મુંબઈઃ તહેવારોમાં થતા ધ્વનિ અને વાયુ પ્રદૂષણ અંગે બોમ્બે હાઈ કોર્ટે ગંભીર નોંધ લીધી છે જેને લઈ હાઈ કોર્ટે તહેવારો દરમિયાન રસ્તાઓ પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુક્યો છે. કોર્ટે નોંધ્યું હતું કે અવાજના પ્રદૂષણ અંગેના નિયમોનો અમલ કરવામાં આવતો નથી, છતાં સરકાર બધું બરાબર છે નો રાગ આલાપી રહી છે.
હાઈ કોર્ટે મોટેથી વાગતા સંગીત પર "સંયમ" રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને તહેવારોની ઉજવણી માટે વધુ ગરિમાપૂર્ણ અને સુસંસ્કૃત રીત અપનાવવાનું આહ્વાન કર્યું હતું. ન્યાયમૂર્તિ ગિરીશ કુલકર્ણી અને નીલા ગોખલેની ખંડપીઠે અવલોકન કર્યું હતું કે, ધ્વનિ પ્રદૂષણના નિયમોના અમલીકરણમાં તંત્ર તરફથી "બેદરકારી" દાખવવામાં આવી રહી છે.
અદાલતે નોંધ્યું કે ઘોંઘાટ તથા વાયુ પ્રદૂષણ ફેલાવ્યા વિના પણ તહેવારોની ઉજવણી કરી શકાય છે; સાથે જ, વર્તમાન સમયમાં આવા સરઘસો અને ઉજવણીઓ માટે વધુ ગરિમાપૂર્ણ અને સુસંસ્કૃત રીત અપનાવવી અત્યંત આવશ્યક છે તેમ પણ તેણે જણાવ્યું હતું. બુધવારે ઉપલબ્ધ કરાવવામાં આવેલા આદેશમાં અદાલતે કહ્યું હતું કે, રાજ્ય સરકાર બધું ઠીકઠાક છે એમ દર્શાવીને જે ગુલાબી ચિત્ર રજૂ કરે છે તે અસ્વીકાર્ય છે.
ફટાકડા અને લાઉડસ્પીકર પરના પ્રતિબંધ ઉપરાંત, હાઈ કોર્ટે સત્તાવાળાઓને સરઘસો દરમિયાન અવાજની તીવ્રતા (ડેસિબલ સ્તર) નિયંત્રિત કરવા માટે તમામ પગલાં લેવા અને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો. તેમાં એવું પણ સૂચન કરવામાં આવ્યું હતું કે સરઘસો માટે પરવાનગી આપતી વખતે સરકાર મોટી રકમની સુરક્ષા થાપણ (સિક્યોરિટી ડિપોઝિટ)ની માંગ કરી શકે છે.