Sat Sep 05 2026

Logo

ગુજરાત વિધાનસભામાં ખાલી બાટલા અને લાકડા સાથે કોંગ્રેસના ધારાસભ્યોનો હલ્લાબોલ...

2026-03-13 19:05:12
Author: Devayat Khatana
ગુજરાત વિધાનસભામાં ખાલી બાટલા અને લાકડા સાથે કોંગ્રેસના ધારાસભ્યોનો હલ્લાબોલ...

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ
: ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગેસ સિલિન્ડરની અછત અને વધતી કટોકટીના મુદ્દે ગુજરાત વિધાનસભા સંકુલમાં ભારે હોબાળો જોવા મળ્યો હતો. કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરી, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સહિત અંદાજે ૧૨ જેટલા ધારાસભ્યોએ માથે લાકડા અને ખાલી ગેસના બાટલા સાથે સરકાર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. 

આ વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને ધારાસભ્યો વચ્ચે ભારે અફરાતફરી સર્જાઈ હતી, જેમાં ધારાસભ્ય અમૃતજી ઠાકોર વિધાનસભાના પગથિયા પર પડી જતાં પોલીસ અને સભ્યો વચ્ચે તીખી નોકઝોક અને શાબ્દિક સંઘર્ષના દ્રશ્યો સર્જાયા હતા. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે એલપીજી અને નેચરલ ગેસની અછતને કારણે સામાન્ય જનતા પીસાઈ રહી છે અને સરકાર આ મુદ્દે નિષ્ફળ ગઈ છે.

કોંગ્રેસના ધારાસભ્ય અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર આક્ષેપ કર્યો હતો કે આજે લોકો ગેસના સિલિન્ડર માટે લાંબી લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. ગૃહિણીઓને ગેસ મેળવવા માટે દરદર ભટકવું પડે છે, જે સરકારની નીતિની નિષ્ફળતા દર્શાવે છે. આગળ તેમણે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન અમેરિકા સામે સરેન્ડર થયા હોવાના કારણે પેટ્રોલિયમ અને ગેસ સપ્લાયના મુદ્દે દેશના હિતોને નુકસાન થયું છે. સરકારે તાત્કાલિક ગેસ અને પેટ્રોલિયમ ઉત્પાદનોની પૂરતી સપ્લાય સુનિશ્ચિત કરવી જોઈએ, જેથી જનતાને રાહત મળે તેમ જણાવ્યું હતું.