Mon Oct 05 2026

Logo

આપણી વિવિધતા આપણી ઓળખ રહે અને આપણો સહયોગ, આપણી પ્રેરણા બને', BRICS સમિટમાં PM મોદીનો સંદેશ

2026-09-13 14:22:00
Author: Mumbai Samachar Team
આપણી વિવિધતા આપણી ઓળખ રહે અને આપણો સહયોગ, આપણી પ્રેરણા બને', BRICS સમિટમાં PM મોદીનો સંદેશ

નવી દિલ્હીમાં આયોજિત BRICS સમિટ 2026 ના બીજા દિવસે પ્રધાનમંત્રી મોદીએ વૈશ્વિક નેતાઓને સંબોધિત કર્યા અને સ્થિતિસ્થાપકતા, નવીનતા, સહકાર અને ટકાઉપણા પર પોતાની વાત રજૂ કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે BRICS અલગ-અલગ મહાદ્વીપો, સંસ્કૃતિઓ અને વિકાસ યાત્રાઓને એકસાથે જોડી રહ્યું છે. આ બ્રિક્સની વધતી તાકાત, આકર્ષણ અને અભૂતપૂર્વ વિશ્વાસનો પુરાવો છે. ભારતની અધ્યક્ષતામાં અમે તમામ પ્રયાસો સ્થિતિસ્થાપકતા, નવીનતા, સહકાર અને ટકાઉપણું - આ ચાર સ્તંભો પર કેન્દ્રીત કર્યા છે. મને ખુશી છે કે આપ સૌના સહયોગ અને સમર્થનથી આપણે આપણા વિઝનને વિન-વિન સહકારમાં બદલી શક્યા છીએ.

બ્રિક્સ Integrated Early Warning System પર સહમતિ

PM મોદીએ કહ્યું કે આજે વિશ્વમાં તણાવની સંખ્યા સતત વધી રહી છે. અને સામાન્ય માનવીના જીવન પર તેની ખૂબ જ નકારાત્મક અસર પણ થઈ રહી છે અને વ્યાપક અસર થઈ રહી છે. મહામારીઓ, ક્લાઈમેટ ડિઝાસ્ટર્સ અને સપ્લાય ચેઈન ડિસ્રપ્શને દર્શાવ્યું છે કે આજના ઇન્ટરકનેક્ટેડ વિશ્વમાં કોઈપણ સંકટ એક ક્ષેત્ર પૂરતું મર્યાદિત રહેતું નથી. તેથી અમે બ્રિક્સ જૂથમાં સ્થિતિસ્થાપકતા (રિઝિલિયન્સ) વધારવા પર વિશેષ ભાર મૂક્યો છે.

ટેક્નોલોજી અને ક્રિટિકલ મિનરલ્સનું વેપનાઇઝેશન પ્રગતિમાં અડચણ

તેમણે આગળ કહ્યું કે ટેક્નોલોજી અને ક્રિટિકલ મિનરલ્સનું વેપનાઇઝેશન (શસ્ત્રીકરણ), આપણી સંયુક્ત પ્રગતિમાં અડચણ બની શકે છે. તેથી અમે ટેક્નોલોજી અપનાવવામાં સમાવેશીતા (ઇન્ક્લુઝિવિટી) પર ભાર મૂક્યો છે. અમારો પ્રયાસ રહ્યો છે કે બ્રિક્સ સહકાર માત્ર સરકારો પૂરતો મર્યાદિત ન રહે. 

બ્રિક્સ કનેક્ટથી કેપેસિટી બિલ્ડિંગને મળ્યું પ્રોત્સાહન

PM મોદી બોલ્યા, 'અમે બ્રિક્સ કનેક્ટના માધ્યમથી સ્કિલ્સ, એમ્પ્લોયબિલિટી, વુમેન ઇન વર્ક ફોર્સ, સોશિયલ સિક્યોરિટી અને કેપેસિટી બિલ્ડિંગને પ્રોત્સાહન આપ્યું છે. નાના ઉદ્યોગોને નોલેજ ફાઇનાન્સ અને નવા માર્કેટ સાથે જોડવા માટે બ્રિક્સ MSME કોઓપરેશન પોર્ટલની પહેલ કરવામાં આવી છે.

બ્રિક્સ દ્વારા સમાવેશી વૈશ્વિક વિકાસને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ

PM મોદીએ આગળ કહ્યું કે આ ચારેય સ્તંભો પર આગળ વધતા બ્રિક્સના માધ્યમથી અમે ઇન્ક્લુઝિવ ગ્લોબલ ગ્રોથને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કર્યો છે. કારણ કે અમારું માનવું છે કે બ્રિક્સમાં વિકસિત સોલ્યુશન્સનો લાભ માત્ર બ્રિક્સ પૂરતો મર્યાદિત ન રહેવો જોઈએ. તેને ગ્લોબલ સાઉથની જરૂરિયાતો અનુસાર અપનાવવાલાયક (એડેપ્ટેબલ) અને સુલભ (એક્સેસિબલ) બનાવવા જોઈએ.

બ્રિકસમાં વધ્યું ગ્લોબલ સાઉથના દેશોનો ભરોસો 

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે મારા અંગત અનુભવથી કહી શકું છું કે બ્રિક્સમાં ગ્લોબલ સાઉથના દેશોનો વિશ્વાસ વધ્યો છે કારણ કે બ્રિક્સમાં તેમની વાત સાંભળવામાં આવે છે.