નવી દિલ્હી: જાણીતા ગાયક દલેર મહેંદીના ઉત્તરાખંડમાં એક કાર્યક્રમ દરમિયાન થયેલા કથિત અપમાનનો વિવાદ હવે વધુ વકર્યો છે. તેના ભાઈ અને ગાયક મીકા સિંહે ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામી સાથે આ મામલે વાતચીત કરી છે અને કેબિનેટ પ્રધાન સુબોધ ઉનિયાલ પાસે માફી મગાવવા અપીલ કરી છે.
મીકા સિંહે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું કે મુખ્ય પ્રધાને તેને વ્યક્તિગત રીતે ફોન કર્યો હતો. તેણે ધામી પ્રત્યે આદર વ્યક્ત કરતાં મંત્રીને દલેર મહેંદી અંગેના નિવેદન બદલ સ્પષ્ટતા કરવા અને માફી માગતો વીડિયો જાહેર કરવા વિનંતી કરી છે.
વિવાદની શરૂઆત એક કાર્યક્રમ દરમિયાન થઈ હતી. આ કાર્યક્રમમાં દલેર મહેંદી પર્ફોર્મન્સ આપી રહ્યો હતો ત્યારે રાજ્યના કેબિનેટ પ્રધાન સુબોધ ઉનિયાલ સ્ટેજ પર પહોંચ્યા હતા. તેણે ગાયકની તબિયત અને પર્ફોર્મન્સ સામે સવાલ ઉઠાવતાં તે નશામાં હોવાનો આક્ષેપ કર્યો હતો. ગાયક યોગ્ય રીતે બોલી શકતો ન હોવા અંગે પણ મંત્રીએ ટિપ્પણી કરી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં મંત્રીના વર્તન સામે સવાલો ઊઠ્યા હતા.
મીકા સિંહે પોતાના ભાઈનો બચાવ કરતાં સ્પષ્ટ કહ્યું છે કે દલેર મહેંદી દારૂ પીતા નથી અને તેના પર નશામાં પર્ફોર્મન્સ આપવાનો આક્ષેપ કરવો ખોટો છે. મીકા અનુસાર, દલેર મહેંદીએ કાર્યક્રમમાં લગભગ 1 કલાક 30 મિનિટ સુધી પર્ફોર્મન્સ આપ્યું હતું અને ત્યાં હાજર અનેક લોકો તેની સાથે ડાન્સ પણ કરી રહ્યા હતા. તેણે સોશિયલ મીડિયા પર મંત્રીને સંબોધીને કહ્યું કે જો કોઈ ગેરસમજ થઈ હોય તો તેને દૂર કરવી જોઈએ અને દલેર મહેંદી સાથે જે રીતે જાહેરમાં વર્તન કરવામાં આવ્યું તેના માટે માફી માગવી જોઈએ.
બીજી તરફ, મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ આ વિવાદને વાતચીત દ્વારા ઉકેલવાની ઇચ્છા વ્યક્ત કરી છે. ધામીએ અગાઉ જણાવ્યું હતું કે તે મીકા સિંહ અને દલેર મહેંદી બંને સાથે વાત કરશે. મીકા સિંહે પોતાની પોસ્ટમાં મુખ્ય પ્રધાન ધામીની પ્રશંસા કરતાં તેમને નમ્ર અને જમીન સાથે જોડાયેલા વ્યક્તિ ગણાવ્યા હતા.
તેણે આશા વ્યક્ત કરી કે મંત્રી એક વીડિયો જાહેર કરીને પોતાના નિવેદન અંગે સ્પષ્ટતા કરશે અને દલેર મહેંદીની માફી માગશે. મીકાના મતે ગેરસમજ થવી સ્વાભાવિક છે, પરંતુ તેને સન્માનપૂર્વક દૂર કરી શકાય છે. આ મામલે એક સરળ માફીથી વિવાદનો અંત આવી શકે છે અને કલાકારની ગરિમા તથા પ્રતિષ્ઠા જળવાઈ શકે છે.