Thu Nov 19 2026

Logo

રામ મંદિર દાન ચોરી અને કથિત જમીન કૌભાંડ મુદ્દે કોંગ્રેસે પીએમ મોદી અને ભાજપ પર આક્ષેપ કર્યા

2026-10-22 16:24:00
Author: Chandrakant Kanoja
રામ મંદિર દાન ચોરી અને કથિત જમીન કૌભાંડ મુદ્દે કોંગ્રેસે પીએમ મોદી અને ભાજપ પર આક્ષેપ કર્યા

નવી દિલ્હી: રામ મંદિર દાન ચોરી અને કથિત જમીન કૌભાંડ મુદ્દે કોંગ્રેસે હવે પીએમ મોદી અને ભાજપ પર પ્રહાર કર્યા  છે. આ અંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે આક્ષેપ કર્યો હતો કે બે કરોડ રૂપિયામાં ખરીદવાના આવેલી જમીનને માત્ર પાંચ મિનીટમાં રામ મંદિર ટ્રસ્ટને 18. 5 કરોડ વેચવામાં આવી હતી.જોકે, આ અંગેનો તપાસ અહેવાલ હજુ આવવાનો બાકી છે.  

જમીન સોદાઓ અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા

કોંગ્રેસના મહાસચિવ  જયરામ રમેશે રામ મંદિર ટ્રસ્ટ સાથે સંકળાયેલા જમીન સોદાઓ અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે પૂછ્યું કે શું એ વાત સાચી છે કે તે સાંજે 7.10 વાગ્યે, તિવારી અને અન્સારીએ કુસુમ પાઠક પાસેથી બે કરોડ રૂપિયામાં જમીન ખરીદી હતી. તેના માત્ર પાંચ મિનિટ બાદ  સાંજે 7.15 વાગ્યે, ટ્રસ્ટે ચંપત રાયના માધ્યમથી તે જ જમીન 18.5 કરોડ રૂપિયામાં ખરીદી લીધી. રમેશે સવાલ કર્યો કે માત્ર પાંચ મિનિટના ગાળામાં જમીનની કિંમતમાં આટલો મોટો વધારો કેવી રીતે થઈ શકે. આને કથિત લૂંટ ગણાવતા, તેમણે આ સોદા અંગે સ્પષ્ટતા કરવાની માંગ કરી.

 બંને દસ્તાવેજોના સાક્ષીઓ અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા

કોંગ્રેસ નેતાએ બંને  દસ્તાવેજોના સાક્ષીઓ અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે પૂછ્યું કે શું બંને દસ્તાવેજોમાં સાક્ષીઓ તરીકે તત્કાલીન ભાજપના મેયર ઋષિકેશ ઉપાધ્યાય અને ટ્રસ્ટના સભ્ય અનિલ મિશ્રા હતા. રમેશે વધુમાં પ્રશ્ન કર્યો કે વર્ષ  2021નો તપાસ અહેવાલ પાંચ વર્ષ વીતી ગયા હોવા છતાં કેમ જાહેર કરવામાં આવ્યો નથી. તેમણે પૂછ્યું કે આ જમીન સોદાઓની તપાસ કરી રહેલી સ્પેશિયલ એસઆઈટી ના તારણો આખરે ક્યારે જાહેર કરવામાં આવશે. 

આશય દાનની રકમથી ખિસ્સા ભરી લેવાનો

રામ મંદિર દાન ચોરી મુદ્દે કોંગ્રેસે પીએમ  મોદી અને ભાજપને નિશાન બનાવ્યા છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે આરોપ લગાવ્યો છે કે, માત્ર મંદિરમાં ચઢાવવામાં આવેલી ભેટ જ ચોરાઈ નથી, પરંતુ મંદિરના નિર્માણ માટે દેશભરના લાખો લોકો પાસેથી એકત્ર કરવામાં આવેલા હજારો કરોડ રૂપિયાના દાનમાં પણ ગેરરીતિ કરવામાં આવી છે. ભાજપ, સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદ પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે આ લોકોનો આશય દાનની રકમથી ખિસ્સા ભરી લેવાનો છે. 

જયરામ રમેશે પીએમ મોદીને સીધો સવાલ પૂછ્યો કે, રામ મંદિરમાં દાનની ચોરી તમારી નજર સામે જ થઈ છે, તો પછી તમે મૌન રહીને આ પાપમાં  ભાગીદાર બનવાનું કેમ પસંદ કર્યું.