મુંબઈ: કલિનાના જમીન કૌભાંડ કેસમાં મહારાષ્ટ્રના પ્રધાન અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના નેતા છગન ભુજબળને મોટી રાહત મળી છે. આજે વિશેષ અદાલતે ભુજબળ સહિત અન્ય લોકોને કેસમાંથી ક્લિન ચિટ આપી દીધી હતી. ભુજબળ સામે વિશેષ અદાલતમાં પેન્ડિંગ હોય તેવો આ છેલ્લો કેસ હતો.
આ અગાઉ પણ ભુજબળને મહારાષ્ટ્ર સદન, દિલ્હી અને નવી મુંબઈના એક હાઉસિંગ પ્રોજેક્ટના બાંધકામ સાથે જોડાયેલા કથિત કમિશન અને નાણાકીય ગેરરીતિના કેસોમાં રાહત મળી હતી. કલિના જમીન કેસમાંથી ક્લિન ચિટ મળ્યા બાદ હવે વિશેષ અદાલતમાં તેમની સામેનો આ છેલ્લો પેન્ડિંગ કેસ પણ સમાપ્ત થયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જમીન કૌભાંડનો આ મામલો 2015નો છે. એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)એ કલિનામાં આવેલી એક કિંમતી જમીનની ફાળવણીમાં કથિત ગેરરીતિને લઈને છગન ભુજબળ અને અન્ય લોકો સામે કેસ નોંધ્યો હતો. આ જમીન એક જાણીતા ડેવલપરને લાઇબ્રેરીના બાંધકામ માટે ફાળવવામાં આવી હોવાનો આરોપ હતો.
તે સમયે ભુજબળ મહારાષ્ટ્રના પીડબ્લ્યુડી પ્રધાન હતા. આરોપ હતો કે તેમણે અન્ય આરોપીઓ સાથે મળીને પોતાના સરકારી હોદ્દાનો દુરુપયોગ કરીને વ્યક્તિગત લાભ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. તેમની સામે ભ્રષ્ટાચાર નિવારણ કાયદા ઉપરાંત ભારતીય દંડ સંહિતાની છેતરપિંડી અને બનાવટ સંબંધિત કલમો હેઠળ પણ કેસ નોંધવામાં આવ્યો હતો.
એસીબીની ચાર્જશીટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે આરોપીઓએ અગાઉથી નક્કી કરેલી યોજના મુજબ રાજ્ય સરકારને ગેરમાર્ગે દોરી હતી અને કલિનાની કિંમતી જમીનની ફાળવણીમાં ગેરરીતિ કરી હતી. આ પ્રક્રિયાના કારણે સરકારને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનો પણ આરોપ ચાર્જશીટમાં કરવામાં આવ્યો હતો.
જોકે, હવે વિશેષ અદાલતે છગન ભુજબળ અને અન્ય આરોપીઓને આ કેસમાંથી ક્લિન ચિટ આપી દીધી છે. આ સાથે ભુજબળ સામે વિશેષ અદાલતમાં ચાલી રહેલા કથિત ભ્રષ્ટાચાર અને ગેરરીતિ સંબંધિત કેસોમાં તેમને વધુ એક મોટી કાનૂની રાહત મળી છે.