Wed Oct 14 2026

Logo

બીએમસીની ચોમાસા બાદ શિયાળાની તૈયારી: વાયુ પ્રદૂષણને રોકવા રસ્તા ધોવાની સાથે જ પ્રદૂષણ ફેલાવનારા પર નજર રાખવા નોડલ અધિકારીઓ નિમાશે

2026-09-19 22:53:11
Author: Sapna Desai
બીએમસીની ચોમાસા બાદ શિયાળાની તૈયારી: વાયુ પ્રદૂષણને રોકવા રસ્તા ધોવાની સાથે જ પ્રદૂષણ ફેલાવનારા પર નજર રાખવા નોડલ અધિકારીઓ નિમાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મુંબઈમાં સામાન્ય રીતે ચોમાસાની વિદાય દરમ્યાન તહેવારોની ઊજવણી સાથે  વાતાવરણમાં પ્રદૂષણનું પ્રમાણ વધવાનું શરૂ થઈ જાય છે. હવાની ગુણવત્તા  કથળી જતી હોય છે. તેથી આ વર્ષે  ‘પાણી પહેલા પાળ’ મુજબ પાલિકા કમિશનરે શિયાળાના આગમન પહેલા જ  હવા અને ધૂળના પ્રદૂષણને રોકવા માટે એકથી ૧૫ ઑક્ટોબર દરમ્યાન રસ્તા ધોવા માટે વિશેષ ઝુંબેશ ફરી શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. તેમ જ આ ઝુંબેશ હેઠળ જ ગલીઓ અને રસ્તાઓની સફાઈની સાથે જ મોટા પ્રોજેક્ટની આસપાસ કવર લગાવવા અને પ્રદૂષણ ફેલાવતી પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટે નોડલ અધિકારીની નિમણૂક કરવામાં આવવાની છે.

મુંબઈમાં ચોમાસું લગભગ પૂરું થઈ ગયું છે અને હવે  શિયાળાના આગમન સાથે મુંબઈમાં હવાની ગુણવત્તા કથળી જવાની સાથે જ પ્રદૂષણ વધવાનું જોખમ નિર્માણ થશે. તેથી આ વર્ષે મુંબઈ મહાનગરપાલિકા શિયાળાના આગમન પહેલાથી જ પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટે અનેક ઉપાયયોજના અમલમાં મૂકવાનું શરૂ કરવાની છે, જેમાં  ૧ ઑક્ટોબરથી ૧૫ ઑક્ટોબર દરમ્યાન વિશેષ ઝુંબેશની જાહેરાત કરી છે.

પાલિકા કમિશનર અશ્ર્વિની ભીડેએ તાજેતરમાં પાલિકા  મુખ્યાલય ખાતે જુદા જુદા  વિભાગોના અધિકારીઓ સાથે સમીક્ષા યોજી હતી, જેમાં મુંબઈની હવાની ગુણવત્તાને સુરક્ષિત રાખવાને મુદ્દે ખાસ ધ્યાન આપવા પર તેમણે ભાર આપ્યો હતો. કમિશનરે ક્હ્યું હતું એર ક્વોલિટી ઈન્ડેકસ (એક્યુઆઈ) હાલમાં નિયંત્રણમાં છે પરંતુ ચેતવણી આપી હતી કે બેદરકારી ભારે પડી શકે છે. 

કમિશનરે પર્યાવરણને નિયંત્રણમાં રાખવા માટે ૨૮ મુદ્દા સાથેની ગાઈડલાઈનનું કડક પાલન કરવા પર ભાર મૂક્યો હતો, જેમાં દરરોજ પ્રદૂષણ નિવારક પગલાં તરીકે ૧ થી ૧૫ ઑક્ટોબર દરમ્યાન શરૂ થનારી ઝુંબેશ, ધૂળ અને ઉત્સર્જનને રોકવા માટે શેરીઓની સફાઈ અને મુખ્ય બાંધકામ સ્થળોને આવરી લેવા પર આક્રમક રીતે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. જવાબદારી સુનિશ્ર્ચિત કરવા માટે એક સમર્પિત નોડલ અધિકારી મોટા પ્રોજેકટનું નિરીક્ષણ કરશે, પ્રદૂષણ સ્રોત પર કડક કાર્યવાહી કરવામાં આવશે. 

મુંબઈમાં હાલ હવાની ગુણવત્તા મધ્યમ છે. શનિવારે બપોરના મુંબઈનો એર ક્વોલિટી ઈન્ડેક્સ ૩૬ રહ્યો હતો, તો મોડી સાંજ દરમ્યાન એક્યુઆઈ ૮૬ની આસપાસ રહ્યો હતો, જે મધ્યમ ગણાય છે. જોકે આગામી દિવસ દરમ્યાન ગણેશ વિસર્જન દરમ્યાન ફટાકડા ફોડવાને કારણે પ્રદૂષણનું પ્રમાણ વધી શકે છે.