નવી દિલ્હીઃ વર્તમાન નાણાકીય વર્ષમાં ગત એપ્રિલથી સપ્ટેમ્બર સુધીના છ માસિકગાળામાં ભારતનો ચીન સાથેનો દ્વીપક્ષીય વેપાર ગત સાલના સમાનગાળાના 71.24 અબજ ડૉલર સામે 29 ટકા વધીને 91.76 અબજ ડૉલરની સપાટીએ રહેતા સમીક્ષા હેઠળના સમયગાળામાં ચીન ભારતનો સૌથી મોટો વેપારી ભાગીદાર દેશ રહ્યો હોવાનું વાણિજ્ય મંત્રાલયે એક આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે.
મંત્રાલયની આંકડાકીય માહિતી અનુસાર સમીક્ષા હેઠળના સમયગાળામાં ભારતનાં ચીન ખાતેના શિપમેન્ટ અથવા તો નિકાસ ગત સાલના સમાનગાળાના 8.38 અબજ ડૉલર સામે 36 ટકા વધીને 11.41 અબજ ડૉલરની સપાટીએ રહી હતી, જ્યારે ચીનથી ભારત ખાતેની આયાત ગત સાલના સમાનગાળાના 62.86 અબજ ડૉલર સામે 27.82 ટકા વધીને 80.34 અબજ ડૉલરની સપાટીએ રહેતા ચીન સાથેની વેપાર તુલનામાં ભારતની ખાધ ગત સાલના સમાનગાળાના 54.06 અબજ ડૉલર સામે વધીને 68.93 અબજ ડૉલરની સપાટીએ રહી હતી.
વાણિજ્ય મંત્રાલયના જણાવ્યાનુસાર ગત એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન અમેરિકા સાથેનો દ્વીપક્ષીય વેપાર ગત સાલના સમાનગાળાના 71.39 અબજ ડૉલર સામે 16.5 ટકા વધીને 83.14 અબજ ડૉલરની સપાટીએ રહ્યો હતો. જેમાં અમેરિકા ખાતેના શિપમેન્ટ અથવા તો નિકાસ ગત સાલના સમાનગાળાના 45.73 અબજ ડૉલર સામે 11.11ટકા વધીને 50.81 અબજ ડૉલરની સપાટીએ અને ભારતની અમેરિકાથી આયાત ગત સાલના સમાનગાળાના 25.66 અબજ ડૉલર સામે 25.98 ટકા વધીને 32.32 અબજ ડૉલરની સપાટીએ રહેતાં ભારતની અમેરિકા સાથેની વેપાર પુરાંત જે ગત સાલના સમાનગાળામાં 20.07 અબજ ડૉલરના સ્તરે હતી તે ઘટીને 18.49 અબજ ડૉલરની સપાટીએ રહી હતી.
વધુમાં મંત્રાલયની આંકડાકીય માહિતી મુજબ સમીક્ષા હેઠળના સમયગાળામાં અન્ય દેશોમાં ખાસ કરીને સિંગાપોર અને તાન્ઝાનિયા ખાતે ભારતની નિકાસમાં અનુક્રમે 103 ટકાનો અને 122.5 ટકાનો વધારો થયો હતો, જ્યારે યુએઈ, નેધરલેન્ડ અને સઉદી અરેબિયા ખાતેની નિકાસમાં ઘટાડો થયો હતો. આ સમયગાળામાં ઓમાનથી આયાતમાં 210.9 ટકાનો અને બ્રાઝિલથી આયાતમાં 143.13 ટકાનો વધારો થયો છે. તેમ જ યુએઈ, સઉદી અરેબિયા અને સ્વિટ્ઝર્લેન્ડથી થતી આયાતમાં વૃદ્ધિ થઈ છે.
ભારતનો ચીન સાથેનો વેપાર મહત્ત્વપૂર્ણ છે. ગત 14મી ઑક્ટોબરના રોજ વાણિજ્ય અને ઉદ્યોગ ખાતાના પ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે ભારત ચીન સાથેના સંબંધો ફરીથી સુધારવાની દિશામાં કાર્ય કરી રહ્યું છે, પરંતુ આ પ્રક્રિયાનો અંતિમ તબક્કો હજુ નક્કી થવાનો બાકી છે.