નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં ઐતિહાસિક 'રેસ કોર્સ મસ્જિદ'ને લઈને વિવાદ સર્જાયો છે. આ મસ્જિદને છ દિવસની અંદર ખાલી કરવા માટેની નોટિસ પાઠવવામાં આવી છે. આ રેસ કોર્સ મસ્જિદ વડાપ્રધાનના નિવાસસ્થાન નજીક લોક કલ્યાણ માર્ગ પર આવેલી છે. જોકે, નોટિસ બાદ જમીયત ઉલેમા એ હિંદનું પ્રતિનિધી મંડળ કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુને મળીને આવેદનપત્ર સોંપ્યું હતું. તેમજ તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ કરી હતી.
વર્ષ 2023 થી દિલ્હી વક્ફ બોર્ડની રચના કરવામાં આવી નથી
આ ઉપરાંત એઆઇએમઆઇએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ એક્સ પર કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુને દિલ્હીની 'રેસ કોર્સ મસ્જિદ'ના મામલે હસ્તક્ષેપ કરવા વિનંતી કરી છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વક્ફ સુધારા કાયદો પણ આ મસ્જિદને રક્ષણ પૂરું પાડે છે. કારણ કે તે 'વક્ફ બાય યુઝ'ની શ્રેણીમાં આવે છે. વર્ષ 2023 થી દિલ્હી વક્ફ બોર્ડની રચના કરવામાં આવી નથી. તેથી આ મુદ્દાનું નિરાકરણ લાવવાની જવાબદારી મંત્રીની છે. બોર્ડના સીઈઓ પણ આમાં હસ્તક્ષેપ કરી શક્યા હોત, પરંતુ તેમ થયું નથી.
'હુજરા કુઆં' મસ્જિદને તોડી પાડવાના પ્રયાસની પણ આકરી ટીકા કરી હતી
જોકે, આ પૂર્વેની એક પોસ્ટમાં, ઓવૈસીએ રેસ કોર્સ નજીક આવેલી ઐતિહાસિક 'હુજરા કુઆં' મસ્જિદને તોડી પાડવાના પ્રયાસની આકરી ટીકા કરી હતી. તેમણે ધ્યાન દોર્યું હતું કે, વર્ષ 1977 ના ગેઝેટમાં ઉલ્લેખ હોવા છતાં લોકોને આ મસ્જિદમાં નમાઝ અદા કરતા રોકવામાં આવી રહ્યા છે. અહેવાલો અનુસાર, મસ્જિદની દેખરેખ રાખનાર વ્યક્તિને મસ્જિદ તોડી પાડવાની ધમકીઓ મળી છે. જ્યારે કે આ અંગે કોઈ સત્તાવાર નોટિસ પણ આપવામાં આવી નથી.
રેસ કોર્સ મસ્જિદ 130 વર્ષ જૂની હેરિટેજ સાઇટ તરીકે સૂચિબદ્ધ
આ 'રેસ કોર્સ મસ્જિદ લગભગ 130 વર્ષ જૂની છે અને દિલ્હી વક્ફ બોર્ડની મિલકત તરીકે નોંધાયેલી છે. તે 1977 થી એક સૂચિબદ્ધ વક્ફ મિલકત છે અને તેને હેરિટેજ સાઇટ તરીકે પણ સૂચિબદ્ધ કરવામાં આવી છે.તેમ છતાં તેને ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.