નવી દિલ્હીઃ દિલ્હીની રાઉઝ એવન્યુ સ્થિત સ્પેશિયલ એનઆઈએ (NIA) કોર્ટે કાશ્મીરી અલગાવવાદી નેતા યાસીન મલિક સહિત સાત આરોપીઓ સામે કરોડો રૂપિયાના મની લોન્ડરિંગ અને તેના દ્વારા આતંકવાદને પ્રોત્સાહન આપવાના કેસમાં ઔપચારિક ટ્રાયલ શરૂ કરવાનો મહત્ત્વનો આદેશ આપ્યો છે. જેથી હવે રશીદ એન્જિનિયર અને યાસીન મલિકની મુશ્કેલીઓ ધવધી શકે છે.
19 નવેમ્બરથી સાક્ષીઓના નિવેદનો નોંધાશે
વધારે વિગતે વાત કરવામાં આવે તો, સ્પેશિયલ એનઆઈએ ન્યાયાધીશ પ્રશાંત શર્માએ આ કેસમાં તમામ આરોપીઓ સામે આરોપો ઘડી કાઢ્યા છે. કોર્ટે નિર્દેશ આપ્યો છે, આવતા મહિને 19 નવેમ્બરથી પ્રાસિક્યુશનના સાક્ષીઓના નિવેદનો અને પુરાવા નોંધવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કોર્ટમાં આ સુનાવણી સંપૂર્ણપણે 'ઇન-કેમેરા' (બંધ રૂમમાં) યોજાઈ હતી.
યાસીન મલિક વીડિયો કોન્ફરન્સ દ્વારા કોર્ટ સમક્ષ આવ્યો
સુનાવણી દરમિયાન તિહાર જેલમાં બંધ યાસીન મલિક વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટ સમક્ષ રજૂ થયો હતો. તેણે પોતાના પર લાગેલા તમામ આરોપોને નકારી કાઢીને કોર્ટમાં કાનૂની લડાઈ લડવાની જાહેરાત કરી હતી. તપાસ એજન્સીઓના રિપોર્ટ મુજબ, આરોપીઓએ જમ્મુ-કાશ્મીરમાં અલગાવવાદી અને આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે આશરે 8.94 કરોડ રૂપિયાની ગેરકાયદે રકમ મેળવી હતી. આ રકમને અલગ-અલગ જગ્યાએ ટ્રાન્સફર કરીને આતંકવાદી નેટવર્ક મજબૂત કરવા માટે ઉપયોગમાં લેવામાં આવી હતી.
કાર્યવાહીની વાત કરવામાં આવે તો, આ કેસમાં કુલ સાત આરોપીઓ સામે ટ્રાયલ ચાલશે. જેમાં યાસીન મલિક ઉપરાંત, આ આરોપીઓમાં ઝહૂર અહેમદ શાહ વતાલી, બારામુલ્લાના સાંસદ શેખ અબ્દુલ રશીદ (જે 'એન્જિનિયર રશીદ' તરીકે પણ ઓળખાય છે), શબ્બીર અહેમદ શાહ, મસરત આલમ ભટ્ટ, નવલ કિશોર કપૂર અને 'ટ્રાયસન ફાર્મ્સ એન્ડ કન્સ્ટ્રક્શન્સ પ્રાઇવેટ લિમિટેડ' પણ સામેલ છે.
મની લોન્ડરિંગનો આ કેસ નવ વર્ષ પહેલાં, એટલે કે 2017માં, નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા નોંધવામાં આવેલી એક FIR પર આધારિત છે. તે એફઆઈઆરમાં ભારતીય દંડ સંહિતા (IPC) અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અધિનિયમ (UAPA) હેઠળના આરોપોનો સમાવેશ થતો હતો. આના આધારે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે 14 જૂન, 2017ના રોજ પોતાની તપાસ શરૂ કરી હતી. હવે આ મામલે ટ્રાયલ શરૂ કરવાનો મહત્ત્વનો આદેશ આપ્યો છે.