- શોભિત દેસાઈ
વોટ્સએપ યુનિવર્સિટી વરસમાં એકાદ વાર એવો અદભુત અભ્યાસક્રમ બહાર પાડે છે કે વાંચતા એક નહીં બે ધડકન ચુકી જવાય . આજના લેખમાં એક અક્ષર મારો હોય તો મને ભમ્મરિયા કૂવામાં સાત ડૂબકીની સજા.
માણસ મૃત્યુ પછી સ્વર્ગ મળશે એવી આશાએ આખી જિંદગી ખૂબ પ્રયત્ન કરે છે. કોઈ ઉપવાસ કરે છે, કોઈ દાન-ધર્મ કરે છે, કોઈ તીર્થયાત્રા કરે છે, તો કેટલાક દેવ- દેવીની માનતા રાખે છે.
સ્વર્ગ એટલે કોઈ નવી હાઉસિંગ સોસાયટી જેવું હોઈ શકે, જ્યાં એક નાનો ફ્લેટ મેળવવા માટે પુણ્યના ગુણ ભેગા કરવા પડે છે એવું લાગે છે...
પણ એક ક્ષણ થોભીને એવો પણ વિચાર કરો કદાચ આપણે પહેલેથી જ સ્વર્ગમાં જ જીવી રહ્યા હોઈએ? સવારે ઉઠતાની સાથે આજુબાજુ એકવાર ધ્યાનથી જુઓ.
એક બટન દબાવો, અંધકાર પ્રકાશમાં બદલાઈ જાય. બીજું બટન દબાવો એટલે પંખો ફરવા લાગે. ત્રીજું બટન દબાવો એટલે ઠંડી હવા આખા રૂમમાં ભરાઈ જાય. નળ ખોલો એટલે પાણી વહેવા લાગે. ગેસ સળગાવો એટલે થોડી જ મિનિટોમાં જમવાનું તૈયાર. ખિસ્સામાંથી મોબાઈલ કાઢો એટલે આખું વિશ્વ તમારી હથેળીમાં આવી જાય. હજારો કિલોમીટર દૂર હોય એવા તમારા પ્રિય લોકો પણ થોડી જ સેકંડમાં તમારી સામે દેખાય.
આટલી બધી અદ્ભુત સુવિધાઓ...
પણ આપણે એને બહુ સામાન્ય સમજીએ છીએ. આ બધું આપણો જન્મસિદ્ધ અધિકાર છે એવું વર્તન કરીએ છીએ.
એકવાર કલ્પના કરો...
બસો વર્ષ પહેલાનો કોઈ રાજા આજે તમારા ઘરે આવે, તો કદાચ તે પોતાના રાજમહેલમાં પાછો પણ ન જવા માગે. તે આશ્ર્ચર્યથી પૂછશે ‘આ શું?’ ગરમ પાણી! ‘પછી આ શું?’ ઠંડી હવા! ‘આ શું છે?’ આખા વિશ્વની માહિતી! ‘આ શું?’ દસ મિનિટમાં ઘરે આવી જતું જમવાનું! ત્યારે એ હસીને કહેશે ‘મેં આખી જિંદગી રાજ કર્યું, યુદ્ધો જીત્યા, અઢળક સંપત્તિ મેળવી...પણ આવી સુવિધાઓ મને ક્યારેય નહોતી મળી.’
આ સાચું જ છે! આજે એક સામાન્ય માણસ પણ ઘણી સુવિધાઓની બાબતમાં જૂના જમાનાના સૌથી શક્તિશાળી રાજાઓ કરતાં પણ વધારે ધનવાન છે. તોય આપણે ખુશ નથી. કેમ? કારણ કે માણસને જે મળ્યું છે એની કિંમત ધીમે-ધીમે ઓછી થઈ જાય છે.
AC ચાલુ છે આનંદ નથી. બંધ થાય ત્યારે જ... તકલીફ થાય છે. મોબાઈલ છે આનંદ નથી. નેટવર્ક જાય એટલે દુનિયા પૂરી થઈ ગઈ હોય એવું લાગે. પોતાનું ઘર છે સંતોષ નથી. પણ પાડોશીનું ઘર મોટું છે એનું દુ:ખ.પોતાની ગાડી છે તૃપ્તિ નથી.બીજાની ગાડી મોંઘી છે એની ચિંતા.માણસ પોતાના સ્વર્ગમાં ઊભો રહીને, બીજાના સ્વર્ગ સાથે પોતાની તુલના કરીને દુ:ખી થાય છે.
પણ આ જ પૃથ્વી પર બીજું એક જગત પણ છે... લાખો લોકો એક ઘડો પાણી માટે કલાકો સુધી લાઈનમાં ઊભા રહે છે.લાખો પરિવારો પાસે પાકું ઘર જ નથી.દિવસમાં બે ટંકનું જમવાનું પણ મળતું નથી.બાળકોનાં સપનાં શાળાના ઉંબરા સુધી પહોંચતા પહેલા જ તૂટી જાય છે.શરીર ઢાંકવા માટે ઠીક કપડાં પણ નથી.
આપણે ‘સામાન્ય’ સમજીએ છીએ એ સુવિધાઓ જ બીજાઓ માટે જિંદગીનું મોટું સ્વપ્ન છે, આજે પણ ...આપણને અઈનો રિમોટ ન મળે એટલે ગુસ્સો આવે. એમને તડકાથી બચવા ઝાડનો છાંયો પણ નથી મળતો.આપણે ડાયટ ચાર્ટ શોધીએ છીએ. એ લોકો પછીના ટંકનું જમવાનું કેવી રીતે મળશે એ વિચારતા-વિચારતા સૂઈ જાય છે.
ત્યારે સમજાય છે...
સ્વર્ગ અને નરક એટલે મૃત્યુ પછી મળતી જગ્યા નથી જ નથી . એ અહીં જ છે...આ પૃથ્વી પર જ...આ જ શહેરમાં...આ જ રસ્તા પર...એક જ દીવાલની બે બાજુએ...એક ઘરનો છોકરો તેનો નવો મોબાઈલ થોડો સ્લો થયો એટલે કંટાળે છે.સામેના ઘરનો છોકરો ઓનલાઈન ભણવા માટે મોબાઈલ જ નથી એટલે રડે છે.એક માણસ ગરમ પાણી પાંચ મિનિટ મોડું આવ્યું એટલે ફરિયાદ કરે છે.બીજો માણસ આજે પાણી મળ્યું એટલે બસ છે એમ કહીને દેવને પ્રાર્થના કરે છે.*
ફરક એકલો પરિસ્થિતિમાં નથી, ફરક દૃષ્ટિકોણમાં પણ છે. કેટલાક લોકો ખરાબ પરિસ્થિતિમાં પણ હસતા શીખી ગયા છે. તો કેટલાક લોકો બધી સુવિધાઓ હોવા છતાં ફરિયાદોમાંથી બહાર નીકળી શકતા નથી. માણસની સૌથી વિચિત્ર આદત છે તો એ કે એની પાસે જે નથી એનો હિસાબ એ રોજ કરે છે... પણ એની પાસે જે છે એનો હિસાબ એ ક્યારેય કરતો જ નથી.
દરેક રાત્રે સૂતા પહેલા ફક્ત પાંચ વસ્તુઓ લખીને જુઓ
1) આજે હું શ્વાસ લઉં છું.
2) આજે મારી પાસે પીવા માટે પાણી છે.
3) આજે મને જમવાનું મળ્યું.
4) આજે મને રહેવા માટે એક ઘર છે.
5) આજે મારા લોકો મારી સાથે છે.
કદાચ આપણી જિંદગી જ બદલાઈ જશે.
કદાચ ‘સ્વર્ગ’ એટલે કોઈ જગ્યા નથી...
એ એક અનુભવ છે. ‘નરક’ પણ કોઈ જગ્યા નથી...એ અનુભવને ભૂલી જવું એ જ નરક છે! આપણી પાસે જે છે એના માટે કૃતજ્ઞ હોવું એટલે સ્વર્ગ. જે મળ્યું છે એ ભૂલીને, ફરિયાદોમાં જીવવું એટલે નરક.
મૃત્યુ પછી શું થાય છે એની કોઈને ખાતરીપૂર્વક ખબર નથી. પણ જીવતા-જીવતા જ આપણને આ સુંદર પૃથ્વી, શ્વાસ લેવા માટે હવા, પીવા માટે પાણી, ખાવા માટે અન્ન, પ્રેમ કરનારા આપણા લોકો, એક બટન દબાવવાથી મળતી અસંખ્ય સુવિધાઓ મળી છે. આટલું બધું હોવા છતાં પણ જો આપણે હંમેશાં દુ:ખી રહીએ...એનાથી મોટું કમનસીબ બીજું કયું?
કદાચ ઈશ્વર હસીને કહેતો હશે ‘મેં તને સ્વર્ગમાં જ રાખ્યો છે... પણ ત્યાં પણ તું ફરિયાદોની ઓફિસ જ ખોલીને બેઠો છે!’
તો ચાલો આજથી ફરિયાદો ન કરીએ, એના ઉપકાર ગણીએ, ઉપકારમય હૃદય જ સાચું સ્વર્ગ છે.
આજે આટલું જ