દેશના સૌથી વ્યસ્ત રેલવે રુટ્સ પર ટ્રાફિકનું ભારણ ઘટશે; 5 રાજ્યોના 14 જિલ્લાઓ અને 56 લાખ લોકોને મળશે સીધો લાભ
નવી દિલ્હીઃ ભારતીય રેલવેને આધુનિક બનાવવાની દિશામાં કેન્દ્ર સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે. દેશના સૌથી વ્યસ્ત રેલવે રુટ્સ પર ટ્રેનોની વધતી સંખ્યા અને પરિહવનના વધી રહેલા ભારણને હળવું કરવાના ભાગરુપે સાત હાઈ ડેન્સિટી નેટવર્ક કોરિડોરને ફોર-લેન મારફત મજબૂત કરવામાં આવશે. કેન્દ્રીય કેબિનેટે આ રેલવેની મહત્ત્વની યોજનાને મંજૂરી આપી છે, જેને લઈ આગામી સમયગાળામાં દેશમાં ટ્રેનોની ક્ષમતા વધારવા અને ટ્રાવેલિંગ વધુ સુગમ બનાવવામાં પણ મદદ મળશે.
દેશના વ્યસ્ત રેલવે માર્ગો પર ટ્રાફિકનું ભારણ ઘટાડાશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં રેલવેના આધુનિકીકરણને લઈને અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે દેશના સાત હાઈ-ડેન્સિટી રેલવે કોરિડોરને ચાર લેન અને ચાર ટ્રેકવાળા બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે કેબિનેટના નિર્ણયોની માહિતી આપતા જણાવ્યું કે આ પ્રોજેક્ટ્સનો ઉદ્દેશ દેશના વ્યસ્ત રેલવે માર્ગો પર ટ્રાફિકનું ભારણ ઘટાડવા, મુસાફરો અને માલગાડીઓની અવરજવર વધુ સરળ બનાવવા તેમજ રેલવે નેટવર્કને આધુનિક બનાવવાનો છે.
ગોલ્ડન ક્વાડ્રિલેટરલમાં ઉમેરાશે બે ડાયાગોનલ રૂટ
સરકાર દ્વારા મંજૂર કરાયેલા હાઈ-ડેન્સિટી નેટવર્કમાં દિલ્હી-મુંબઈ, મુંબઈ-ચેન્નાઈ, ચેન્નાઈ-કોલકાતા અને કોલકાતા-દિલ્હી જેવા મહત્વપૂર્ણ રૂટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દિલ્હી-ચેન્નાઈ અને મુંબઈ-કોલકાતા જેવા બે ડાયાગોનલ કોરિડોર તેમજ દિલ્હી-ગુવાહાટી રૂટ પણ હાઈ-ડેન્સિટી નેટવર્કનો ભાગ છે.
રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે દિલ્હીથી મુંબઈ, મુંબઈથી ચેન્નાઈ, ચેન્નાઈથી કોલકાતા અને કોલકાતાથી દિલ્હી સુધીનો રૂટ 'ગોલ્ડન ક્વાડ્રિલેટરલ' બનાવે છે. હવે તેમાં બે ડાયાગોનલ રૂટ ઉમેરાઈ રહ્યા છે, જેમાં દિલ્હી-ચેન્નાઈ અને મુંબઈ-કોલકાતાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દિલ્હી-ગુવાહાટી રૂટ પણ મહત્વપૂર્ણ હાઈ-ડેન્સિટી કોરિડોર છે.
ખડગપુર-ઝારસુગુડા વચ્ચે બનશે ચોથી રેલવે લાઈન
મુંબઈ-હાવડા હાઈ-ડેન્સિટી નેટવર્ક રૂટ પર ખડગપુરથી ઝારસુગુડા સુધી ચોથી રેલવે લાઈન બનાવવાના પ્રોજેક્ટને પણ મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટની કુલ લંબાઈ 367 કિલોમીટર છે અને તેના પર અંદાજે 6,528 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ રૂટ પર ટ્રેન ટ્રાફિકનું પ્રમાણ વધુ હોવાથી વધારાની રેલવે લાઈનથી મુસાફરો તેમજ માલગાડીઓની અવરજવરમાં સરળતા થવાની અપેક્ષા છે.
અરક્કોનમ-રેનીગુન્ટા વચ્ચે ત્રીજી અને ચોથી લાઈન
તમિલનાડુમાં અરક્કોનમથી રેનીગુન્ટા સુધી ત્રીજી અને ચોથી રેલવે લાઈન બનાવવાની પણ મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટની લંબાઈ 77 કિલોમીટર રહેશે અને તેના માટે 1,936 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ વધારાની લાઈનો બનવાથી આ મહત્વપૂર્ણ રૂટ પર ટ્રેન સંચાલનની ક્ષમતા વધશે અને ભવિષ્યમાં વધનારા રેલવે ટ્રાફિકને પહોંચી વળવામાં મદદ મળશે.
બિલાસપુર-કટની સેક્શનને ચાર ટ્રેક બનાવાશે
છત્તીસગઢ અને મધ્ય પ્રદેશના મહત્વપૂર્ણ રેલવે નેટવર્કને પણ આ યોજનામાં ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. બિલાસપુરથી પેન્ડ્રા અને ત્યાંથી આગળ કટની તરફ જતા માર્ગને ચાર ટ્રેકવાળો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે આ વિસ્તારમાં કેટલીક જગ્યાએ પહેલેથી ત્રણ રેલવે લાઈનો બનેલી છે, જ્યારે કેટલીક જગ્યાએ બે લાઈન છે.
તેથી બિલાસપુરથી કટની સુધીના સમગ્ર સેક્શનને ચાર લાઈનવાળું બનાવવાનો પ્રસ્તાવ હાલ તૈયાર છે. તેમણે કહ્યું કે છત્તીસગઢમાં છેલ્લા 50-60 વર્ષથી રેલવે નેટવર્કના વિકાસ પર પૂરતું ધ્યાન આપવામાં આવ્યું નહોતું. જોકે છેલ્લા 12 વર્ષ દરમિયાન રાજ્યમાં એક પછી એક નવા રેલવે પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી રહી છે.
રેલવે પ્રધાને જણાવ્યું હતું કે દેશમાં આશરે 11,000 કિલોમીટરનું હાઈ-ડેન્સિટી રેલવે નેટવર્ક છે. તેમાંથી સાત મહત્વપૂર્ણ કોરિડોર એવા છે જ્યાં ભારતીય રેલવેના આશરે 40 ટકા જેટલા ટ્રાફિકની અવરજવર થાય છે. સરકારના જણાવ્યા અનુસાર આ સાત કોરિડોરમાંથી આશરે 2,000 કિલોમીટરનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને ત્યાં ચાર લાઈન ઉપલબ્ધ થઈ ગઈ છે.
લગભગ 5,000 કિલોમીટર વિસ્તારમાં કામ ચાલી રહ્યું છે અથવા પ્રોજેક્ટને મંજૂરી મળી ચૂકી છે. બાકીના આશરે 4,000 કિલોમીટર માટે ડિટેઈલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) તૈયાર કરવાની અને અંતિમ મંજૂરી મેળવવાની પ્રક્રિયા ચાલી રહી છે.
5 રાજ્યના 14 જિલ્લાને મળશે લાભ
કેન્દ્ર સરકારે આપેલી માહિતી અનુસાર આ રેલવે પ્રોજેક્ટ્સથી પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ એમ કુલ પાંચ રાજ્યોના 14 જિલ્લાઓને સીધો લાભ મળશે. આ પ્રોજેક્ટ્સના કારણે ભારતીય રેલવેનું નેટવર્ક આશરે 656 કિલોમીટર સુધી વધશે. સાથે જ 4,790 ગામોના આશરે 56 લાખ લોકોને વધુ સારી રેલવે કનેક્ટિવિટી મળશે. સરકારનું માનવું છે કે રેલવે કનેક્ટિવિટી વધવાથી આ વિસ્તારોમાં સ્થાનિક સ્તરે રોજગાર અને સ્વરોજગારની નવી તકો ઊભી થશે.
ઝારસુગુડા ઉપરાંત છત્તીસગઢમાં પણ કેટલાક એવા વિસ્તારો છે જ્યાં રેલવે ટ્રાફિકનું ભારે દબાણ છે. આ વિસ્તાર આદિવાસી વસ્તી ધરાવે છે અને વિકાસની દૃષ્ટિએ પણ મહત્વપૂર્ણ છે.તેમણે કહ્યું કે છત્તીસગઢ દેશની આર્થિક વ્યવસ્થા તેમજ ઊર્જા સુરક્ષાની દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ વિસ્તાર છે. તેથી અહીં રેલવે નેટવર્કને મજબૂત બનાવવા અને લાંબા સમયથી ચાલી રહેલી ટ્રાફિકની સમસ્યાઓને દૂર કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
અશ્વિની વૈષ્ણવે કહ્યું કે રેલવેના આધુનિકીકરણ સાથે જોડાયેલા આ પ્રોજેક્ટ્સ વિકસાવવા માટે છેલ્લા 12 વર્ષથી કામ ચાલી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારતીય રેલવેના સંપૂર્ણ કાયાકલ્પ અને આધુનિકીકરણ તરફ સતત કામ કરવામાં આવી રહ્યું છે. સાત હાઈ-ડેન્સિટી કોરિડોરને ચાર લેન અને ચાર ટ્રેકવાળા બનાવવાની કામગીરીથી દેશના સૌથી વ્યસ્ત રેલવે માર્ગોની ક્ષમતા વધશે.
સાથે જ ભવિષ્યમાં જ્યાં ભારે ટ્રાફિક વધવાની સંભાવના છે તેવા અન્ય કોરિડોર પર પણ કામ કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટ્સ પૂર્ણ થયા બાદ મુસાફરોની સુવિધા, માલ પરિવહનની ક્ષમતા, રેલવે કનેક્ટિવિટી અને દેશના મહત્વપૂર્ણ ઔદ્યોગિક તથા ઊર્જા વિસ્તારો સુધીની કનેક્ટિવિટીમાં નોંધપાત્ર સુધારો થવાની અપેક્ષા છે.