Mon Nov 16 2026

Logo

તિરંગા માર્ચ વચ્ચે રસ્તા પર ઉતર્યા વેપારીઓ, પહેલી વાર કોઈ જ્ઞાનેશ કુમારના સમર્થનમાં લગાવ્યા નારા

2026-10-16 20:21:12
Author: Mumbai Samachar Team
તિરંગા માર્ચ વચ્ચે રસ્તા પર ઉતર્યા વેપારીઓ, પહેલી વાર કોઈ જ્ઞાનેશ કુમારના સમર્થનમાં લગાવ્યા નારા

તિરંગા માર્ચના નામે અરાજકતા અને રસ્તાઓ પર હંગામો; આર્થિક નુકસાન સામે વેપારીઓએ હાઈ કોર્ટના દ્વાર ખખડાવ્યા

નવી દિલ્હીઃ દેશની રાજધાની નવી દિલ્હીનો માહોલ છેલ્લા ચાર દિવસથી વિરોધ પ્રદર્શનથી ભર્યો છે. ક્યારેક કોંગ્રેસ તો ક્યારેક કોક્રોચ જનતા પાર્ટી રસ્તા પર ઊતરીને વિરોધ પ્રદર્શન કરી રહી છે. આ તમામ વિપક્ષનો એક શબ્દનો મુદ્દો માત્ર ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર છે. 

હવે દિલ્હીના કનોટ પ્લેસમાં પહોંચેલા વેપારીઓએ ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારને ભારતરત્ન આપવાની વાત કહી દીધી છે. આ વેપારીએ જ્ઞાનેશકુમારના સમર્થનમાં નારેબાજી પણ કરી હતી. આ દરમિયાન વેપારીઓએ દિલ્હી પોલીસના સમર્થનમાં પણ નારેબાજી કરી હતી.  વેપારીઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થનમાં પણ નારેબાજી કરી હતી. 

દુકાનદારોએ નારેબાજી કરી

કોક્રોચ જનતા પાર્ટીએ કનોટ પ્લેસના સેન્ટ્રલ પાર્કમાં વિરોધ પ્રદર્શન કરવા માટે અપીલ કરી હતી. આ પ્રદર્શન વચ્ચે પાલિકા બજારના દુકાનદારોએ નારેબાજી કરી હતી. આ દુકાનદારો અચાનક અહીંયા પહોંચી ગયા હતા. પાલિકા બજારના વેપારીઓ કોક્રોચ જનતા પાર્ટીના વિરોધમાં પોતાની એકતા બતાવી હતી. આ દરમિયાન એક વેપારીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, તિરંગો લહેરાવવો એમાં કંઈ ખોટું નથી. પણ તિરંગાના નામે ખોટી અરાજકતા ફેલાવવામાં આવે છે એ ખોટું છે. આવું થવું યોગ્ય નથી. 

કનોટ પ્લેસમાં એક બાજુ જ્યાં CJP વિરોધ પ્રદર્શન કરી રહી છે, કાર્યકર્તાઓ તિરંગો લીને પહોંચ્યા હતા. એવામાં બીજી બાજુ પાલિકા બજારના દુકાનદારો આ જ વિરોધ પ્રદર્શનનો વિરોધ કરી રહ્યા છે. દિલ્હી પોલીસના સમર્થનમાં નારેબાજી કરતા વેપારીઓ જોવા મળ્યા હતા. દિલ્હીમાં કોક્રોચ જનતા પાર્ટીના નેતા અભિજીત દીપકેને પોલીસે પકડી લીધા છે. તેમ છતા આ વિસ્તારમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. 

દિલ્હી હાઈ કોર્ટના દ્વાર ખખડાવ્યા

અભિજીતને પોલીસે પકડી લીધા બાદ બરાખંબા રોડ પર વિરોધ પ્રદર્શન કરી રહેલા કેટલાક વિદ્યાર્થીઓને પણ પોલીસે પકડી લીધા હતા. આ ઘટનાક્રમમાં ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ એસો.ના અધ્યક્ષ નોરા બોરાને પણ પકડી લેવામાં આવ્યા હતા. વેપારીઓએ કોક્રોચ જનતા પાર્ટી દ્વારા થઈ રહેલા વિરોધ પ્રદર્શનનો પણ વિરોધ કર્યો હતો. અન્ય એક વેપારીએ એવું પણ કહ્યું હતું કે, દિલ્હીમાં સતત થઈ રહેલા વિરોધ પ્રદર્શનથી વેપાર-ધંધામાં મુશ્કેલી પડી રહી છે. 90 ટકા બિઝનેસ ઠપ થઈ ગયો છે. 
તહેવારની સિઝન શરૂ થઈ ગઈ છે એવામાં આવું નુકસાન પોસાય એમ નથી. ન્યૂ દિલ્હી કોર્પોરેશને કનોટ પ્લેસમાં આવેલા સેન્ટ્રલ પાર્કમાં વિરોધ પ્રદર્શન માટેની કોઈ મંજૂરી આપી ન હતી. સતત થઈ રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે વેપારીઓએ દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. વિરોધ પ્રદર્શનને કારણે વ્યાપાર પર માઠી અસર થઈ રહી છે.