Mon Sep 07 2026

Logo

સરકારી બફર સ્ટોકમાં રહેલા કાંદાની ગુણવત્તા સારી, કાંદાની ગુણવત્તા જાળવી રાખવા સીડબ્લ્યુસીમાં સંગ્રહ મદદરૂપઃ ગ્રાહક બાબતોના સચિવ

2026-08-28 20:08:01
Author: Ramesh Gohil
સરકારી બફર સ્ટોકમાં રહેલા કાંદાની ગુણવત્તા સારી, કાંદાની ગુણવત્તા જાળવી રાખવા સીડબ્લ્યુસીમાં સંગ્રહ મદદરૂપઃ ગ્રાહક બાબતોના સચિવ

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા બફર સ્ટોક માટે સંગ્રહ કરવામાં આવેલા કાંદાની ગુણવત્તા સારી છે અને કાદાની ગુણવત્તા લાંબા સમયગાળા સુધી જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવા માટે આ વર્ષે પહેલી વખત સેન્ટ્રલ વૅરહાઉસિંગ કોર્પોરેશન (સીડબ્લ્યુસી)ને જોડવામાં આવ્યું હોવાનું ગ્રાહક બાબતોનાં સચિવ નીધિ ખરેએ આજે જણાવ્યું હતું. સરકાર દ્વારા જાળવવામાં આવેલા 1.21 લાખ ટન કાંદાના બફર સ્ટોક પૈકી 30 ટકા માલ સડી ગયો હોવાના અહેવાલોને નકારી કાઢતા તેમણે પીટીઆઈને એક મુલાકાતમાં જણાવ્યું હતું કે આવું કશું નથી થયું અને માલની ગુણવત્તા સારી છે. 

અગાઉના કાંદાનો બફર સ્ટોક વેપારીઓ પાસે સંગ્રહિત કરવામાં આવતો હતો, પરંતુ તેનાથી વિપરીત આ વખતે સીડબ્લ્યુસીને જવાબદારી સોંપવામાં આવી હતી, જેમાં તૃતિય પક્ષ નિયમિત સમયાંતરે સ્ટોકમાં રહેલા માલની ગુણવત્તાનું મૂલ્યાંકન કરવામાં આવે છે, એમ તેમણે  કાંદાના સંગ્રહ પાછળનું ગણિત સમજાવતા કહ્યું હતું કે શાકભાજીમાં 90 ટકા પાણી હોય છે અને લણણી પછી ત્રણ મહિના સુધી તેની ગુણવત્તા જાળવી રાખે છે, ત્યાર બાદ  પાણીનું બાષ્પીભવન થતાં તે દર મહિને સંકોચાય છે. માલના બગાડનું પ્રમાણ સંગ્રહની સ્થિતિ અને હવાની આવનજાવનની સ્થિતિ પર અવલંબિત હોય છે. 

વધુમાં તેમણે કહ્યું હતું કે મે મહિનામાં અમુક માત્રામાં કાંદાની ખરીદી કરવામાં આવી હતી, પરંતુ બફર સ્ટોક માટેનો મોટી માત્રામાં હિસ્સો જૂન-જુલાઈ મહિનામાં ખરીદવામાં આવ્યો હતો જેને કારણે તેની ગુણવત્તા સારી રહી છે. આ વર્ષે દેશમાં કાંદાની રિકવરી વર્ષ 2022નાં 49 ટકા, વર્ષ 2023નાં 54 ટકા અને વર્ષ 2024નાં 63 ટકા સામે 72 ટકા રહેવાની ધારણા તેમણે વ્યક્ત કરી હતી. નોંધનીય બાબત એ છે કે કાંદાની પ્રાપ્તિ નાફેડ અને એનસીસીએફ જેવી સરકારી એજન્સીઓ દ્વારા કરવામાં આવે છે. 

દિલ્હી, ચેન્નાઈ, મદુરાઈ, એર્નાકુલમ અને ગુવાહાટી સમર્પિત રેલ રેકમાં કાંદા એક્સ્પ્રેસ દ્વારા કાંદાનું પરિવહન થતાં 453 ટન કાંદા ગત શુક્રવારે નવી દિલ્હી પહોંચ્યા છે. જેને કારણે નવી દિલ્હી અને આસપાસનાં શહેરોમાં ખાતે પુરવઠો વધતાં નજીકના ભવિષ્યમાં કાંદાના રિટેલ ભાવમાં ઘટાડો જોવા મળે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી. હવે અલ નિનોનો ભય દૂર થયો હોવાથી રવી કાંદાના પાક પર માઠી અસર પડવાની ભીતિ હળવી થઈ છે.

સિંચાઈમાં સુધારો થયો છે અને મુખ્ય જળાશયોમાં પાણીનું સ્તર સંતોષજનક સપાટીએ હોવાનું તેમણે કહ્યું હતું. ગ્રાહક બાબતોની મંત્રાલયના આંકડા મુજબ ગત ગુરુવારે દેશની રાજધાની નવી દિલ્હીમાં કાંદાનાં રિટેલ ભાવ ગત સાલના સમાનગાળાના કિલોદીઠ રૂ. 33 સામે વધીને રૂ. 88ની સપાટીએ રહ્યા હતા, જ્યારે દેશભરમાં રિટેલમાં કાંદાના સરેરાશ ભાવ કિલોદીઠ રૂ. 46.58 અને જથ્થાબંધ ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 38.29ના મથાળે રહ્યા હતા.