Thu Nov 19 2026

Logo

ઉપલેટાના ભાયાવદરમાં  સેક્સ પાવરની દવાના નામે પોર્ન મોકલી બ્લેકમેલ કરતા ત્રણ કોલ સેન્ટર પકડાયા

2026-10-23 14:57:31
Author: Mumbai Samachar Team
ઉપલેટાના ભાયાવદરમાં  સેક્સ પાવરની દવાના નામે પોર્ન મોકલી બ્લેકમેલ કરતા ત્રણ કોલ સેન્ટર પકડાયા

રાજકોટઃ  ઉપલેટા તાલુકાના ભાયાવદર ટાઉનમાં પુરુષત્વ અને સેક્સ્યુઅલ પાવર વધારવાની દવાઓના ઓનલાઇન વેચાણના નામે લોકોને છેતરતા અને બ્લેકમેલ કરતા એક મોટા નેટવર્કનો ભાયાવદર પોલીસે પર્દાફાશ કર્યો હતો. પોલીસે બાતમીના આધારે એકસાથે ત્રણ સ્થળોએ દરોડા પાડીને ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવતા ૧૦ શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા, જ્યારે આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય પાંચ સૂત્રધારોની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

નકલી ડૉક્ટર બની પોર્ન સામગ્રી મોકલતા અને પછી બ્લેકમેલ કરતા

પોલીસ તપાસમાં સામે આવેલી ચોંકાવનારી વિગતો મુજબ, આરોપીઓ એક વેબસાઇટ મારફતે ગ્રાહકોનો સંપર્ક કરતા હતા. ત્યારબાદ તેઓ ખોટા ડૉક્ટર બનીને વાત કરતા અને B-12 તથા ‘ન્યુરો શક્તિ પ્લસ’ જેવી કહેવાતી આયુર્વેદિક પ્રોડક્ટ્સના બહાને ગ્રાહકોને પોર્ન સાહિત્ય મોકલીને ઉત્તેજિત કરતા હતા.

જો કોઈ ગ્રાહક દવા ખરીદવાની ના પાડે કે ઓર્ડર કેન્સલ કરવાની વાત કરે, તો તેને માનસિક ત્રાસ આપી ધમકાવવામાં આવતો હતો. આરોપીઓ ગ્રાહકને એવી ધમકી આપતા કે આ અંગે તેના પરિવારને જાણ કરી દેવામાં આવશે અથવા તો પોલીસ ફરિયાદ કરીને તેને આજીવન જેલમાં મોકલી દેવાશે. આવી ગંદી ધમકીઓ આપીને ગ્રાહકોને બ્લેકમેલ કરી તેમની પાસેથી બળજબરીપૂર્વક રૂપિયા પડાવવામાં આવતા હતા.

ત્રણ અલગ અલગ સ્થળોએ પોલીસના એકસાથે દરોડા

આ ગેરકાયદે પ્રવૃત્તિ અંગે ચોક્કસ બાતમી મળતાં ભાયાવદર પોલીસની ટીમે પ્લાન બનાવીને ટાઉનમાં આવેલા ઉમિયાનગર, સિનેમા રોડ અને મતવા શેરી એમ ત્રણ અલગ અલગ સ્થળોએ એકસાથે દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન ત્રણેય જગ્યાએ ધમધમતા કોલ સેન્ટર પકડાઈ ગયા હતા. પોલીસે સ્થળ પરથી ૧૮ નંગ કોમ્પ્યુટર/લેપટોપ, ૨૩ મોબાઈલ ફોન અને ઇન્ટરનેટ રાઉટર સહિત કુલ રૂપિયા ૫,૧૬,૭૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પોલીસે સ્થળ પરથી આ કૌભાંડમાં સામેલ ૧૦ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે મુખ્ય સૂત્રધાર પૈકીના હાર્દિક ખાંભલા સહિત અન્ય પાંચ ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ ટોળકીએ અત્યાર સુધીમાં કેટલા લોકોને ધમકાવીને નાણાં પડાવ્યા છે તે દિશામાં પણ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.