નવી દિલ્હીઃ ભારત મંડપમ ખાતે તારીખ 12-13 સપ્ટેમ્બરે આયોજિત BRICS સમિટ 2026ની ભારતની સફળ અધ્યક્ષતા વચ્ચે હવે ભોજનના મેન્યૂને લઈને દેશમાં રાજકીય સંગ્રામ છેડાયો છે. સમિટના પ્રથમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 11 સભ્ય દેશો અને સહયોગી દેશોના નેતાઓ માટે યોજાયેલા ગાલા ડિનરમાં માત્ર શાકાહારી (Vegetarian) વાનગીઓ પીરસવામાં આવતાં કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. જો કે, સામે ભાજપ દ્વારા પણ કોંગ્રેસને વળતો જવાબ આપવામાં આવ્યો છે.
દુનિયા પર શાકાહાર લાદવાનો પ્રયાસઃ કોંગ્રેસનો આક્ષેપ
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી અને નેતા પવન ખેડાએ ડિનરના મેન્યૂ અંગે ભાજપ સરકાર પર સવાલો ઉઠાવ્યા છે. રાહુલ ગાંધીએ તો પોતાના એક્સ પર છોલે-ભટૂરેની તસવીર શેર કરતાં લખ્યું કે, દેશની 80 ટકા વસ્તી નોન-વેજિટેરિયન છે અને ભારતમાં નોન-વેજ વાનગીઓ પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તેમણે પોતાની બહેનના હાથના છોલે-ભટૂરેના વખાણ કરતાં કેન્દ્રના નિર્ણય પર કટાક્ષ કર્યો હતો.
કોંગ્રેસમાંથી માત્ર રાહુલ ગાંધી જ નહીં પરંતુ પવન ખેડાએ આક્ષેપ કર્યો કે, ભાજપ પોતાની ખાનપાનની પસંદગી દેશવાસીઓ બાદ હવે આંતરરાષ્ટ્રીય મહેમાનો પર લાદી રહી છે. ભારત એક વિવિધતાસભર દેશ છે જ્યાં વિવિધ પ્રકારના ઉત્કૃષ્ટ માંસાહારી વ્યંજનો બને છે, તો પછી સરકાર વૈશ્વિક મંચ પર ભારતની આ સાંસ્કૃતિક વિવિધતાને શા માટે છુપાવી રહી છે?
I can't believe that Congress party is making politics even on the food menu served to the leaders of BRICS nations. Our guests relished Indian vegetarian cuisine which are rich in flavor and nutritional variety with diverse regional traditions. https://t.co/oq1MJwXX9l
— Kiren Rijiju (@KirenRijiju) September 13, 2026
દેશની સિદ્ધિઓને બદલે ભોજન પર રાજકારણ શરમજનક
કોંગ્રેસના આક્ષેપો સામે કેન્દ્રીય પ્રધાન કિરન રિજિજૂએ આકરો પલટવાર કર્યો છે. તેમણે નામ લીધા વિના સોશિયલ મીડિયા પર લખ્યું કે, BRICS જેવા મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય રાજદ્વારી કાર્યક્રમમાં મહેમાનોને પીરસાયેલા ભોજન પર કોંગ્રેસ રાજકારણ રમી રહી છે તે અત્યંત નિંદનિય છે. વધુમાં કિરન રિજિજૂએ કહ્યું કે, વિદેશી મહેમાનોએ ભારતના વિવિધ પ્રદેશોની શાકાહારી વાનગીઓનો ખૂબ જ આનંદ માણ્યો હતો. કોંગ્રેસ દેશની આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વધતી પ્રતિષ્ઠા અને સમિટની સફળતાને પચાવી શકતી નથી, તેથી જ ડિનર મેન્યૂ જેવા ગૌણ મુદ્દાઓ ઉઠાવીને આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું મહત્વ ઓછું કરવાનો પ્રયાસ કરી રહી છે.