી ગયા. ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીના ચેરમેન બ્રિજેશ ગોયલનું એવું કહેવું છે કે, રેવન્યૂ માટેના આ પ્રાઈમ સીઝન છે દિલ્હી માટે, નવરાત્રિ, દિવાળી, રામલીલા જેવા તહેવાર અમારા માટે આખા વર્ષની કમાણી કરાવી જાય છે. 

એક જ મહિનામાં થોડા નફા સાથે આખા વર્ષનું કમાવવાનું હોય છે. હજુ પણ વિરોધ પ્રદર્શનનો ધમધમાટ રહ્યો તો માત્ર દિલ્હી સિટીનું જ નુકસાન ₹ 1000 કરોડને પાર થઈ જશે. આવામાં સરકાર થોડી છૂટ આપે, રાહત પેકેજ આપે કે GSTમાં છૂટ આપે એવી માગ છે.