મુંબઈઃ સોમવારે સવારના ધસારાના સમય દરમિયાન મધ્ય રેલવેની મેઈન લાઈન પર એકસાથે બે અલગ અલગ ટેકનિકલ ખામી સર્જાતાં લોકલ ટ્રેનવ્યવહારનું આખું ટાઈમટેબલ વેરવિખેર થઈ ગયું હતું. એક તરફ મુલુંડ-થાણે વચ્ચે ઓવરહેડ વાયર પર બહારનો વાયર પડતાં પાવર સપ્લાય બંધ કરવો પડ્યો હતો, તો બીજી તરફ કાંજુરમાર્ગ ખાતે સિગ્નલિંગના રિલે રૂમમાં આગ લાગતાં તમામ છએ છ લાઈનોની ઓટોમેટિક સિગ્નલ સિસ્ટમ સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ હતી.
મધ્ય રેલવે દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર સોમવારે સવારે 10.55 કલાકની આસપાસ મુલુંડ-થાણે વચ્ચે ઓવરહેડ વાયર પર બહારનો વાયર પડતાં પાવર સપ્લાય બંધ કરવો પડ્યો હતો, તો બીજી તરફ અધૂરામાં પૂરુ કાંજુરમાર્ગ ખાતે સિગ્નલિંગના રિલે રૂમમાં આગ લાગતાં અપ-ડાઉન સ્લો અને ફાસ્બ બંને લાઈન પર લોકલ ટ્રેનો અઢીથી ત્રણ કલાક મોડી દોડી રહી હતી. ટ્રેનોના ધાંધિયાને કારણે અઠવાડિયાના પહેલાં જ દિવસે ઓફિસે જતા લાખો નોકરિયાતો અને વિદ્યાર્થીઓ સ્ટેશનો પર તેમ જ ટ્રેનોમાં કલાકો સુધી અટવાઈ પડ્યા હતા.
મુલુંડ-થાણે વચ્ચે ઓએચઈ પર વાયર પડ્યો
સોમવારે સવારે મુલુંડ અને થાણે સ્ટેશનો વચ્ચે ડાઉન લોકલ ટ્રેકના ઓવરહેડ વાયર (OHE) પર બહારથી એક છૂટો વાયર આવી પડ્યો હતો. આ વાયર હટાવવા માટે સુરક્ષાના કારણોસર રેલવેએ તાત્કાલિક વીજ પુરવઠો બંધ કરી સવારે 10 વાગ્યે ઈમરજન્સી બ્લોક હાથ ધર્યો હતો. વાયર હટાવવાની કામગીરી પૂર્ણ થયા બાદ સવારે 10.48 વાગ્યે બ્લોક પૂરો થઈ ગયો હતો અને ટ્રેક ક્લિયર કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં ટ્રેનોની લાંબી લાઈનો જોવા મળી હતી.
કાંજુરમાર્ગમાં રિલે રૂમમાં આગ: છએ લાઈનોના સિગ્નલો ઠપ
હજુ તો થાણે-મુલુંડ વચ્ચે હાથ ધરાયેલો ઈમર્જન્સી પાવરબ્લોકને કારણે ખોરવાયેલો ટ્રેનવ્યવહાર પૂર્વવત્ થયો ના થયો ત્યાં તો કાંજુરમાર્ગ સેક્શનમાં વિક્રોલી અને ભાંડુપ વચ્ચે સિગ્નલિંગ અને ટેલિકોમ્યુનિકેશન (S&T) વિભાગના રિલે રૂમમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી.
આગને લીધે રિલે સિસ્ટમ બળી જતાં આ વિસ્તારના તમામ ઓટોમેટિક સિગ્નલો બંધ થઈ ગયા હતા. આ ખામીની અસર માત્ર સ્લો અને ફાસ્ટ લોકલ પૂરતી મર્યાદિત ન રહેતાં મેલ-એક્સપ્રેસ તેમજ પાંચમી અને છઠ્ઠી લાઈન પર દોડતી તમામ ટ્રેનો પર પડી હતી. પરિણામે, સેક્શનના તમામ તમામ લાઈન ટ્રેનોની લાંબી લાંબી લાઈનો જોવા મળી હતી. સિગ્નલિંગ બંધ થતાં લોકો પાયલટને સલામતીના નિયમ મુજબ 'સ્પેશિયલ ઓથોરિટી' આપીને અત્યંત સાવચેતીપૂર્વક ટ્રેનો ચલાવવાની ફરજ પડી હતી.
સેન્ટ્રલ રેલવેના ચીફ પીઆરઓ (CPRO) ડૉ. સ્વપ્નિલ નીલાના જણાવ્યા અનુસાર, રિલે રૂમમાં આગ લાગવાના કારણની તપાસ કરવામાં આવી રહી છે અને સ્થિતિ વહેલી તકે થાળે પાડવા યુદ્ધના ધોરણે ટેકનિકલ ટીમો કામ કરી રહી છે.
કલ્યાણ, કસારા અને કર્જત-ખોપોલી રૂટ પર ભારે અંધાધૂંધી
ટ્રેનો બેથી અઢી કલાક મોડી દોડતી હોવાને કારણે કલ્યાણ, ડોબિંવલી, થાણે, મુલુંડ, ભાંડુપ, વિક્રોળી અને ઘાટકોપર જેવા વ્યસ્ત સ્ટેશનો પર પ્લેટફોર્મ મુસાફરોથી ખીચોખીચ ભરાઈ ગયા હતા. વિલંબના કારણે ટ્રેનોમાં અતિશય ભીડ થઈ જતાં મુસાફરો માટે લોકલની અંદર પગ મૂકવો પણ અશક્ય બની ગયો હતો. ગરમી અને અકળામણથી બચવા ટ્રેનમાંથી ઊતરીને પાટા પર ચાલીને નજીકના સ્ટેશને પહોંચવાની ફરજ પડી હતી.