નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાનના યુદ્ધ જહાજો વચ્ચે મંગળવારે ઉત્તર અરબી સમુદ્રમાં ટક્કર થઇ હતી. જેમાં ભારતીય જહાજ નિયમિત દેખરેખ મિશન પર હતું ત્યારે પાકિસ્તાન નેવીનું જહાજ પીએનએસ હુનૈન' (PNS Hunain)ઝડપથી ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજની નજીક આવી પહોંચ્યું હતું.
ભારતે સખત વિરોધ નોંધાવ્યો
આ અંગે મળતી માહિતી મુજબ, આ બે જહાજો વચ્ચેની ટક્કરમાં ભારતીય જહાજને મોટું નુકશાન નથી થયું. જ્યારે પાકિસ્તાનના જહાજ PNS હુનૈનને ગંભીર નુકસાન થયું હતું અને તે બંદર પર પાછું ફર્યું હતું.
આ ઘટના આંતરરાષ્ટ્રીય જળસીમામાં બની હતી
જોકે, આ દુર્ઘટના દરમિયાન ભારતીય નેવીના કેપ્ટને સંયમ દાખવ્યો અને એક મોટી દુર્ઘટના ટળી હતી. તેમજ ભારતે આ ઘટનાને ગંભીરતાથી લીધી નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનના રાજદ્વારી પ્રતિનિધિને વિદેશ મંત્રાલયમાં બોલાવવામાં આવ્યા અને સખત વિરોધ નોંધાવવામાં આવ્યો. આ ઘટના આંતરરાષ્ટ્રીય જળસીમામાં બની હતી.
વર્ષ 1991 ના કરારની કલમ 10નું ઉલ્લંઘન કર્યું
ભારતનું કહેવું છે કે પાકિસ્તાની જહાજે વર્ષ 1991 ના કરારની કલમ 10નું ઉલ્લંઘન કર્યું છે. આ કલમ હેઠળ લશ્કરી કવાયતો અને હિલચાલ અંગે અગાઉથી જાણ કરવાની અને સાવચેતી રાખવાની જોગવાઈ છે. ઇસ્લામાબાદમાં વિરોધ નોંધાવવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે. નૌકાદળના વડા એડમિરલ કૃષ્ણ સ્વામીનાથને આ ઘટના અંગે સીડીએસ (CDS) જનરલ એન.એસ. રાજાસુબ્રમણ્યમને માહિતી આપી છે.
PNS હુનૈન ઓફશોર પેટ્રોલ કોર્વેટ જહાજ
PNS હુનૈન (F-273)એ પાકિસ્તાન નૌકાદળનું 'યારમૂક-ક્લાસ' બેચ-2નું ઓફશોર પેટ્રોલ કોર્વેટ છે. તેનું નિર્માણ રોમાનિયામાં આવેલા 'ડેમેન શિપયાર્ડ્સ' ખાતે કરવામાં આવ્યું હતું અને જુલાઈ વર્ષ 2024માં તે સેવામાં કાર્યરત થયું હતું. 'યારમૂક-ક્લાસ' જહાજો ડચ કંપની 'ડેમેન'ની OPV ડિઝાઈન પર આધારિત છે. બેચ-2ના જહાજો પ્રથમ બેચના જહાજોની સરખામણીમાં કદમાં મોટા અને વધુ ક્ષમતા ધરાવતા છે.