દિલ્હીમાં 1 નવેમ્બરે રામલીલા મેદાનમાં યોજાનારી INDIA ગઠબંધનની મહારેલી પહેલા કોંગ્રેસે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ' સાર્વજનિક મહાભિયોગ' માટે કાર્યક્રમ કરવા માંગતી હતી. કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલના અનુસાર આ કાર્યક્રમ 30 ઓક્ટોબરે થવાનો હતો પરંતુ દિલ્હી પોલીસે તેની મંજૂરી ન આપી.
કોંગ્રેસનો દાવો છે કે અશોકા હોટેલમાં મંજૂરી ન મળ્યા બાદ કાર્યક્રમ રામલીલા મેદાનમાં યોજવાની યોજના બનાવવામાં આવી હતી, પરંતુ ત્યાં પણ મંજૂરી મળી નહીં. કે.સી. વેણુગોપાલે જણાવ્યું કે મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ પ્રસ્તાવિત કાર્યક્રમ માટે પાર્ટીને રામલીલા મેદાનમાં 25 ઓક્ટોબરથી 3 નવેમ્બર સુધીની પરવાનગી મળેલી હતી. તેમ છતાં 30 ઓક્ટોબરે કાર્યક્રમ કરવાની મંજૂરી આપવામાં આવી નહોતી. જોકે, આ મામલે દિલ્હી પોલીસનું વલણ હજુ સામે આવ્યું નથી.
'અમિત શાહ કે PM મોદીના ઘરે પણ કરી શકીએ છીએ'
કાર્યક્રમ માટે વૈકલ્પિક જગ્યાના સવાલ પર કે.સી. વેણુગોપાલે કહ્યું કે કોંગ્રેસ જાણે છે કે તેણે આ કાર્યક્રમ કેવી રીતે કરવાનો છે. તેમણે કહ્યું કે પાર્ટી ગૃહમંત્રી અમિત શાહ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને પણ આવું કરી શકે છે. કોંગ્રેસ નેતા પવન ખેડાએ પણ આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે.
1 નવેમ્બરે રામલીલા મેદાનમાં મહારેલી
કોંગ્રેસ 1 નવેમ્બરે દિલ્હીના રામલીલા મેદાનમાં 'મત બચાવો-દેશ બચાવો'ના નારા સાથે INDIA ગઠબંધનની મહારેલી કરવા જઈ રહી છે. પાર્ટી મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે SIR માં કથિત ગેરરીતિઓને લઈને અભિયાન ચલાવી રહી છે.
AICC મહાસચિવ અવિનાશ પાંડેએ સોમવારે કહ્યું કે મહારેલી પછી પણ આ અભિયાન ચાલુ રહેશે. તેમણે જણાવ્યું કે 26 ઓક્ટોબરથી 26 નવેમ્બર સુધી અલગ-અલગ તબક્કામાં અભિયાન ચલાવવામાં આવશે. કોંગ્રેસનું કહેવું છે કે તે રાષ્ટ્રીય સ્તરથી લઈને બૂથ સ્તર સુધી ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતાનો મુદ્દો ઉઠાવશે અને લોકો સુધી પોતાનો સંદેશ પહોંચાડશે.
જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ
અવિનાશ પાંડેના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામા અને તેમના કથિત ગેરબંધારણીય કાર્યોની સમયબદ્ધ તપાસની માંગ કરી રહી છે. પાર્ટી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ પણ ઉઠાવી રહી છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની પ્રધાનમંત્રી મોદી પરની ટિપ્પણીને લઈને થયેલા વિવાદ પર પાંડેએ કહ્યું કે તેમના નિવેદનની ભાવનાને સમજવી જોઈએ. તેમણે દાવો કર્યો કે ખડગેએ દેશના લોકોના ગુસ્સા અને તેમની લાગણીઓને સામે રાખી હતી.