મુંબઈ: દેશભરમાં દિવાળી અને ઉત્તર ભારતના લોકઆસ્થાના મહાપર્વ છઠ્ઠ પૂજાની ધૂમ શરૂ થઈ ચૂકી છે. તહેવારો નિમિત્તે પોતાના વતન જવા માટે મુંબઈના તમામ મોટા રેલવે સ્ટેશનો પર મુસાફરોની અભૂતપૂર્વ ભીડ જોવા મળી રહી છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ, બિહાર અને ઉત્તર ભારત તરફ જતી ટ્રેનોમાં પગ મૂકવાની પણ જગ્યા નથી.
દિવાળી, છઠ્ઠપૂજા જેવા તહેવારોના દિવસોમાં રેલવે સ્ટેશન પર થનારી ભીડને ધ્યાનમાં લઈને મધ્ય રેલવે દ્વારા ધસારાને નિયંત્રિત કરવા, સ્ટેશનો પર નાસભાગ જેવી અનિચ્છનીય ઘટનાઓ અટકાવવા અને સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવા માટે અત્યંત મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય અનુસાર મુંબઈ ડિવિઝનના સૌથી વ્યસ્ત એવા પાંચ મુખ્ય ટર્મિનસ અને સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પર તાત્કાલિક અસરથી કામચલાઉ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
મુંબઈના પાંચ મુખ્ય સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટ નહીં મળે
મધ્ય રેલવે દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી પ્રમાણે મધ્ય રેલવેના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT), દાદર સેન્ટ્રલ (Dadar), લોકમાન્ય તિલક ટર્મિનસ (LTT - કુર્લા), થાણે સ્ટેશન (Thane), કલ્યાણ જંકશન (Kalyan) સ્ટેશન પર આગામી 10 દિવસ એટલે કે 15મી નવેમ્બર સુધી પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ દિવસો દરમિયાન પ્લેટફોર્મ પર માત્ર એ જ લોકોને પ્રવેશ મળશે જેમની પાસે મુસાફરીની માન્ય કન્ફર્મ કે વેઈટિંગ રેલવે ટિકિટ હશે. બિનજરૂરી ભીડ કરનારાઓને પ્લેટફોર્મ પર પ્રવેશવા દેવામાં આવશે નહીં.
આ લોકોને મળશે વિશેષ છૂટછાટ
પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પર સામાન્ય પ્રતિબંધ હોવા છતાં, માનવીય અભિગમ અપનાવીને કેટલાક ચોક્કસ જરૂરિયાતમંદ વર્ગો સાથે આવતા સગાસંબંધીઓને આ નિયમમાંથી મુક્તિ આપવામાં આવી છે-
વરિષ્ઠ નાગરિકો: વૃદ્ધ મુસાફરોને ટ્રેનમાં બેસાડવા કે લેવા આવતા એક સંબંધીને.
બીમાર અને દિવ્યાંગ મુસાફરો: તબીબી રીતે અસ્વસ્થ કે શારીરિક રીતે અસમર્થ પ્રવાસીઓની મદદ માટે આવતા અટેન્ડન્ટને.
નાના બાળકો અને સગર્ભા/એકલ મહિલાઓ: નાના બાળકો સાથે મુસાફરી કરતી મહિલાઓ કે એકલી પ્રવાસ કરતી મહિલાઓને સામાન ચઢાવવા-ઉતારવામાં મદદ માટે આવતા પરિવારજનને.
રેલવે તંત્રની મુસાફરોને અપીલ
મધ્ય રેલવે પ્રશાસને જણાવ્યું છે કે દર વર્ષે દિવાળી અને છઠ્ઠ પૂજા વખતે મુંબઈથી યુપી-બિહાર તરફ જતી ગાડીઓમાં ભારે ધસારો જોવા મળે છે. આવી પરિસ્થિતિમાં જો પ્લેટફોર્મ પર પ્રવાસીઓની સાથે સાથે જ તેમને મૂકવા આવનારા લોકોની ભીડ પણ એકઠી થાય તો ગંભીર અકસ્માત કે નાસભાગ થવાનું જોખમ રહે છે.
આ ઉપરાંત રેલવે પ્રશાસન દ્વારા તમામ પ્રવાસીઓને અપીલ કરવામાં આવી છે કે ટ્રેનના સમય કરતાં વધુ વહેલા આવીને પ્લેટફોર્મ પર બિનજરૂરી જમાવડો ન કરે અને સુરક્ષા દળો તેમજ સ્ટેશન સ્ટાફને નિયમોના પાલનમાં સહયોગ આપે.