Wed Oct 14 2026

Logo

પ્રભાદેવીમાં ગણપતિ વિસર્જનના સરઘસમાં કાર ઘૂસી: ચાર જખમી

2026-09-26 20:41:07
Author: Yogesh C. Patel
પ્રભાદેવીમાં ગણપતિ વિસર્જનના સરઘસમાં કાર ઘૂસી: ચાર જખમી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
દાદરના પ્રભાદેવી વિસ્તારમાં ‘કેજી માર્ગચા રાજા’ ગણપતિ વિસર્જનના સરઘસ પર હોન્ડા સિટી કાર ધસી જતાં ચાર ભક્તો જખમી થયા હતા. ઉશ્કેરાયેલા લોકોએ કારની તોડફોડ કરી હતી તો પોલીસે કારના ડ્રાઈવરને તાબામાં લઈ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસના જણાવ્યા મુજબ પ્રભાદેવીમાં કાકા સાહેબ ગાડગીળ માર્ગ પરના ઈન્દ્ર ટાવર નજીક શુક્રવારની રાતે આ ઘટના બની હતી. પોલીસે ઘટના સમયે કાર ચલાવતા પ્રણવ રાકેશ અગ્રવાલ (21)ને તાબામાં લીધો હતો.
મળતી માહિતી અનુસાર અનંતચતુર્દશી નિમિત્તે કેજી માર્ગચા રાજાનું વિસર્જન સરઘસ નીકળ્યું હતું. ભક્તો ગુલાલને ઉછાળી વાંજિત્રોના તાલ પર નાચવામાં મશગૂલ હતા ત્યારે એકાએક કાર સરઘસ તરફ ધસી આવી હતી.

કહેવાય છે કે વળાંક લેતી વખતે અગ્રવાલે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેને પગલે કાર ભક્તો પર ધસી ગઈ હતી. મહિલા સહિત ચાર જણને કારણે અડફેટે લેતાં ગભરાટની સાથે લોકોમાં રોષ ફેલાયો હતો. ઉશ્કેરાયેલા લોકોએ કારની તોડફોડ કરી હતી.

દરમિયાન બંદોબસ્તમાં હાજર દાદર પોલીસની ટીમે તાત્કાલિક તરત જ આરોપી ડ્રાઈવરને તાબામાં લીધો હતો. જખમીઓમાંથી બેને પરેલની કેઈએમ હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યારે બેને ખાનગી હૉસ્પિટલમાં લઈ જવાયા હતા. સારવાર બાદ તેમનું સ્વાસ્થ્ય સુધારા પર હોવાનું પોલીસે જણાવ્યું હતું.

ઘટના સમયે અગ્રવાલ નશામાં હતો કે કેમ તેની ખાતરી કરવા પોલીસ તેને સાયન હૉસ્પિટલમાં લઈ ગઈ હતી. તેના લોહીના નમૂના તપાસ માટે મોકલવામાં આવ્યા હોવાનું પોલીસનું કહેવું છે. પોલીસની બીજી ટીમ જખમીઓનાં સવિસ્તર નિવેદન નોંધવા ગઈ હતી.

ડેપ્યુટી પોલીસ કમિશનર મહેન્દ્ર પંડિતના કહેવા મુજબ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરી હતી. જોકે કાર્યવાહી પછી ઘટનાસ્થળે પરિસ્થિતિ શાંતિપૂર્ણ હોવાનું તેમનું કહેવું છે.