મુંબઈ: રેલવે મુસાફરી દરમિયાન મુસાફરોને દૈનિક જરૂરિયાતની વસ્તુઓ સરળતાથી મળી રહે, તે માટે મધ્ય રેલવેએ સ્ટેશનો પર આવેલા કિઓસ્કમાં વેચાણ માટે મંજૂર થયેલી અને પ્રતિબંધિત વસ્તુઓની યાદી નક્કી કરી છે.
આ કિઓસ્કમાં ચા, કોફી અને રાંધેલા ખાદ્ય પદાર્થો વેચવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સ્ટેશનો પરના કિઓસ્કના કામકાજમાં એકસમાનતા લાવવાની સાથે-સાથે સ્વચ્છતા અને ફૂડ સેફ્ટીના ધોરણોનું પાલન કરવાના ઉદ્દેશ્યથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
મધ્ય રેલવેના તમામ વિભાગોના સ્ટેશનો અને રેલવેની જમીનો પર નોન-ફેયર રેવન્યુ યોજના હેઠળ કિઓસ્ક ચલાવવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે. આ કિઓસ્કમાંથી કઈ વસ્તુઓનું વેચાણ કરી શકાશે, તે અંગે સ્પષ્ટ નિયમો નક્કી કરવામાં આવ્યા છે.
મુસાફરોને મુસાફરી દરમિયાન દૈનિક જરૂરિયાતની વસ્તુઓ, નામાંકિત કંપનીઓની પ્રોડક્ટ્સ અને ઘરગથ્થું વપરાશની સામગ્રી ઉપલબ્ધ કરાવવાની સાથે-સાથે સ્ટેશનો પર સ્વચ્છતા અને વ્યાવસાયિક સુવિધાઓમાં એકસમાનતા જાળવવાનો પ્રયાસ સેન્ટ્રલ રેલવે પ્રશાસન દ્વારા કરવામાં આવી રહ્યો છે.
કિઓસ્કમાં ચોખા, ઘઉં, અન્ય અનાજ, લોટ, કઠોળ, ખાધ્ય તેલ, ખાંડ, ગોળ, મીઠું, મસાલા અને ડ્રાયફ્રૂટ્સ જેવી કરિયાણાની વસ્તુઓ વેચી શકાશે. રેલવે દ્વારા માન્યતા પ્રાપ્ત બ્રાન્ડનું પેકેજ્ડ પીવાનું પાણી, ફ્રુટ જ્યુસ, એનર્જી ડ્રિંક્સ અને સોફ્ટ ડ્રિંક્સ વેચવાની પણ મંજૂરી આપવામાં આવી છે.
આ ઉપરાંત, બિસ્કિટ, પોપકોર્ન, ચિપ્સ, ઇન્સ્ટન્ટ નૂડલ્સ, રેડી-ટુ-ઈટ ખાદ્ય પદાર્થો, સોસ, જામ અને અથાણાં જેવી પેક્ડ વસ્તુઓનું વેચાણ કરી શકાશે. આ સિવાય ડેરી પ્રોડક્ટ્સ, બેકરી પ્રોડક્ટ્સ, પરોઠા, કટલેટ, નગેટ્સ જેવા રેડી-ટુ-કૂક ફ્રોઝન ફૂડ અને મધ્યમ કદના ડીપ ફ્રીઝરમાં આઈસ્ક્રીમ રાખવાની મંજૂરી રહેશે.
સાબુ, શેમ્પૂ, ટૂથપેસ્ટ, ડીટરજન્ટ, ટીશ્યુ પેપર, સેનિટરી નેપકિન્સ, ટોઇલેટ પેપર, નાના બાળકોના ડાયપર, બેબી ફૂડ, વાઇપ્સ, પાલતુ પ્રાણીઓનો ખોરાક, સ્ટેશનરી અને દૈનિક વપરાશની નાની વસ્તુઓ પણ વેચાણ માટે રાખી શકાશે.
કિઓસ્ક ચાલકો માટે ભારતીય અન્ન સુરક્ષા અને માનક પ્રાધિકરણ ના નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે, જે અંતર્ગત તેમણે કિઓસ્કની અંદર તેમજ તેની આસપાસના વિસ્તારમાં સંપૂર્ણ સ્વચ્છતા જાળવવી પડશે.
આ ઉપરાંત, કિઓસ્કની આસપાસ આશરે એક મીટરના વિસ્તારમાં કચરાપેટી અને કચરા માટેની થેલીઓ રાખવી જરૂરી છે. વેચાણ માટે મંજૂર થયેલી અને પ્રતિબંધિત વસ્તુઓનું સ્પષ્ટ વિભાજન કરવામાં આવ્યું હોવાથી અનધિકૃત વેચાણ પર અંકુશ મેળવવામાં મદદ મળશે.